Kharai Camel : વિશ્વમાં માત્ર કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટની શું છે વિશેષતા જાણો વિશેષ અહેવાલમાં...

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 17, 2024, 8:17 PM IST

Kharai Camel : વિશ્વમાં માત્ર કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટની શું છે વિશેષતા જાણો વિશેષ અહેવાલમાં...

કચ્છમાં ઊંટડીના દૂધનો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થપાયો ત્યારથી ખારાઇ ઊંટોનું પાલન કરતાં ઊંટ ઉછેરકોની વાત જુદી થઇ ગઇ હતી. રોજના 5000 લીટર દૂધ કલેક્શન સાથે કરોડો રુપિયાના વેપાર સુધી પ્રગતિની આ કેડી બહુ જૂની નથી. કેમલ મિલ્કની આજે પારાવાર માંગ ઊભી થઇ છે ત્યારે યુવા માલધારીઓ પણ ખારાઇ ઊંટનું લાલનપાલન કરવામાં રસ લઇ રહ્યાં છે.

ખારાઈ ઊંટપાલકો પ્રગતિના પંથે

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખથી વધારે પશુધન છે. જેમાંથી 12,000 થી પણ વધારે ઊંટોનો સમાવેશ થાય છે.કચ્છમાં ઊંટ પાલકો પહેલા માત્ર શોખ પૂરતા જ ઊંટ રાખતા હતા, પરંતુ જ્યારથી ઊંટડીનાં દૂધનું માર્કેટ વધ્યું અને તેને કારણે ઊંટ પાલકોની આવકમાં વધારો થયો અને માલધારીઓનું જીવન સ્તર ઊંચું આવ્યું છે ત્યારથી ઊંટ પાલકો ઊંટ ઉછેરમાં પણ રસ લેતા થયા છે. આજે ઊંટડીના ભાવો પણ વધ્યા છે અને ઊંટડીના દૂધનું ઉત્પાદન પણ અગાઉની સરખામણીએ વધ્યું છે.

ઊંટપાલન અને વ્પાપાર

વિશ્વમાં માત્ર કચ્છમાં જોવા મળે છે ખારાઈ ઊંટ : કચ્છના માલધારીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરાં, ઘોડા, ઊંટ, ગધેડા રાખે છે. અગાઉ પશુપાલકો ઘોડા અને ઊંટ તો માત્ર શોખ પૂરતા જ રાખતા હતા. જ્યારે આજે ઊંટની અને ઊંટડીના દૂધની કિંમત વધતા વ્યવસાયના ઉદ્દેશ્યથી પણ ઊંટો ઉછેરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 90 દેશો એવા છે કે જ્યાં ઊંટોની વસ્તી જોવા મળે છે.વિશ્વમાં કુલ 6 પ્રકારના ઊંટ જોવા મળે છે જે પૈકી કચ્છમાં મુખ્યત્વે બે નસલના ઊંટ જોવા મળે છે, કચ્છી અને ખારાઇ ઊંટ. કચ્છમાં ઊંટની આ બંને નસલોનાં સંખ્યા જે છેલ્લા પાંચેક વર્ષથી ઘટી રહી હતી, તેમાં હવે વધારો થઇ રહ્યો છે. કારણ કે ઊંટડીના દૂધની માંગ અને બજાર ઊભી થતાં માલધારીઓની આવકમાં વધારો થયો છે. જેને કારણે માલધારીઓ ઊંટ ઉછેર વધુ કરતાં થયા છે અને ઊંટડીના દૂધનો વેપાર પણ કરવા લાગ્યા છે.

ખારાઇ ઊંટની વિશેષતા : ખારાઇ ઊંટની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ખારાઇ ઊંટ પૂરા ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી.જે આ ઊંટોને અન્ય ઊંટો કરતા અલગ પાડે છે. દરિયાઇ ખાડીમાં થતા ચેરિયા( Mangroves ) વનપસ્પતિના પાંદડા ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર,પીલુડી જેવી વનસ્પતિનુ ખારાઈ ઊંટ ચરીયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઇ પ્રદેશની ક્ષારવાળી વનસ્પતિ જ તેનો આહાર હોવાથી તે ખારાઇ તરીકે ઓળખાય છે.

દરિયામાં તરવાની ક્ષમતા
દરિયામાં તરવાની ક્ષમતા

ખારાઈ ઊંટની સંખ્યા 2000થી વધુ : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ખારાઇ જાતિના ઊંટને અલગ નસલ તરીકે માન્યતા આપવામાં આવી છે.જેના રજિસ્ટ્રેશન નંબર INDIA_CAMEL_0400_KHARAI_02009 છે.ખારાઇ દેશની નવમી ઊંટની ઓલાદ છે. સહજીવન સંસ્થાના વર્ષ 2015ના સર્વે મુજબ ગુજરાતમાં ખારાઇ ઊંટની વસ્તી 3664 જેટલી છે,પરંતુ તેનાથી પણ વધારે વસ્તી હોવાની સંભાવના છે. જોકે કચ્છમાં જ આ ખારાઈ ઊંટની સંખ્યા 2000થી વધુ છે.

લુપ્ત થતી પ્રજાતિ હેઠળ : કેન્દ્ર સરકારની પશુ સંરક્ષણની માર્ગદર્શfકા મુજબ જે પશુ ઓલાદની સંખ્યા નેટીવ ટ્રેકમાં 10000થી ઓછી હોય તે થ્રેટનબ્રિડ એટલે કે લુપ્ત થતી પ્રજાતિ હેઠળ આવે છે, જેથી ખારાઈ ઊંટ લુપ્ત થતી પ્રજાતિની યાદી હેઠળ આવે છે. કચ્છના ફકીરાણી જત, જે કાંડી જત તરીકે પણ ઓળખાય છે, તેઓ જ મુખ્યત્વે ખારાઇ ઊંટનો ઉછેર કરે છે. આ જત દરિયાકાંઠે રહેતા હોવાથી કાંઠાનું અપ્રભંશ થઈને કાંઠી થયુ, જેથી તેઓ કાંઠી તરીકે પણ ઓળખાય છે.

ઊંટડીનું દૂધ ડિમાન્ડમાં છે
ઊંટડીનું દૂધ ડિમાન્ડમાં છે

સરેરાશ દૂધ ઉત્પાદન 3.5 લીટરથી 4 લીટર : ઉલ્લેખનીય છે કે, કચ્છી અને વાગડીયા રબારી પણ પરંપરાથી ખારાઇ ઊંટના ઉછેર સાથે સંકળાયેલા છે, પરંતુ હાલમાં તેઓ ફકીરાણી જતોને ઊંટ ચરવા માટે ચરાઇ પર આપે છે. એક દંતકથા મુજબ ઇ.સ. 1600 માં થઇ ગયેલ સાંવલાપીર, જેમની દરગાહ કોટેશ્વર સામેના દરિયાઇ બેટ પર આવેલી છે, તેમના દ્વારા ખારાઇ ઊંટની ઉત્પતિ થઇ તેવુ માનવામાં આવે છે. ખારાઇ ઊંટનુ સરેરાશ દૂધ ઉત્પાદન 3.5 લીટરથી 4 લીટર જેટલુ હોય છે. દુધમાં ફેટનું પ્રમાણ સરેરાશ 3.66 થી 4 જેટલુ હોય છે. જયારે એસ.એન.એફ. 8.22 થી 8.30 જેટલુ હોય છે. ખારાઇ ઊંટનું વેતરનું સરેરાશ દૂધ 1450 લીટર જેટલુ હોય છે.

કેમલ મિલ્ક અનેક રીતે ગુણકારી : ઊંટડીનું દૂધ અનેક રીતે ગુણકારી હોય છે. ઊંટડીના દૂધમાં ભરપૂર ખનીજતત્વ છે, જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આયુર્વેદના પુસ્તકોમાં પણ વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતા ઊંટડીના દૂધ અંગે તેના ઘણાં લાભ દર્શાવવામાં આવ્યા છે. કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે રક્તમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ ઉપયોગી બને છે. સમય જતાં જેમ જેમ વ્યક્તિઓમાં ઊંટડીના દૂધ અંગેની જાગૃતિ વધતી જાય છે તેમ તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માંગ પણ વધતી જાય છે.

વર્ષ 2024 આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ : ઊંટ પ્રકૃતિ માટે જરૂરી છે અને આમ તો રાજસ્થાનની અંદર સૌથી વધારે ઊંટ જોવા મળે છે પરંતુ કચ્છ જિલ્લામાં પણ 12000 જેટલા ઊંટોની સંખ્યા છે.વર્ષ 2024ને યુનેસ્કો દ્વારા વિશ્વ ઊંટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આખી દુનિયાને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કચ્છથી શરૂ કરવામાં આવ્યું છે. કારણકે અહીં ઊંટ પાલકોની જે સહકારી મંડળી છે તે આખા દુનિયામાં ક્યાંય નથી.અહીંયાના ઊંટ પાલકોની સહકારી મંડળીનો ટર્ન ઓવર પણ 1 કરોડથી વધારે થવા પામ્યો છે અને ઊંટપાલકોની આજીવિકા પણ વધી છે.

દાદા પરદાદાની પેઢીથી ઊંટનું પાલન કરવામાં આવી રહ્યું છે. હાલમાં અમારી 40થી 50 જેટલા ખારાઇ ઊંટ છે. આ ઊંટની વિશેષતા એ છે કે તે એક કિનારાથી બીજા કિનારા સુધી દરિયામાં આરામથી તરી શકે છે અને પોતાનો ખોરાક ખાવા દરિયામાં જાય છે. કચ્છમાં ઊંટડીના દૂધના ભાવ સરહદ ડેરીના કારણે સારા મળતા હોવાથી જીવન સ્તર પણ ઊંચું આવ્યું છે. જિલ્લામાં હાલમાં 2000 જેટલા ખારાઇ ઊંટ છે જેમાં મારી પાસે 40થી 50 છે તેમ અન્ય યુવાનો પાસે પણ કોઈ પાસે 100 તો 150 ઊંટ છે...દેવરાજ રબારી (યુવા માલધારી, સણોસરા)

સરહદ ડેરીનું ઊંટપાલકોને 9 કરોડનું ચુકવણું : ઊંટ ઉછેરકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019 માં સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલને સૂચન કર્યા હતાં અને સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું કલેક્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ દૂધના ભાવ પ્રતિ લિટરે 20 રૂપિયા હતા જ્યારે આજે 50 રૂપિયા જેટલો ભાવ માલધારીઓને મળી રહ્યો છે. સરહદ ડેરી આજની તારીખે દરરોજનું ઊંટ માલિકોને 2.5 લાખ રૂપિયાનું ચુકવણું કરે છે એટલે કે માસિક 75 લાખ અને વાર્ષિક 9 કરોડ રૂપિયાનું ચુકવણું ઊંટ ઊછેરક માલધારીઓને કરવામાં આવે છે.

ઊંટપાલન વ્યવસાયમાં ફરીથી જોડાયા માલધારીઓ : ઊંટડીના દૂધનો પ્લાન્ટ પૂરા ભારતમાં એક જ કચ્છમાં છે અને આ પ્લાન્ટની પણ અનેક વિશિષ્ટતા છે. ઊંટડીના દૂધની બજાર ઊભી થતાં જે ઊંટની કિંમત અગાઉ 10000થી 15000 હતી તે વધીને હાલમાં 35,000થી 40,000 જેટલી થઈ ગઈ છે. ઊંટપાલન વ્યવસાયના કારણે ઊંટ માલિકોનું જીવન ધોરણ પણ ઊંચે આવ્યું છે. માલધારીઓની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પરિસ્થતિમાં પણ સુધારો આવ્યો છે.આ ઉપરાંત 100 જેટલા યુવાનો એવા હતા જે ડ્રાઈવર તરીકે ગાડીઓ ચલાવતા હતા તેઓ પણ હવે ઊંટ ઉછેરતા થયા છે.લોકો એક સમયે ઊંટો વેંચતા હતા તેઓ આજે ફરી ઊંટ ખરીદતા થયા છે.

રોજના 4500 થી 5000 લીટર દૂધનું કલેક્શન : કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધનું માર્કેટ સારા પ્રમાણમાં ઊભું થયું છે. જિલ્લામાં 5 જગ્યાએ ઊંટડીના દુધનું કલેક્શન થઈ રહ્યું છે જેમાં સરહદ ડેરી, અમૂલ, સહજીવન અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે મળીને બે મંડળીઓનું સંચાલન કરે છે સારી બજાર મળવાના કારણે આજે રોજના 4500 થી 5000 લીટર દૂધનું કલેક્શન થાય છે. કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની રચના 2011માં કરવામાં આવી હતી. કચ્છ ઊંટ ઉછેરક સંગઠનએ ઊંટના પાલન અને ઉજ્જવળ ભવિષ્યની દિશા તરફ કામ કરી રહ્યું છે.

દૂધ ગંધમુક્ત કરવાની ટેકનોલોજી : કચ્છના આ કેમલ મિલ્ક પ્લાન્ટમાં દૂધમાંથી ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે. ઓગસ્ટ 2022મા વડાપ્રધાને આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું એ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. રૂ.180 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલ મિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આ પ્લાન્ટને મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી કોઈ પણ સ્થળે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી.

કેમલ મિલ્ક પ્લાન્ટના ઉત્પાદનો : ચાંદ્રાણી પ્લાન્ટમાં ઊંટડીના દૂધનું ટેટ્રાપેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને ઊંટડીના દૂધનું આયુષ્ય છ મહિના જેટલું થાય છે અને દૂધમાં ઘટ્ટતા વધે છે. સરહદ ડેરીના પ્લાન્ટમાં ડિયોડરલાઇઝેશન મશીન ઊંટડીના દૂધમાંથી દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ વધી છે. અહીં પ્રોસેસિંગ, સ્ટરિલાઇઝેશન, પેકિંગ, ટ્રેટાપેક થાય છે. બોટલમાં પેકિંગ કરવામાં આવે છે. તો અહીં આઇસ્ક્રીમ- ચોકલેટનું ઉત્પાદન કરીને પણ માર્કેટમાં મોટા પાયે મૂકાશે. ગઈ કાલે અહીં જુદાં જુદાં ફ્લેવરવાળા કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યા છે.

ખારાઇ ઊંટ છે તે સમુદ્રની વચ્ચે બેટ પર આવેલા ચેરિયાના પાંદડા ખોરાક તરીકે આરોગે છે અને તે તેનો મુખ્ય આહાર છે. દુનિયામાં એક માત્ર કચ્છમાં જ આ પ્રજાતિના ઊંટ જોવા મળે છે. ખારાઇ ઊંટની સમુદ્રમાં તરવાની ક્ષમતા દુનિયાનાં અન્ય ઊંટોની સરખામણીએ તદન જુદી હોય છે. ખારાઇ ઊંટને સમુદ્રનું જહાજ કહેવામાં આવે છે.અગાઉ કચ્છમાં પણ આ ઊંટોની સંખ્યા વધારે હતી. ખાસ કરીને નારાયણ સરોવર, મુન્દ્રા, ભચાઉ, કંડલા પોર્ટ, જખૌ વિસ્તારમાં વધારે હતા. પરંતુ છેલ્લા 15થી 20 વર્ષમાં ચેરિયાના વૃક્ષોની સંખ્યા ઘટી જતાં ઊંટોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરીથી ઊંટના દૂધના સારા ભાવ મળવાથી અને ચરિયાણ માટે ચેરિયા મળવાથી ઊંટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે...રમેશભાઈ ભટ્ટી (સહજીવન સંસ્થા)

એક માલધારીની માસિક 30થી 35 હજારની કમાણી : પહેલા નર ઊંટના વેચાણથી માલધારીઓને આવક થતી હતી જે બંધ થઈ જતાં પશુપાલકોએ ઊંટ રાખવાનું છોડી દીધું હતું. પરંતુ ડેરીની શરૂઆત થતાં ફરીથી લોકોએ ઊંટો રાખવાનું શરૂ કર્યું છે.માલધારીઓ એક મહિનામાં 30,000થી 35,000 રૂપિયા આરામથી કમાય છે. પશુપાલન વિભાગ દ્વારા પણ ઊંટના સ્વાસ્થ્ય માટે નિયમિતપણે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. સહજીવન સંસ્થા દ્વારા પશુ નસલ પર સંશોધન કરવામાં આવે છે અને માલધારીઓના સંગઠન દ્વારા તમામ માલધારીઓને સાથે રાખીને આગળ વધવામાં આવી રહ્યું છે.

સરહદ ડેરીના કારણે હવે કાયમી આવક : અન્ય માલધારી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે 5થી 6 પેઢીથી આ ઊંટપાલન કરી રહ્યા છે પરિવાર દ્વારા 100 જેટલા ખારાઇ ઊંટનું પાલન કરવામાં આવે છે. ખારાઇ ઊંટોનું નિર્ભય ચેરિયા પર કરે છે. ખારાઇ ઊંટને દરિયાના પાણી, કાદવ કીચડ પણ જોઈએ એટલે તેમને દરિયાઈ વિસ્તારમાં જ રહેવું પડે છે. ઊંટડીના દૂધનો ભાવ સરહદ ડેરી તરફથી 50 રૂપિયા મળી રહ્યો છે જેની પાસેથી અમૂલ આ દૂધનું માર્કેટિંગ અને પ્રોડક્ટ મારફતે વેંચાણ કરે છે. 1 રૂપિયો છે તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનને મળે છે એટલે કુલ 51 રૂપિયે લિટર આ દૂધ મળે છે. દિવસનું જો 100 લીટર દૂધ હોય તો દિવસની 5000 રૂપિયાની આવક માલધારીઓની થાય છે.જ્યારે દૂધ ઓછું હોય ત્યારે ઓછી આવક થાય છે.અગાઉ જ્યારે દૂધ વેચાય ત્યારે દૂધ મળતું હતું પરંતુ સરહદ ડેરીના કારણે હવે કાયમી આવક થાય છે.

ઊંટ ઉછેરકો માટે સંગઠન : કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઇ રબારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,સંગઠન સાથે 12000થી 13000 ઊંટ પાલકો જોડાયેલા છે. ખારાઇ ઊંટને ચેરિયાના પાંદડા સિવાય બીજો કોઈ પણ ખોરાક માફક નથી આવતું. અગાઉ જે માલધારીઓ ઊંટ વહેંચીને અન્ય વ્યવસાય સાથે જોડાયા હતાં તેઓ પણ હવે ફરીથી 50 રૂપિયા લીટર ભાવ મળતા ઊંટપાલનમાં જોડાયા છે અને વ્યવસાય શરૂ કર્યો છે.

કેમલ મિલ્કને ઓર્ગેનિક તરીકેનું સર્ટીફિકેટ : ઊંટડીના દૂધને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું પણ કહેવામાં આવે છે. ચાંદરાણી સ્થિત સરહદ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે “રાજસ્થાન રાજ્ય બીજ અને ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી” (RSSOCA)ના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા રૂબરૂ કેમલ મિલ્ક ઓર્ગેનિક તરીકેનું પ્રમાણિત સર્ટીફિકેટ પણ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલને આપવામાં આવ્યું હતું. જે પૂરા ભારત દેશમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળ્યું છે જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે.

2017માં ઊંટડીના દૂધનો સંગ્રહ કરવાની શરૂઆત : વર્ષ 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું ત્યારથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ 2017માં ઊંટડીના દૂધનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 2019માં ભારતનો પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના લાખોંદ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. સરહદ ડેરીએ 2017થી રાપરના અને નખત્રાણાના ચિલિંગ સેન્ટર ખાતે માત્ર 300 લિટર પ્રતિ દિવસના સંગ્રહ સાથે શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં ઊંટડીનું દૂધ પ્રતિ દિવસ 4500થી 5000 લિટર પ્રમાણે રાપર, નખત્રાણા, રાજપર, કોટડા આથમણા, દયાપર ખાતેના સેન્ટર પર એકત્રીકરણ કરવામાં આવે છે.

અનેક પરિવારોને રોજી રોટી : સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, ઊંટડીના દૂધની વાત કરવામાં આવે તો સરહદ ડેરીનો પ્લાન્ટ છે તે ભારતનો પહેલા નંબરનો પ્લાન્ટ છે. એશિયામાં ઊંટડીના દૂધના બે પ્લાન્ટ છે જે પૈકી એક દુબઈમાં છે અને એક પ્લાન્ટ પાકિસ્તાનમાં છે. કચ્છ જિલ્લામાં અંદાજિત 13,000 જેટલી ઊંટની વસ્તી છે. અત્યારે 4500 થી 5000 લીટર દૂધનું રોજનું કલેક્શન છે. શરૂઆતના સમયમાં પશુપાલકો આર્થિક સદ્ધરતા માટે 20 રૂપિયે લિટર ઊંટડીનું દૂધ વેચતા હતા જ્યારે આજે 50 રૂપિયે લિટર દૂધ વેચી રહ્યા છે જેના લીધે 450 થી 500 પરિવારોને રોજી રોટી મળી રહી છે.

  1. વિશ્વ ઊંટ દિવસ: ઊંટોના સંવર્ધન માટે ઊંટ ઉછેરક સંગઠન દ્વારા પૂરુ પાડવામાં આવ્યું માર્ગદર્શન
  2. Saurashtra Sale of camels in Kutch : કયા કારણોસર સૌરાષ્ટ્રના પશુપાલકો પોતાના ખારાઇ ઊંટ વેચી રહ્યા છે કચ્છમાં
  3. Camel Milk: કચ્છની સિદ્ધિમાં વધુ એક ઉમેરો, કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.