ETV Bharat / state

Kutch Crime News : ડ્રગ્સ લઈને જતી કારને રોકવા પોલીસને ફાયરિંગ કરવાની પડી ફરજ, પંજાબના પાંચેય આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

author img

By

Published : Jul 12, 2023, 10:41 PM IST

ભુજના માધાપર પાસે આવેલા નળ વાળા સર્કલ પાસે પશ્ચિમ કચ્છ SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહેલા 5 લોકોને ઝડપવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ પોલીસે તમામ પંજાબના રહેવાસી પાંચેય આરોપીને ઝડપી પાડયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat

Kutch Crime News

કચ્છ : પશ્ચિમ કચ્છ SOG અને LCB ને મળેલ બાતમીના આધારે દિલ્હી પાસિંગની સફેદ રંગની બ્રેઝા કારમાં ડ્રગ્સ લઈને આરોપીઓ આવી રહ્યા છે જેને આધારે માધાપર પાસે ખાનગી વાહનોમાં SOG અને LCB ની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જ્યારે આ કાર દેખાઈ ત્યારે તેને રોકવાનો પ્રયત્ન કરાતા કાર ચાલક દ્વારા ફરાર થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસને 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને કારના ટાયર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

કારમાંથી 5 આરોપીઓને ઝડપી લેવાયા : કાર પર કરવામાં આવેલ ફાયરિંગના પગલે કારના પાછળના ટાયરમાં પંચર પડ્યું હતું અને કાર ઊભી રહી ગઈ હતી. જેમાં બેસેલા 5 લોકો પૈકી 3 લોકો સ્થળ પર જ ઝડપાઇ ગયા હતા જ્યારે 2 આરોપીઓ ભાગી ગયા હતા. પરંતુ તેઓ પણ છુપાય તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઘટનાસ્થળ પર મોટી માત્રામાં લોકો ભેગા થઈ ગયા હતા. તમામ આરોપીને એક દુકાનની અંદર લઇ જઇને તેની વધુ પૂછપરછ હાથ ધરાઇ હતી.

ખાનગી બાતમીના આધારે કરાયું સંયુક્ત ઓપરેશન : સમગ્ર ઘટના અંગે માહિતી આપતા પશ્ચિમ કચ્છ એસપી ડૉ.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, "આજે સાંજે માધાપરના રોડ પાસે ખાનગી બાતમીના આધારે ડ્રગ્સ સાથે ચોક્કસ કાર પસાર થવાની હોવાથી કાર નીકળતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક રોકાવાના બદલે નાશી જવાનો પ્રયત્ન કરતા પોલીસ દ્વારા કાર પર 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને કારનું ટાયર પંચર કરવામાં આવ્યું હતું."

ડ્રગ્સ અંગેની વધુ તપાસ હાથ ધરાઇ : "કાર ઊભી રહી જતા 3 આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાયા હતા જ્યારે 2 આરોપીઓ નાસીને સંતાય તે પહેલાં તેને પણ ઝડપી લેવાયા હતા. 5 આરોપીની પૂછપરછ શરૂ કરાઇ છે. 5 આરોપી પંજાબના રહેવાસી છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન 300થી 350 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ગાડીના સ્ટયરીંગ નીચેથી મળી આવ્યો છે અને પોલીસે કારની વધુ તપાસ હાથ ધરી છે. FSLની ટીમને પણ ડ્રગ્સની તપાસ માટે બોલાવવામાં આવી છે. આ ફાયરીંગમાં કોઈને ઇજા પહોંચી નથી અને સામેથી કોઈ પણ આરોપીઓએ ફાયર કર્યું નથી. જોકે આરોપીઓ પાસે કોઈ હથિયાર હતા કે નહીં તેની તપાસ પણ હાથ ધરાઇ છે. આગામી સમયમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે તો આ ડ્રગ્સ કોને મંગાવ્યો ક્યાં ડિલિવર કરવાનો હતો તે સહિતની માહિતી વધુ પૂછપરછમાં સામે આવશે."

  1. Ahmedabad Crime : વેજલપુરમાંથી MD ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ, સપ્લાયરની તપાસ શરૂ
  2. Rajkot News: રાજકોટમાંથી વધુ એક વખત 14.39 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.