ETV Bharat / state

Kutch Crime : આદિપુર નજીક ઝાડીઓમાંથી મૃતદેહ મળ્યો, અંજારના કિશોરના અપહરણ મામલે કનેક્શન નીકળતા ચકચાર મચી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 5:39 PM IST

Kutch Crime
Kutch Crime

આદિપુર નજીક ઝાડીઓમાંથી હાલમાં જ એક મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર અંજારમાંથી અપહરણ થયેલ કિશોર અને આ હાલ મળેલા મૃતદેહ વચ્ચે કનેક્શન સામે આવ્યા છે.

આદિપુર નજીક ઝાડીઓમાંથી મૃતદેહ મળ્યો

કચ્છ : અંજારના ટીમ્બર વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ કર્યા બાદ 1.25 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે આજે આદિપુર નજીકની ઝાડીઓમાંથી કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. અંજારના મેઘપર બોરીચીથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયેલ યુવાનની હત્યા થઈ હોવાની પૂરેપૂરી શક્યતા હોવાનું પોલીસે પ્રાથમિક તારણમાં જણાવ્યું છે.

અંજારના કિશોરનું અપહરણ : છેલ્લા ચાર દિવસથી અંજારના ટીમ્બરના વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ થયાની ઘટના બની હતી. આ અંગે પોલીસ દ્વારા વ્યાપક તપાસના અંતે ક્યાંય પણ કિશોરનો અતોપતો મળ્યો નહોતો. આ દરમિયાન ગઈકાલે સાંજે આદિપુર નજીક પંચમુખી હનુમાન મંદિર પાછળની ઝાડીઓમાં એક સ્થળેથી અપહરણ થયેલા કિશોરનું બુટ મળી આવ્યું હતું.

આદિપુર નજીક મળ્યું બુટ : પોલીસ દ્વારા તપાસ કરતા જમીનમાં કંઈક દટાયેલું હોવાના અણસાર મળતા આખા વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં મોડી રાત્રી સુધી કાર્યવાહી બાદ આજે અંજાર તાલુકાના મામલતદાર, નાયબ કલેકટર અને પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી આગળ ધપાવતા સ્થળેથી એક મૃતદેહ મળી આવ્યો હતો.

જે મૃતદેહ મળ્યો છે તેના કપડા અને ઘડિયાળ પરથી મૃતક અપહરણ થયેલ કિશોર હોવાની શક્યતા છે. નજીકમાંથી તેના બુટ પણ મળ્યા છે અને આ અંગે પોલીસ દ્વારા વ્યાપક રૂપે તપાસ હાથ ધરવામાં આવી છે. -- મુકેશ ચૌધરી (નાયબ પોલીસ અધિક્ષક, અંજાર)

તપાસ કરતા મળ્યો મૃતદેહ : આદિપુર પાસે મળેલા મૃતદેહની ઓળખ સ્પષ્ટ નથી થઈ, પરંતુ મૃતક વ્યક્તિ અપહરણ થયેલ કિશોર હોવાની શક્યતાના પગલે ચકચાર મચી ગઈ હતી. સતત ચાર દિવસ પોલીસની વ્યાપક શોધખોળ છતાં અપહરણ થનાર કિશોરની કોઈ ભાળ નહોતી મળી. આખરે બે દિવસ અગાઉ "મેં ફસ ગયા હું" બોલીને વીડિયો વાયરલ કરનાર સંભવત કિશોરનો મૃતદેહ હોવાની શક્યતા છે.

મૃતદેહનું અપહરણ સાથે કનેક્શન : અંજારનો કિશોર ગુમ થયાના ત્રીજા દિવસે જે સ્થળેથી મે ફસ ગયા હું બોલીને વીડિયો કિશોરના આઇડી પરથી વાયરલ થયો હતો. એ જ જગ્યાએ મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહના વસ્ત્રો અને ઘડિયાળ અને નજીકમાંથી મળી આવેલ બુટ અપહરણ થયેલ કિશોરના જ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વણઉકેલાયેલા પ્રશ્નો : કિશોરના અપહરણ થયા બાદ પોલીસ દ્વારા અંજાર, આદિપુર તેમજ ગાંધીધામ સુધીના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં આદિપુર ખાતે કિશોર પોતાના એક્ટિવામાં ડબલ સવારી એટલે કે અન્ય એક યુવકને બેસાડી જતો હોવાનું જણાઈ આવ્યું હતું. પરંતુ એ વ્યક્તિ કોણ છે અને ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળેલા કિશોરનું અપહરણ કોણે કર્યું અને તે ક્યાં ગયો ? તેની હત્યા થઈ, તો કોણે અને શા માટે કરી ? આવા કેટલાય પ્રશ્નનો હજી પણ વણઉકેલાયેલા છે.

1.25 કરોડની ખંડણી : અપહરણકર્તાઓએ કિશોરને મુક્ત કરવા માટે 11 તારીખે મુંબઈ ખાતે 1.25 કરોડ રૂપિયા પહોંચાડવાની વાત કરી હતી. પરંતુ જે નંબરથી ફોન આવ્યો હતો એ નંબર સતત બંધ આવે છે. ત્યારે આ ઘટનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકાર બની રહ્યો છે.

પોલીસ તપાસ : ઉલ્લેખનીય છે કે, આદિપુર પાસે ખાડામાં ઊંધા માથે દાટી દેવાયેલો મૃતદેહ રિકવર કરી પોલીસે ફોરેન્સિક તપાસ માટે મૃતદેહને જામનગર મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની ઘટનાસ્થળેથી જ વિગતો આપતા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જે મૃતદેહ મળ્યો છે તેના કપડા અને ઘડિયાળ પરથી મૃતક અપહરણ થયેલ કિશોર હોવાની શક્યતા છે. નજીકમાંથી તેના બુટ પણ મળ્યા છે અને આ અંગે પોલીસ દ્વારા વ્યાપક રૂપે તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Kutch Crime News : ડ્રગ્સ લઈને જતી કારને રોકવા પોલીસને ફાયરિંગ કરવાની પડી ફરજ, પંજાબના પાંચેય આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા
  2. Kutch Crime : ગાંધીધામના પીએમ આંગડિયા પેઢીમાં ધોળા દિવસે 1 કરોડની લૂંટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.