નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો, ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથક

author img

By

Published : Jul 26, 2021, 10:20 PM IST

નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો

નખત્રાણા તાલુકામાં પવનચક્કીના આગમન બાદ રાષ્ટ્રીય પક્ષી મોરના મરણ થવાના બનાવ રોજિંદા બની રહ્યા છે, ત્યારે આ વિસ્તાર વિકાસના પગલે પશુઓ માટેની રક્ષિત ગૌચર જમીન બચાવવા ગ્રામજનોને આગળ આવવું પડી રહ્યું છે. સ્થાનિકોએ પોતાના કામ ધંધા બંધ રાખી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ પવનચક્કી ન લગાડવા વિરોધ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારી નિયમોની અવગણના કરતી કંપનીઓ પોતાની મનમાની કરવા પવનચક્કીના ટાવર લગાવવા પશુઓના ચરિયાણ દૂર કરી રહી છે. જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  • નખત્રાણામાં પવનચક્કી કંપનીની દાદાગીરી, મહંત પર હુમલો
  • અબડાસાના ધારાસભ્ય સહિત ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથક
  • નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કચ્છ : પવનચક્કીના કારણે ઘણા પક્ષીઓના મોત થતા હોય છે, ત્યારે, છેલ્લાં એક મહિનાથી નખત્રાણા તાલુકાના સાંગનારા, નાની વિરાણી, મોટી વિરાણી ગામની રક્ષીત ગૌચર જમીન પર પવનચક્કી લગાડવા આવી ચડેલા કંપનીના કર્મીઓને ગ્રામજનોએ ટાવર લગાડતા રોકવામાં આવતા, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ પરિસ્થિતિ થાળે પાડવા કોશિશ કરી હતી. જેના પંદર દિવસ બાદ પણ પરિસ્થિતિ થાળે પડવાના સ્થાને વધુ વણસી રહી છે.

નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો

બળજબરી પૂર્વક વીજ વાયરો પસાર કરાયા

કચ્છના બારડોલી સમાન નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કીની કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ વાયરો પસાર કરવા માટે ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ખેડૂતો દ્વારા કંપનીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં ખેડૂતોનો અવાજ દબાવી તેમની માંગો અવગણીને કંપનીઓ દ્વારા દાદાગીરી પૂર્વક કામગીરી કરાઈ રહી છે. તેવામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના ગામ એવા મોટી વિરાણીમાં રવિભાણ આશ્રમના લઘુ મહંત સુરેશદાસજી બાપુ પર હુમલો કરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતો રોષે ભરાયાં છે.

આ પણ વાંચો: કચ્છમાં ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પવનચક્કી અને વીજપોલ ઊભા કરયા હોવાનો કિસાન કોંગ્રેસે કર્યો આક્ષેપ

સંત પર થયેલા હુમલા કરવામાં આવતા વિરોધ

મળતી માહિતી મુજબ, નખત્રાણાના મોટી વીરાણીમાં સનપાવર કંપની સામે કિસાન સંઘના આગેવાનો તેમજ ગ્રામજનો ખફા થયા છે. કંપની દ્વારા ગામમાં રામવાડી વિસ્તારમાં પાથરવામાં આવતી વીજ લાઈન બાબતે સ્થાનીક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી વિરાણી રવિભાણ આશ્રમના લઘુ મહંત સુરેશદાસજી બાપુની આગેવાનીમાં કંપનીનો વિરોધ નોંધાવાયો હતો. જેમાં કંપનીના જવાબદારોએ લઘુ મહંતને માર મારીને હુમલો કરતા મામલો ગરમાયો હતો. સંત પર થયેલા હુમલાને પગલે ગ્રામજનો અને કિસાનોની લાગણી દુભાઈ હતી. જેને કારણે મોટી સંખ્યામાં કિસાનો અને ગ્રામજનો નખત્રાણા પોલીસ મથકે ધસી આવ્યા હતા અને કંપનીઓ દ્વારા ચલાવાતી દાદાગીરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત

આ દરમિયાન અબડાસાના ધારાસભ્ય અને મોટી વિરાણીના જ વતની પ્રદ્યુમનસિંહ જાડેજા, કાનજી દાદા કાપડી સહિતના આગેવાનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. નખત્રાણા વિભાગના DySP વી. એન. યાદવને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કાનજી દાદા કાપડીએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત, સંત ઉપર થયેલા હુમલાને નિંદનીય ગણાવ્યો અને કસૂરવારો સામે કડક પગલા લેવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો
નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો

કંપનીના જવાબદાર વ્યક્તિ દ્વારા માફી

આજરોજ સોમવારે નખત્રાણા તાલુકાના વિરાણી ગામમાં જે કંપની દ્વારા સાધુ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તે મામલે કંપનીના જવાબદાર વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવી જાહેરમાં માફી મંગાવી સમાધાન કરવામાં આવ્યું હતું.

પવનચક્કીને લઈને અનેક વાર વિરોધ

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પંથકના ખેડૂતો અને વીજ કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે સાંગનારા પંથકમાં પણ ગ્રામજનો પવનચક્કીની વીજ કંપનીઓનો વિરોધ નોંધાવી રહ્યા હતા. કિસાનો અને ગ્રામજનોના હંમેશા આક્ષેપ રહેતા હોય છે કે, કંપની દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે. આથી, ખેડૂતોનો અવાજ દબાવી તેમના પર કરાતા અન્યાય અંગે તટસ્થ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો: જામજોધપુરમાં પવનચક્કી ચડી ચકડોળે, ગામલોકોએ મચાવ્યો હોબાળો

પવનચક્કીની વીજ લાઇનને લઈને હુમલો

સ્થાનિકે જણાવ્યું હતું કે, આજે મારી વાડી પર સનપાવર કંપનીના કર્મચારીઓ આવીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારા પર હુમલો પણ કર્યો હતો. પવનચક્કી ના વીજલાઇનને લઈને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કોઈ જાતનું વળતર આપવામાં આવ્યું નથી ઉપરાંત એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું નથી.

પવનચક્કીઓના નામે ખેડૂતોનું શોષણ

આ બાબતે એક ગ્રામજન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આજે જે અમારા મહંત પર હુમલો થયો છે તેને અમે સખત વખોડી કાઢીએ છીએ અને ખરેખર આ ખરાબ કૃત્ય કંપની દ્વારા આચરવામાં આવ્યું છે, ઉપરાંત પવનચક્કીના નામે ખેડૂતોનું ખૂબ શોષણ પણ થઈ રહ્યું છે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

સમગ્ર બાબતને ગેરમાર્ગે દોરવામાં આવી: પવનચક્કી કંપનીના કર્મચારી

પવનચક્કી કંપનીના કર્મચારી જણાવ્યું કે, કંપનીના કર્મચારીઓ માત્ર સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા, ત્યારે ગામના 8થી 10 લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી અને અત્યારે તેઓ જનરલ હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત, અમે પણ એવું ઇચ્છીએ છીએ કે, ધર્મના નામે ભલેને કંપનીના થોડા રૂપિયા વધારે જાય પરંતુ આ સમગ્ર બાબતને ગેરમાર્ગે દોરવામાં આવ્યું જેથી આ વિવાદ ઊભો થયો.

મહંતની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ

બનાવને પગલે નખત્રાણા વિભાગના DySP વી. એન. યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પવનચક્કી કંપની અને સ્થાનીક ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં લઘુ મહંતને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેને પગલે મહંતની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે તથા કંપનીના 2 કર્મચારીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.