ETV Bharat / state

ખેડામાં વર્લ્ડ બર્થ ડિફેકટ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Mar 4, 2021, 3:31 PM IST

ખેડા જિલ્‍લા પંચાયત કચેરીના પટેલ હોલ ખાતે જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.પી.આર.સુથારની અધ્યક્ષતામાં વર્લ્‍ડ બર્થ ડિફેકટ ડે નિમિત્તે પ્રજાજનોમાં જાગૃતિ આવે અને કર્મચારીઓને પ્રોત્‍સાહિત કરવા અંગેનો એક સેમિનાર યોજાયો હતો. જેમાં બર્થ ડિફેકટ કેસોમાં સારવાર આપનાર ડોકટરોને પ્રશસ્તિપત્ર આપી સન્‍માનિત કરાયાં હતાં.

ખેડામાં વર્લ્ડ બર્થ ડિફેકટ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ખેડામાં વર્લ્ડ બર્થ ડિફેકટ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો

  • વર્લ્‍ડ બર્થ ડિફેકટ ડે નિમિત્તે પ્રજાજનોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • ખેડા જિલ્‍લામાં ચાલુ વર્ષે 74 બાળકોની સારવાર કરવામાં આવી
  • રાષ્ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક સારવાર

ખેડાઃ ​આ કાર્યક્રમમાં જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.પી.આર.સુથારે જણાવ્‍યું હતું કે, થોડાક વર્ષો પહેલા નવજાત શિશુઓને કયા પ્રકારનો રોગ છે તેમજ તે બાળકને આ રોગ અંગેની સારવાર કયાં અને કેવી રીતે કરી શકાય તેની જાણકારી બાળકના વાલીઓને નહોતી. પરંતુ છેલ્‍લા થોડાક વર્ષથી તબીબી વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે તેથી આવા બર્થ ડિફેકટ બાળકોની સહેલાઇથી સારવાર કરવામાં આવે છે. ઘણી જગ્‍યાએ તો બાળકનો જન્‍મ થાય અને જો આવી કોઇ સારવારની જરૂર જણાય તો જે તે તબીબો તેને રોગના નિષ્‍ણાત તબીબ પાસે રીફર કરે છે. આમ, બાળકને જન્‍મની સાથે જ ખૂબ જ મોંધી અને જરૂરી સારવાર સરકારના શાળા આરોગ્‍ય રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત મફતમાં અને ત્‍વરીત મળતી થવાથી બર્થ ડિફેકટ બાળકોને આગળ જતાં ઘણી મૂશ્‍કેલીઓમાંથી બચાવી શકાય છે. ઘણી જગ્‍યાએ તો માતાના ગર્ભમાં પણ બાળકની તંદુરસ્‍તીની તપાસ થાય છે અને જો મેજર પ્રોબ્લેમ હોય તો જે તે તબીબને રીફર કરવામાં આવે છે. તેમજ તેના માતાપિતાને પણ આ રોગની સંપૂર્ણ જાણકારી આપી તેમાંથી બાળકને સારવાર મળી રહે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી દિવસે દિવસે આવા બાળકોની સંખ્‍યામાં ઘટાડો થઇ રહયો છે. આ ઉપરાંત આવા બાળકોને મફત સારવાર મળતી હોવાથી ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારના બાળકોની સારવારનો ખર્ચ વાલીઓને ઉપાડવો પડતો નથી. તેઓએ જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે જિલ્‍લામાં આવા 74 બાળકોની સારવાર કરવામાં આવી છે તેમજ ગત વર્ષે જિલ્‍લામાં જન્‍મથી એક વર્ષના આવા 363 બાળકોની સારવાર કરવામાં આવી હતી.

ડોકટરોને પ્રશસ્તિપત્ર આપી સન્‍માનિત કરાયાં
​આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્‍તે બર્થ ડિફેકટની સારવારમાં મદદરૂપ થયેલ શાળા આરોગ્‍ય રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમના તબીબો અને તેમના સ્‍ટાફને પ્રશસ્તિપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતાં તેમજ વાલીઓએ તેઓનો અભિપ્રાય વ્‍યકત કર્યો હતો. તો સારવાર લીધેલ બાળકોના વાલીઓને પણ સન્‍માનવામાં આવ્‍યાં હતાં. આવા વાલીઓએ તેમની વિગતો આપી તેઓને માર્ગદર્શન આપનાર તબીબોનો ખૂબ જ આભાર વ્‍યકત કર્યો હતો.ખેડા જિલ્‍લા ક્ષય અધિકારી ડૉ. કાપડિયાએ સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ.ગઢવી, સિવિલ હોસ્‍પિટલના પેથોલોજીસ્‍ટ ડૉ.મનીષ જાડાવાલા, તાલુકા કક્ષાના શાળા આરોગ્‍ય રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમના તબીબી અધિકારીઓ અને સ્‍ટાફ, લાભાર્થી બાળકોના વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : ગીર- સોમનાથની વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નવજાત શિશુ માટે અનામી પારણું કાર્યરત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.