ETV Bharat / state

નડિયાદ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પોષણ અભિયાન અંગે બેઠક યોજાઈ

author img

By

Published : Sep 8, 2020, 11:00 PM IST

ખેડા જિલ્‍લા કલેકટરની અધ્યક્ષતામાં પોષણ અભિયાન અંતર્ગત થયેલી કામગીરી અને આવનારા સમયમાં કરવાપાત્ર કામગીરી અંગેની એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્‍લા કલેકટર આઇ. કે. પટેલ દ્વારા જાન્‍યુઆરી-2020થી જિલ્‍લામાં પોષણ અભિયાન અન્‍વયે થયેલી કામગીરી અને ઓગષ્‍ટ-2020 થયેલી કામગીરીની તુલના કરી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

kheda Collector
kheda Collector

ખેડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 8 માર્ચ, 2018ના રોજ પોષણ અભિયાનનો દેશવ્‍યાપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્‍ટેમ્બર માસમાં રાષ્‍ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ખેડા જિલ્‍લા કલેકટર આઇ. કે. પટેલની અધ્યક્ષતામાં પોષણ અભિયાન અંતર્ગત થયેલી કામગીરી અંગે સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

kheda Collector
નડિયાદ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પોષણ અભિયાન અંગે બેઠક યોજાઈ

આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર દ્વારા ન્‍યુટ્રી ગાર્ડનની કામગીરી, જોખમી સગર્ભા માતાઓની જાણકારી અને તે અંગે થયેલી કામગીરી, પાલક વાલી-દત્તક બાળકોની પરિસ્‍થિતી અને તેમના ઘરની મુલાકાત, બાળકોના વજન જેવી અનેક બાબતોની તલસ્‍પર્શી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

પોષણ માહમાં આ 5 જરૂરી ઘટકો પર ભાર મૂકવામાં આવશે

  • બાળકના પ્રથમ 1000 દિવસ
  • એનેમિયા
  • ઝાડા નિયંત્રણ
  • હેન્‍ડ વોશ અને સેનિટાઈઝેશન
  • પૌષ્ટિક આહાર

કલેક્ટરે ઉપરોક્ત બાબતો પર ભાર મૂકવા અને પરીણામલક્ષી કામગીરી કરવા માટે જવાબદાર કર્મચારીઓને જણાવ્‍યું હતું. આ ઉજવણીના કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સાથે સાથે સરકારના અન્‍ય વિભાગોનો પણ સહયોગ મળશે તેમ પણ જણાવ્યું હતું.

​સમગ્ર વિશ્વ કોવિડ-19ની મહામારી સામે જજૂમી રહ્યું છે. ત્‍યારે લાભાર્થીઓની સમજ કેળવણી માટે આયોજીત થતા વિવિધ કાર્યક્રમો પરોક્ષ(વર્ચ્યુઅલ) રીતે કરવાના રહેશે. સરકાર દ્વારા પ્રકાશિત તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે તેમજ કમિશનર, મહિલા અને બાળ વિકાસ,ગાંધીનગરની સૂચનાઓ મુજબ કાર્યક્રમો કરવાના રહેશે તેમ જિલ્‍લા કલેકટર આઇ. કે. પટેલે જણાવ્‍યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, જિલ્‍લાના તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. દેવ, જિલ્‍લા શિક્ષણ અધિકારી, નાયબ જિલ્‍લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાભી, જિલ્‍લા બાળ અને મહિલા કલ્‍યાણ અધિકારી આશાબેન તેમજ જિલ્‍લા પ્રોગ્રામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માહની ઉજવણી (સર્વાંગી પોષણ માટે વડાપ્રધાનની મહત્વની યોજના) પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે. જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે. જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.

દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.