ETV Bharat / state

Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

author img

By

Published : Apr 4, 2023, 6:23 PM IST

જૂનાગઢમાં હાલમાં આંબેલ વ્રત કરનારા ધર્મપ્રેમીઓ માટે શેકેલા ગાંઠિયાની સેવા આપી રહ્યાં છે એક ધર્માનુરાગી શ્રાવક પરિવાર. રાજુભાઈ અને જાગૃતિબેન શાહ જૂનાગઢ અને તેની આસપાસના ઉપાશ્રયોમાં વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા પહોંચાડી રહ્યાં છે.

Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા
Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

10 વર્ષથી શેકેલા ગાંઠિયાની સેવા

જૂનાગઢ : જૂનાગઢનો શાહ પરિવાર આંબેલ વ્રત દરમિયાન જૂનાગઢ સહિત આસપાસના ઉપાશ્રયને સેવાના ભાગરૂપે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા પુરા પાડી રહ્યા છે. પાછલા દસ વર્ષથી આ પ્રકારની સેવા જૂનાગઢના રાજુભાઈ અને જાગૃતિબેન શાહ સહિત તેમનો સમગ્ર પરિવાર કરી રહ્યા છે. જૈન ધર્મમાં આંબેલ વ્રત દરમિયાન માત્ર બાફેલા કે શેકેલા ભોજન ગ્રહણ કરવાની પરંપરા છે તે મુજબ તેઓ શેકેલા ગાંઠિયા પુરા પાડી રહ્યા છે.

અનોખી ધાર્મિક સેવા : જૂનાગઢના રાજુભાઈ અને જાગૃતિબેન શાહ સહિત તેમનો સમગ્ર પરિવાર આંબેલ વ્રત દરમ્યાન પાછલા દસ વર્ષથી શેકેલા ગાંઠિયાની સેવા વિનામૂલ્યે જૂનાગઢ સહિત આસપાસના ઉપાશ્રયોમાં પૂરી પાડી રહ્યા છે. 10 વર્ષ પૂર્વે આંબેલ વ્રત દરમિયાન શ્રાવક અને શ્રાવિકાઓને પ્રસાદરૂપે શેકેલા ગાંઠિયા આપવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી જે આજે સતત દસમા વર્ષે અવિરત જોવા મળે છે.

આ પણ વાંચો નહેરુથી લઈને મોદી સુધીના વડાપ્રધાને ભાવનગરના આ ગાંઠિયાનો ચાખ્યો છે સ્વાદ, શા માટે પ્રખ્યાત છે જાણો

ધર્મની પરંપરા મુજબ ભોજન : આંબેલ વ્રત દરમિયાન વ્રત કરનાર પ્રત્યેક વ્યક્તિએ માત્ર બાફેલું કે શેકેલું ભોજન અને તે પણ દિવસોમાં એક વખત પ્રસાદ રૂપે ગ્રહણ કરવાનું હોય છે. ત્યારે આવા સમયે લોકોને ગાંઠિયાનો સ્વાદ પણ મળી રહે પરંતુ તે ધર્મની પરંપરા મુજબ હોવો જોઈએ. તેને ધ્યાને રાખીને રાજુભાઈ અને જાગૃતીબેન શાહે શેકેલા ગાંઠિયા બનાવવાની શરૂઆત કરી હતી. આજે તેમના દ્વારા બનેલા ગાંઠિયા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના નાના-મોટા ઉપાશ્રેયોમાં આંબેલ વ્રત દરમિયાન પહોંચાડવામાં આવી રહ્યા છે.

ગાંઠિયા બનાવવાની પદ્ધતિ : શેકેલા ફાફડા ગાંઠિયા બનાવવાની પદ્ધતિ બિલકુલ તળેલા ગાંઠિયા મુજબની જોવા મળે છે. ફરક એ છે કે આ ગાંઠિયાને તેલમાં તળવાના હોતા નથી. લોટ બાંધતી વખતે પણ તેલનો ઉપયોગ કરાતો નથી. ચણાનો લોટ પાણી મરીનો પાવડર હિંગ અને સ્વાદ અનુસાર નમક મિક્સ કરીને તેનો લોટ તૈયાર કરવામાં આવે છે. આંબેલ દરમિયાન તળેલું મસાલા વાળું તેલવાળું મીઠું ખાટુ તમામ સ્વાદ છોડવાનો હોય છે ત્યારે બિલકુલ તળેલા ગાંઠિયાની માફક જ સ્વાદ આપતા શેકેલા ગાંઠિયા કોલેસ્ટ્રોલ ફ્રી હોવાને કારણે પણ લોકોમાં વધારે પ્રસિદ્ધિ પામ્યા છે.

આ પણ વાંચો 'આ તે કેવા ફાફડા, કે રોગ મટાડે આપણા', અનોખી રીતે બનાવવામાં આવે છે ગાંઠિયા

મુંબઇથી થઇ ડિમાન્ડ : પાછલા દિવસો દરમિયાન મુંબઈમાંથી પણ આ પ્રકારે શ્રાવક અને શ્રાવિકાઓ માટે શેકેલા ગાંઠિયાની ડિમાન્ડ થઈ હતી. પરંતુ તેને ત્યાં સુધી પહોંચાડવા મુશ્કેલ બની રહ્યા હતા. પાછલા દસ વર્ષથી આ પ્રકારે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયાની સેવા કરનાર રાજુભાઈ અને તેનો સમગ્ર પરિવાર પ્રતિ દિવસે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર કિલો ગાંઠિયા બનાવીને ઉપાશ્રયોમાં આજે મોકલી રહ્યા છે.

ગાંઠિયા સેવા પ્રાપ્ત કરનારનો પ્રતિભાવ : રાજુભાઈ દ્વારા શેકેલા ગાંઠિયાની સેવા પ્રાપ્ત કરનાર સુશીલાબેન શાહે જણાવ્યું હતું કે રાજુભાઈના શેકેલા ગાંઠિયા તળેલા ગાંઠિયાને બિલકુલ ટક્કર મારે તે પ્રકારે સ્વાદ અને સોડમમાં ઉત્તમ જોવા મળે છે. વધુમાં તેમાં તેલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થતો નથી માટે આ ગાંઠિયા કોલેસ્ટ્રોલ ફ્રી હોવાને કારણે પણ સ્વાદની સાથે આરોગ્ય માટે પણ ઉત્તમ જણાયા હતા. સુશીલાબેન જણાવે છે કે સ્વાદ તળેલા ગાંઠિયા મુજબ જ શેકેલા ગાઠીયામાં પણ મળે છે પરંતુ તે કોલેસ્ટ્રોલ ફ્રી હોવાને કારણે પણ આરોગ્ય માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.