ETV Bharat / state

Jamnagar Adulterated Ghee : જામજોધપુરમાં તંત્રની તવાઈ, 100 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 9:29 PM IST

જામનગર પોલીસે જિલ્લામાં ડેરી અને દુકાનમાંથી આશરે 100 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી લેતા ખળભળાટ મચી ગયો છે. તંત્રએ ઘીના જરૂરી નમૂના લઇ લેબમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Jamnagar Adulterated Ghee
Jamnagar Adulterated Ghee

જામજોધપુરમાં તંત્રની તવાઈ

જામનગર : તહેવારના સમય દરમિયાન સૌરાષ્ટ્રભરમાં નકલી ખાદ્ય ચીજ-વસ્તુઓનું બેફામ વેચાણ થતું હોય છે. ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોવાની થોકબંધ ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. તાજેતરમાં જામનગરમાંથી નકલી ઘી નો જથ્થો ઝડપાયાની સ્યાહી સુકાઈ નથી, ત્યાં જામજોધપુરમાં આશરે 100 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.

ભેળસેળીયા તત્વોનો ત્રાસ : હાલમાં ચાલી રહેલ તહેવારના સમય દરમિયાન આર્થિક લાભ મેળવાના ઇરાદે શહેર અને જિલ્લામાં અમુક એકમો ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તા, લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ભેળસેળયુકત ખાણીપીણીની ચીજ વસ્તુ વેચતા હોય છે. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આવા ઇસમોને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન આપ્યું હતું.

તંત્રની તવાઈ : જે અનુસાર ગ્રામ્ય DySP ડી.પી. વાઘેલા દ્વારા આવા ભેળસેળીયા તત્વોને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જામજોધપુર PI વાય. જે. વાઘેલાને સૂચના આપવામાં આવી હતી. જામનગર પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ભેળસેળયુક્ત ખાણીપીણીની ચીજ વસ્તુઓ શોધી કાઢવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

શંકાસ્પદ ઘી ઝડપાયું : આ અંગે મળતી માહિતી મુજબ જામજોધપુર પોલીસ ટીમના પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અંગત બાતમીદારોની માહિતી મળેલ કે, બહુચરાજી મંદિર પાસે આવેલ ઉમિયાજી ડેરીના સંચાલક બીપીન ગોવિંદ ગોહેલ પોતાની ડેરીમાં તેમજ તેમના રહેણાંક મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી નો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે ફૂડ સેફટી ઓફિસરને સાથે રાખી તપાસ કરતા ડેરી તેમજ રહેણાંક મકાનમાંથી આશરે 100 કિલો શંકાસ્પદ ભેળસેળયુકત ઘી નો જથ્થો મળી આવ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી : ફૂડ સેફટી ઓફિસર એન.એમ. પરમાર દ્વારા આશરે રુ. 35,000 કિંમતના આ શંકાસ્પદ ઘીના ફૂડ સેફ્ટી નિયમ મુજબ સેમ્પલીંગ કરી નમૂના લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ જામનગર એસઓજીએ નકલી દૂધ અને નકલી ઘી સહિતનો મુદ્દામાલ કબ્જે કયો હતો.

પંથકમાં ફફડાટ ફેલાયો : લોકોને પેટમાં નકલી ખાદ્ય પદાર્થો પધરાવનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે એ જરૂરી છે. કારણ કે આવા ભેળસેળીયા તત્વો લોકોની જીંદગી સાથે રમત રમી રહયા છે. તંત્રના દરોડાના પગલે ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જામનગર જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા આ દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Diwali 2023 : જામનગરમાં ખજૂરમાં ઇયળ નીકળ્યાં બાદ દિવાળી પહેલા જાગી મનપા ફુડ શાખા, ફરસાણ અને મીઠાઈના નમૂના લીધા
  2. Jamnagar News : જામનગરમાં રસ્તે રઝળતા કૂતરાએ એક માનવીનો ભોગ લીધો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.