ETV Bharat / state

જામનગરની કોવિડ હોસ્પિટલમાં અમદાવાદના ચાર ડોકટર્સ ફરજ બજાવશે

author img

By

Published : Sep 20, 2020, 8:23 AM IST

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહેસુલ સેવાસદનના સભાખંડ ખાતે જામનગરના પત્રકારને સંબોધન કર્યું હતું. આ સાથે જ જામનગરમાં થઇ રહેલી કોવિડ સામેની લડાઈની વિગતવાર માહિતી મિડિયા મિત્રોને આપી હતી.

covid Hospital in Jamnagar
જામનગરની કોવિડ હોસ્પિટલ

જામનગર: રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન હકુભા જાડેજાએ મહેસુલ સેવાસદનના સભાખંડ ખાતે જામનગરના પત્રકારને સંબોધન કર્યું હતું. સાથે જ જામનગરમાં થઇ રહેલી કોવિડ સામેની લડાઈની વિગતવાર માહિતી મિડિયા મિત્રોને આપી હતી.

હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ જામનગરમાં શહેર વિસ્તારમાં 23 ધનવંતરી રથ, 7 સંજીવની રથ અને 18 મોબાઇલ ડોક્ટર્સની ટીમ કાર્યરત છે. જે લોકોના આરોગ્યની તપાસણી તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા 700 જેટલા વ્યક્તિઓના હેલ્થનું મોનિટરીંગ કરે છે. તેમજ 18 જેટલી મેડિકલ ટીમ દ્વારા ઘરે જઈને લોકોની સારવાર કરવામાં આવી રહી છે. શહેરના જુદા જુદા સ્થળોએ તથા 23 ધનવંતરી રથના લોકેશન પર 4 લાખ જેટલી હોમયોપેથીક દવા અને 2 લાખ જેટલા લોકોને ઉકાળાનું વિતરણ કરાયું છે. તેમજ આગામી દિવસોમાં ગુજરાતના આયુષ મંત્રાલય દ્વારા સંશમની વટી ગોળીઓનું વિતરણ શહેરી વિસ્તારમાં કરી લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં અમદાવાદના ચાર ડોકટર્સ ફરજ નિભાવશે

શહેરમાં 7 સંજીવની રથ દ્વારા 24 કલાક ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે. તેમજ 12 અર્બન હેલ્થ સેન્ટર અને 23 ધનવંતરી રથ તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે કોરોનાના લક્ષણ ધરાવતા વ્યક્તિઓના વિનામૂલ્યે એંટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. દાખલ થયેલા દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે અને તેઓને માનસિક સહારો આપવા માટે કાઉન્સિલર થકી તેમનો ઉત્સાહ વધારવા માટેની કામગીરી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. આ માટે કાઉન્સિલર દ્વારા દર 3 થી 4 કલાકે દર્દીની મુલાકાત પણ નિયમિત લેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત માઇલ્ડ અને મોડરેટ પ્રકારના દર્દીઓ માટે નિયમિત રીતે યોગ શરૂ કરવામાં આવશે, જેથી દર્દીને ઝડપી રિકવરીમાં મદદરૂપ બનશે. દર્દીઓના સગાને દિવસમાં ઓછામાં ઓછા એક વાર ફોન દ્વારા દર્દીની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પણ 3 નિષ્ણાત ડોક્ટરની ટીમ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવી છે. જેઓ જી.જી.હોસ્પિટલ સાથે સંકલન કરીને સતત મોનિટરિંગ કરશે. આ ઉપરાંત હોસ્પિટલ માટે બે ફિઝિશ્યન તથા બે એનેસ્થેટીસ્ટ એમ કુલ 4 ડોક્ટરો અમદાવાદથી તાત્કાલિક નિયુક્ત કરવામાં આવ્યા છે, જે જામનગર ખાતે કોવિડ દર્દીઓની સારવારમાં કાર્યરત થશે.

રાજ્યપ્રધાને જામનગરની જનતાને અનુરોધ કર્યો હતો કે, લોકો હકારાત્મક વિચાર સાથે આ રોગ સામે લડાઈ લડે. મુખ્યપ્રધાન દ્વારા જામનગરના લોકો માટે સતત ચિંતા કરાઈ રહી છે. દરેક પ્રકારના તબીબી સારવારના સાધનો અને સેવાઓ જામનગરના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત વ્યવસ્થાની સમીક્ષા કરી આવશ્યકતાઓની પૂર્તિ કરવામાં આવી રહી છે. આ સમયે લોકો સતત હકારાત્મક રહી, હકારાત્મક વિચાર સાથે આ લડાઈ લડશે તો જામનગર કોરોના સામે આગામી દિવસોમાં જીત મેળવશે. આ પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.