ETV Bharat / state

તાલાલા ગીર પંથકની કેરીની સિઝન ચાલુ વર્ષે ગ્લોબલ ચેન્‍જીંગ અને વાવાઝોડાના કારણે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ

author img

By

Published : Jun 8, 2021, 12:38 PM IST

કેરીની સિઝન
કેરીની સિઝન

ગીર-સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે તૌકતે વાવાઝોડાને કારણે કેરીની સિઝન ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ ગઇ છે. આ વર્ષે કેરીની આવકમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા કેસર કેરીની આવકમાં ચાલુ વર્ષે 1 લાખ બોકસની આવક ઘટી છે.

  • તાલાલા માર્કેટિંગ યાર્ડમાં તૌકતે વાવાઝોડાના કારણે કેરીની આવક ઘટી
  • ગ્‍લોબલ ચેન્‍જીંગ અને વાવાઝોડાના કારણે કેરીની સિઝન ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ
  • ચાલુ વર્ષે 5.81 લાખ જેટલા કેસર કેરીના બોકસની આવક થઇ

ગીર-સોમનાથ : ગીર-પંથકના અમૃતફળ તરીકે વિશ્વમાં પ્રખ્‍યાત કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે કેરીની સિઝન તૌકતે વાવાઝોડાના કારણે કેરીની આવક ઘટી હોવાથી કેરી ત્રણ દિવસ વહેલી પૂરી થઈ ગઇ છે. ગત વર્ષે 37 દિવસ સિઝન ચાલી હતી અને 6.88 લાખ કેરીના બોકસની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે 33 દિવસ સિઝન ચાલી છે અને 5.81 લાખ જેટલા કેસર કેરીના બોકસની આવક થઇ છે. આમ, કેસર કેરીની આવકમાં ચાલુ વર્ષે 1 લાખ બોકસનું ગાબડું નોંધાયું છે. જયારે આ વર્ષે કેસર કેરીના સરેરાશ ભાવ પણ ગત વર્ષ કરતા નીચા ગયા છે.

કેરીની સિઝન ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ
કેરીની સિઝન ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ

ત્રણ દિવસ વહેલી સિઝન પુર્ણ કરવાની જાહેરાત કરાઇ

તાલાલા ગીર-પંથકનું અમૃતફળ ગણાતી કેસર કેરી વિશ્વમાં પ્રખ્‍યાત હોવાથી તેની માંગ વધુ પ્રમાણમાં રહે છે. પરંતુ ચાલુ વર્ષે કેસર કેરીના પાકને જાણે નજર લાગી હોય તેમ કલાઇમેન્‍ટ ચેન્‍જની અસરોના કારણે સિઝન શરૂ થાય તે પૂર્વે જ 40 ટકા જેવો પાક નિષ્‍ફળ ગયો હતો. ગત મે માસથી કેરીની સિઝન શરૂ થયા પછી આવેલા તૌકતે વાવાઝોડાએ આંબાના બગીચાઓને તથા કેરીના પાકને વ્‍યાપક નુકસાન પહોચાડયુ હતું. તેના પગલે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક ઘટતા યાર્ડ દ્રારા ચાલુ વર્ષે ત્રણ દિવસ વહેલી સિઝન પુર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કેસર કેરીના ભાવમાં ફરી વધારો, તાલાલા મેંગો માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી રહી છે હરાજીમાં કેસર કેરી

તૌકતે વાવાઝોડુ આવતા 90 ટકા સુધી કેરીઓ ખરી પડી

યાર્ડના સેક્રેટરી હરસુખ જાણસણીયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કેરીનું ઉત્‍પાદન મહદઅંશે ઓછુ હોવાથી ખેડૂતોને ભાવ સારા મળવાની આશા હતી. પરંતુ કુદરતની દ્રષ્‍ટિ કંઇક જુદી જ હોય તેમ તૌકતે વાવાઝોડુ આવતા 90 ટકા સુધી કેરીઓ આંબામાંથી ખરી પડી હતી. ત્‍યારબાદ 10 ટકા જેવી કેરી બચી ગયેલ તે હરરાજીમાં આવી હતી.

ચાલુ વર્ષે કેરીના સરેરાશ ભાવ રૂપિયા 355 રહ્યા

કુદરતી બેવડા મારને લીધે કેસર કેરીની આવક ઘટી હોવાથી ચાલુ વર્ષે સિઝન 33 દિવસ જ ચાલી છે. ચાલુ વર્ષે કેરીના સરેરાશ ભાવ રૂપિયા 355 રહ્યા છે. જયારે ચાલુ વર્ષે કેરીના 5.81 લાખ હજાર બોકસની આવક થઇ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેસર કેરીના 1 લાખ બોકસની આવક ઘટી છે.

કેરીની સિઝન ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ

દસ વર્ષથી કુદરતી આફતો અને ગ્‍લોબલ વોર્મીગના કારણે કેરીનું ઉત્‍પાદન દર વર્ષે ઘટી રહ્યું

કેરીના ઉત્‍પાદન ઓછુ હોવા છતાં (10 કિલો કેરીના બોકસના સરેરાશ 300થી 800 સુધી) ખેડૂતોને સારા એવા પોષણક્ષમ ભાવો મળ્યા છે. છેલ્‍લા દસ વર્ષથી કુદરતી આફતો અને ગ્‍લોબલ વોર્મીગની અસરોના કારણે કેરીનું ઉત્‍પાદન દર વર્ષે ઘટી રહ્યું છે. તેમ છતાં ચાલુ વર્ષે કેસર કેરીની સિઝન યાર્ડમાં વેપાર કરતા વેપારીઓ, એજન્‍ટો અને ખેડૂતો માટે એકંદરે સારી રહી હોવાનું મારૂ અંગત માનવું છે.

આ પણ વાંચો : તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં

તૌકતેે વાવાઝોડાના કારણે આંબાઓ સંપૂર્ણ નેસ્‍ત નાબુદ થઇ ગયા

સેક્રેટરી હરસુખભાઇએ જણાવ્યું છે કે, છેલ્‍લા પાંચ વર્ષમાં કેસર કેરી ઉત્‍પાદનના મઠા વિસ્‍તાર તરીકે ઉભરી આવેલી જામવાળાથી જાફરાબાદ-રાજુલા સુધીના વિસ્‍તારમાં ચાલુ વર્ષે આવેલા તૌકતેે વાવાઝોડાના કારણે આંબાઓ સંપૂર્ણ નેસ્‍ત નાબુદ થઇ ગયા છે. આ વિસ્‍તારમાંથી ઉત્‍પાદન થતી કેસર કેરી મોટાભાગે ગોંડલ અને રાજકોટ વિસ્‍તારમાં વેચાણ અર્થે જતી હતી.

તાલાલા ગીર પંથકના આંબાઓને 10 ટકા જેવું જ નુકસાન થયુ

જામવાળા-જાફરાબાદ વિસ્‍તારમાં આંબાને થયેલા મોટા નુકસાન સામે તાલાલા ગીર પંથકના આંબાઓને 10 ટકા જેવું જ નુકસાન થયુ છે. જેના કારણે આગામી સિઝનમાં ગોંડલ-રાજકોટ વિસ્‍તારમાં જામવાળા-જાફરાબાદ પંથકની કેરી મળે તેવે સંજોગા દેખાતા નથી. જેથી તે બન્ને શહેરના લોકોને તાલાલા ગીર પંથકની કેરી ખરીદી કરવી પડશે. જેથી આગામી સિઝનમાં તાલાલા ગીર પંથકની કેસર કેરીની માંગ વધશે અને કેરીની સિઝનની દ્રષ્‍ટીએ સારૂ રહેશે તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.