ETV Bharat / state

ગીર સોમનાથ: ઊનાની સીમર શાળાના આચાર્યે 27 લાખની ઉચાપત કરી

author img

By

Published : Mar 12, 2021, 5:49 PM IST

Updated : Mar 12, 2021, 7:23 PM IST

ઊના તાલુકાના સીમરની પે. સેન્ટર શાળાના આચાર્યએ 2 વર્ષમાં સરકાર તરફથી અલગ અલગ પેટા શાળાઓ માટે મળતી ગ્રાન્ટમાંથી 27 લાખથી વધુની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ તાલુકા શિક્ષણ અધિકારીએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ગીર સોમનાથ: ઊનાની સીમર શાળાના આચાર્યે 27 લાખની ઉચાપત કરી
ગીર સોમનાથ: ઊનાની સીમર શાળાના આચાર્યે 27 લાખની ઉચાપત કરી

  • આચાર્યએ કુલ રૂ. 27,35,702નો ખર્ચ કર્યો હતો
  • આચાર્યને 5 જાન્યુઆરી, 2021ના રોજ ફરજ મોકૂફ કરાયા
  • તાલાલા તાલુકાની રમળેચી પ્રા. શાળામાં મૂકવામાં આવ્યા
  • આચાર્યએ યૂકવી ના હોવા છતાં રૂપિયા ઉપાડી લીધા

ગીર સોમનાથઃ જિલ્લાના ઊના તાલુકાની સીમર પે. સેન્ટર શાળાના આચાર્ય રાજેન્દ્ર રાજપુતે પોતાના હસ્તક આવતી બીજી પેટા શાળાના આચાર્યના ખાતામાં કન્ટિન્જન્સિ અને સ્વચ્છતા સંકૂલ અંગે ગ્રાન્ટ ચૂકવી જ ન હતી. આ પ્રકારની રજૂઆત સ્થાનિક શિક્ષણ વિભાગને મળતા તાલુકા પ્રા. શિક્ષણાધિકારી જયેશ ગોસ્વામી, કેળવણી નિરીક્ષક ભૂપત મેવાડા, BRC દેવેન્દ્ર દેવમુરારીએ ગત તા. 1 જાન્યુઆરીના રોજ સીમર શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી. રેકર્ડ માંગતા આચાર્ય રાજેન્દ્ર રાજપુતે તા.15 ફેબ્રુઆરી, 2019થી 26 ડિસેમ્બર, 2020 સુધી ફરજ દરમિયાન સરકાર તરફથી શાળાઓ માટે મળતી અલગ અલગ ગ્રાન્ટનો ખર્ચ કર્યાનું બહાર આવ્યું હતું. જેમાં આચાર્ય સીમર પે.સેન્ટર શાળાના ખાતામાંથી રૂપિયા 24,47,933, SMC સીમર પે.સેન્ટર શાળાના ખાતામાંથી રૂ. 2,74,769 અને SMC એજ્યુકેશન સીમરના ખાતામાંથી રૂ. 13,000 મળી કુલ રૂ. 27,35,702નો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચોઃ આણંદમાં ટ્રાન્સપોર્ટ કંપનીએ નોઈડાની કંપની સામે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી

તપાસનીશ અધિકારીએ સીમર પે. સેન્ટર શાળાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું

આ ખર્ચ બાબતે તપાસનીશ અધિકારીઓએ આધાર પુરાવા માંગતા રાજેન્દ્ર રાજપુત કોઇ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહીં. આથી તપાસનીશ અધિકારીએ સીમર SBIમાં રૂબરૂ જઇ સીમર પે. સેન્ટર શાળાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આચાર્ય દ્વારા આ રકમની ઉચાપત કર્યાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ એકાઉન્ટમાંથી 16 લાખ રૂપિયા ઉપાડી બીટકોઈન ખરીદનાર 2 ભેજાબાજની દમણ પોલીસે કરી ધરપકડ

આચાર્યએ પોતાના ખાતામાંથી તેમના સંબંધીઓના ખાતામાં રકમ જમા કરાવી

આ રકમ આચાર્યએ પોતાના ખાતામાંથી તેમના સંબંધીઓ હિતેશકુમાર, પ્રણવ પટેલ, અમર મોરી તથા સુરજસિંહ નામની વ્યક્તિઓના અલગ અલગ ખાતામાં જમા કરાવ્યા હતા. આ અંગેનો રિપોર્ટ તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરતાં તેમને તા. 5 જાન્યુઆરી, 2021ના રોજ ફરજ મોકૂફ કરી તાલાલા તાલુકાની રમળેચી પ્રા. શાળામાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી ડો. એચ. કે. વાજાએ તેમની સામે ફરિયાદ કરવા ગીરગઢડા તાલુકા શિક્ષણ અધિકારીને આદેશ આપતાં આચાર્ય વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આમોદ્રાના CRCના ખાતામાં રકમ જમા થઇ

સીમર પે. સેન્ટરના આચાર્યનું રૂ. 27 લાખથી વધુનું કૌભાંડ બહાર આવતાં તેમણે આમોદ્રા પે. સેન્ટર શાળાના CRC અમર ગોવિંદ મોરીના ખાતામાં પણ રકમ જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે. આથી આ CRCના ખાતાની ચકાસણી પણ શિક્ષણ વિભાગે હાથ ધરી છે.

આરોપી આચાર્ય ફરાર

સીમર આચાર્ય રાજેન્દ્ર રાજપુત સામે નવાબંદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે ત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસ પકડથી દૂર છે. આથી ફરાર આચાર્યને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Last Updated : Mar 12, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.