ETV Bharat / state

Indian Fishermen Died Pakistan: પાકિસ્તાની જેલમાં કોડીનાર તાલુકાના માછીમારનું મોત, મૃતકના પરિવારજનોમાં શોક સાથે રોષની લાગણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 3:17 PM IST

Updated : Oct 17, 2023, 3:38 PM IST

પાકિસ્તાની જેલમાં એક ભારતીય માછીમારનું મોત થયું છે. વર્ષ 2021 માં કોડીનાર તાલુકાના માછીમારને પાકિસ્તાની જળસીમામાંથી પકડીને કરાચી જેલમાં રાખવામાં આવ્યો હતો. ગત 9 ઓક્ટોબરના રોજ ભારતીય માછીમારનું મોત થયું હોવાની જાણ હાલમાં જ પરિવારજનોને થતા શોક સાથે રોષની લાગણી ફેલાઈ છે.

Indian dies in Pakistan
Indian dies in Pakistan

પાકિસ્તાની જેલમાં કોડીનાર તાલુકાના માછીમારનું મોત

ગીર સોમનાથ : કોડીનાર તાલુકાના દુદાણા ગામના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું છે. દુદાણા ગામના ભુપતભાઈ વાળાનું ગત 9 ઓક્ટોબર સોમવારના રોજ મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. માછીમારી કરતી વખતે પાકિસ્તાનની જળસીમામાં બોટ સાથે પ્રવેશ કરેલા ભુપતભાઈ વાળાને 12 ઓક્ટોબર, 2021 ના રોજ પાકિસ્તાની સત્તાધીશોએ પકડીને કરાચીની જેલમાં ધકેલી દીધા હતા. ત્યારબાદ હાલમાં 9 ઓક્ટોબરના રોજ તેઓનું મોત થયું છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહને ઝડપથી વતન મોકલવામાં આવે તેવી માંગ કરી છે.

ભારતીય માછીમારનું પાકિસ્તાનમાં મોત : આ અંગે મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપતભાઈ વાળાનું પાકિસ્તાનની કરાચી જેલમાં ગત 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. સમગ્ર મામલાની જાણ આજે દુદાણા ગામમાં મૃતક માછીમાર ભુપતભાઈ વાળાના પરિવારજનોને થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવા ઘેરા શોકનો માહોલ સર્જાયો છે. મૃતક માછીમાર પોરબંદરની બોટમાં માછીમારી કરી રહ્યા હતા. આવા સમયે શરત ચૂકથી તેઓ 12 ઓક્ટોબર 2021 ના દિવસે પાકિસ્તાની જળસીમામાં પ્રવેશી ગયા હતા. ત્યાંથી પાકિસ્તાની સત્તાધીશો દ્વારા તેમની અટકાયત કરીને કરાચીની જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અગાઉ બે ભારતીયોના મોત : પાછલા બે મહિના દરમિયાન બે માછીમારોના મોત પાકિસ્તાનની કરાચી જેલમાં થયા હતા. ગત 6 ઓગસ્ટ 2023 માં ઉના તાલુકાના નાનાવાડા ગામના જગદીશ બામણીયાનું હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. જેનો મૃતદેહ મોતના 45 દિવસ બાદ માદરે વતન પહોંચ્યો હતો. ત્યારે હવે 9 તારીખના દિવસે ભુપતભાઈ વાળાનું પણ પાકિસ્તાનની કરાચી જેલમાં મોત થયું છે. ત્યારે પરિવારજનો તેમના મોભીના મૃતદેહને વહેલી તકે સોપે તેવી માંગ કરી રહ્યા છે.

પરિવારજનોની માંગ : કોડીનાર શહેરના કાર્યરત સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘના પ્રમુખ બાલુભાઈ સોચાએ મૃતક માછીમારનો મૃતદેહ તેમના પરિવારજનોને ખૂબ ટૂંકા સમયમાં આપવામાં આવે તેવી માંગ પણ કરી છે. નાનાવાડા ગામના માછીમાર જગદીશ બામણીયાનો મોતના 45 દિવસ બાદ મૃતદેહ મળ્યો હતો. ત્યારે વધુ એક માછીમારનું મોત થયું છે. ત્યારે પરિવારની ભાવનાને ધ્યાને રાખીને પાકિસ્તાન સત્તાધીશો ખૂબ જ ઝડપથી કાયદાથી અને બે દેશો વચ્ચેની પ્રક્રિયા પૂર્ણ કરીને ખૂબ ઓછા દિવસોમાં મૃતદેહને દુદાણા ગામમાં મોકલે તેવી માંગ કરી છે.

  1. Rajkot Crime : રાજકોટમાં રાજસ્થાની યુવકોમાં મજાક મસ્તી મારામારીમાં પરિણમી, યુવકનું મોત થયું
  2. Banaskantha Accident: ડીસા પાટણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત
Last Updated : Oct 17, 2023, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.