ETV Bharat / state

STની સલામત સવારી હવે બનશે સ્વચ્છ, ST બસ સ્ટેન્ડ અને બસોમાં હાથ ધરાશે સફાઈ અભિયાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 4:26 PM IST

રાજ્યમાં 'STની સવારી સલામત સવારી' હવે ટુંક સમયમાં સ્વચ્છ સવારી બનવા જઈ રહી છે. 2 ડિસેમ્બરથી 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા'ના સૂત્ર સાથે ST બસ સ્ટેન્ડ અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

ST બસ સ્ટેન્ડ અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત
ST બસ સ્ટેન્ડ અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત

ST બસ સ્ટેન્ડ અને ST બસોમાં સફાઈ અભિયાનની શરૂઆત

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને સુવિધાઓ આપવા માટે ST વિભાગ છેલ્લા કેટલાય મહિનાઓથી સક્રિય દેખાઈ રહ્યું છે. ST વિભાગને હવે રાજ્યની સરકારી બસોમાં ગંદકી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે 2 ડિસેમ્બરના રોજ વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી ગાંધીનગર બસ સ્ટેશનથી બસ અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરશે.

ગુજરાતના ST બસ સ્ટેન્ડ અને ST બસોમાં 2 ડિસેમ્બરના રોજ રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંધવીના હસ્તે સ્વચ્છતાનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાતની STની છબી સુધારવા તેમજ મુસાફર પણ આ કેમ્પિયનનો ભાગ બને તે માટે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ST બસમાં સ્વચ્છતા બાબતે હવે મુસાફરો સીધા નિગમમાં ફરિયાદ કરી શકે તે માટે QR કોડ થતી પેસેન્જર ફીડબેકર સિસ્ટમ પણ લોન્ચ કરવામાં આવશે. બસ અને બસ સ્ટેન્ડની અંદર ગંદકી કરનાર વિરુદ્ધ આવનારા દિવસોમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. - એમ.એ ગાંધી(ગુજરાત રાજ્ય એસટી વિભાગના નિયામક)

આ અભિયાન અંતર્ગત ડિસેમ્બરના ચાર અઠવાડિયા માટે મહત્વના કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં પ્રથમ અઠવાડિયામાં નિગમની તમામ બસ અને બસ સ્ટેશનની સ્વચ્છતાની કામગીરી, બીજા અઠવાડિયામાં સ્વચ્છતા દોડ, ત્રીજા અઠવાડિયામાં બસ સ્ટેન્ડની અંદર વૃક્ષારોપણ અને બસ તથા બસ સ્ટેન્ડ પ્લાસ્ટિકમુક્ત બને તે માટેનું અભિયાન અને ચોથા અઠવાડિયામાં સ્વચ્છતાની કામગીરીનું ઈન્સ્પેક્શન પણ કરવામાં આવશે.

કેટલી બસોમાં આવી ખામીઓ: ST વિભાગના નિયામક એમ.એ. ગાંધીએ વાહનોની કામગીરી અને બસોની ખામી બાબતે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 541 જેટલા વાહનોને રિપેરિંગની જરૂરિયાત છે, જે 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. 516 વાહનોમાં કલર કામની જરૂરિયાત છે તે આગામી 100 દિવસમાં અને 482 વાહનોમાં સીટની રીપેરીંગની જરૂરિયાત છે તેવા વાહનોમાં આગામી 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ST બસોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને 1681 બસોમાં ડસ્ટબિન ફીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેતી તમામ બસોમાં આવનારા દસ દિવસમાં ડસ્ટબિન ફીટ કરવામાં આવશે.

17 હોટલોના લાયસન્સ રદ: ગુજરાત ST વિભાગ દ્વારા લાંબા બસોની રૂટમાં ખાનગી હોટલ ઉપર ચા પાણી અને નાસ્તા માટેની સુવિધા આપવામાં આવે છે. ત્યારે અનેક મુસાફરો દ્વારા ST વિભાગમાં ખાવાની સુવિધા બરાબર નથી, ફૂડ બરાબર નથી તે બાબતની ફરિયાદ સામે આવી હતી. તેને ધ્યાનમાં લઈને ST વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસમાં 17 જેટલા ખાનગી હોટલોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આમ મુસાફરોને લાંબી રૂટમાં સારું ભોજન પ્રાપ્ત થઈ શકે તે માટે પણ વિભાગ દ્વારા ખાસ તપાસ કરવામાં આવશે.

ETV ભારતે ગુજરાતના અમુક બસ સ્ટેન્ડમાં શૌચાલય માટે એક રૂપિયાના પાંચ રૂપિયા વસૂલ કરવામાં આવે છે તે આ બાબતનો પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં ગાંધીએ નિવેદન આપ્યું હતું કે આ સિસ્ટમ અત્યારે કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે ત્યારે આ બાબતનો જવાબ વિભાગના વડા આપી શકે એટલે હર્ષ સંઘવીને જ આ પ્રશ્ન કરવાનું નિવેદન ગાંધીએ આપ્યું હતું.
  1. ઓર્ગેનિક ખાતર અને જંતુનાશક દવાઓ જાતે બનાવી છોટા ઉદેપુરના યુવાને કરી ઓર્ગનિક ખેતી, વર્ષે પાંચ લાખ રૂપિયાનું ટર્ન ઓવર
  2. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે સરકારી જમીન ભાડે આપવામાં આવશે, ગુજરાતના 3 જિલ્લાના ખેડૂતોને મળશે 24 કલાક વીજળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.