ETV Bharat / state

Gujarat Assembly : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે ચલાવશે વિધાનસભા

author img

By

Published : Jun 29, 2023, 5:27 PM IST

Updated : Jun 29, 2023, 6:30 PM IST

સમગ્ર વિશ્વ ટેકનોલોજીના ઉપયોગથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાએ પણ પરંપરાગત માધ્યમથી આગળ e-વિધાનસભા બનવા તરફ પ્રયાણ કર્યું છે. ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા સંપૂર્ણપણે પેપરલેસ થઇ જશે. હાલમાં કુલ 2.50 કરોડના ખર્ચે ગુજરાતના તમામ ધારાસભ્યો દીઠ 2 ટેબ્લેટ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Gujarat Vidhansabha : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે કરશે વિધાનસભાની કામગીરી
Gujarat Vidhansabha : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે કરશે વિધાનસભાની કામગીરી

ગાંધીનગર : ચોમાસું સત્રથી ગુજરાત વિધાનસભા સંપૂર્ણ રીતે e વિધાનસભા બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના 182 ધારાસભ્યો માટે પ્રતિ ધારાસભ્ય દીઠ 2 ટેબ્લેટની ખરીદી કરવામાં આવશે. જેમાં એક ટેબ્લેટ હંમેશા માટે વિધાનસભાના અંદર જ રાખવામાં આવશે. જ્યારે બીજું ટેબ્લેટ ધારાસભ્ય પોતાની પાસે રાખી શકશે. ઉપરાંત વિધાનસભાની ટર્મ પૂરી થતાં ટેબ્લેટ વિધાનસભામાં જમા કરાવવાના રહેશે. વિધાનસભા ગૃહમાં ટેબ્લેટ સાથે ઈન્ટરનેટ જોડાણ માટે આઈડિયા અને જીઓની બ્રોડલાઈન સેવા ઉપરાંત Wi-Fi ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં e-વિધાનસભા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

દરેક ધારાસભ્યને બે ટેબ્લેટ આપવામાં આવશે. જેમાંથી એક ટેબ્લેટ હંમેશા વિધાનસભા ગૃહમાં રાખવામાં આવશે. વિધાનસભા ગૃહમાં રાખેલ ટેબ્લેટમાં કોઈપણ સોશિયલ સાઇટનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ટેબલેટ સંપૂર્ણ રીતે ગુજરાત વિધાનસભાના સર્વર સાથે કનેક્ટ હશે. જેથી ગૃહમાં ધારાસભ્યો ફક્ત વિધાનસભા ગૃહની કામગીરી કરી શકશે. જ્યારે બીજા ટેબ્લેટમાં તમામ ફીચર્સ ઓપન રાખવામાં આવશે. બીજું ટેબ્લેટ ધારાસભ્ય પોતાની પાસે રાખી શકશે.-- શંકર ચૌધરી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા)

2.50 કરોડના ખર્ચે ખરીદી : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 182 વિધાનસભાના ધારાસભ્યો માટે કુલ 364 ટેબ્લેટ ખરીદી કરવામાં આવશે. એક ટેબ્લેટની કિંમત આશરે 60 હજાર હશે. આમ કુલ 2.50 કરોડના ખર્ચે ટેબ્લેટની ખરીદી કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં ટેબ્લેટ રાખવા માટે ખાસ ફ્રેમ લગાવવામાં આવશે. ઉપરાંત ટેબ્લેટ તૂટી જાય, ખોવાઈ જાય તો ધારાસભ્યોના પગારમાંથી ટેબ્લેટની કિંમત વસૂલ કરવામાં આવશે.

Gujarat Vidhansabha : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે કરશે વિધાનસભાની કામગીરી
Gujarat Vidhansabha : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે કરશે વિધાનસભાની કામગીરી

અત્યાધુનિક ટેક્નોલોજી : ગુજરાત વિધાનસભાની e-કામગીરી અંતર્ગત તમામ ધારાસભ્યોને ટેબ્લેટ આપવામાં આવશે. પરંતુ કોઈપણ ધારાસભ્ય અન્ય ધારાસભ્યના ટેબ્લેટનો ઉપયોગ કરી શકશે નહીં. આ માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યો પોતાના ચહેરાની ઓળખથી (Face Recognition System) ટેબ્લેટને એક્સેસ કરી ઉપયોગ કરી શકશે. વિધાનસભાની તમામ કામગીરી ટેબ્લેટ મારફતે જ કરવામાં આવશે. જેમાં અધ્યક્ષને પત્ર લખવો, સૂચન આપવા, 116 ની નોટિસ, પ્રશ્નોત્તરી, વિભાગના અહેવાલ સહિતની તમામ સુવિધાઓ ધારાસભ્યોને આંગળીના ટેરવે ઉપલબ્ધ હશે.

નાગરિકોની સીધી ભાગીદારી : ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને આવતા હોય છે. ત્યારે વિધાનસભા ગૃહની કામગીરીમાં નાગરિકોનો પણ સમાવેશ થાય તે દિશામાં પહેલ કરવામાં આવી છે. ગૃહમાં નાગરિકોનો સહકાર અને ભાગીદારી વધે તે અર્થે ધારાસભ્યોને ગૃહમાંથી વિશેષ વ્યવસ્થા આપવામાં આવશે. જેમાં ધારાસભ્ય પોતાના કાર્યકર્તાઓને પ્રશ્ન પૂછવા માટે ખાસ એક્સેસ આપી શકશે. ધારાસભ્યની પરવાનગી બાદ જે તે પ્રશ્ન વિભાગ અને ગૃહમાં આવી શકશે. e-વિધાનસભામાં વધુમાં વધુ 1000 કાર્યકર્તાઓને એક્સેસ આપી શકાય તેવી સુવિધા ગોઠવવામાં આવી છે. જેથી ગ્રાઉન્ડ લેવલની સમસ્યાઓ અને તકલીફ બાબતે ગૃહ માહિતગાર રહી શકે.

ડેટા સુરક્ષિત રહેશે ? e-વિધાનસભાના તમામ ઇલેક્ટ્રોનિક ડેટા માટે ખાસ સર્વર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક સર્વર ગુજરાતમાં રાખવામાં આવશે. આપાતકાલિન સ્થિતિ અથવા કોઈપણ કુદરતી આપત્તિમાં સર્વરમાં સમસ્યા આવવાની શક્યતા હોય છે. આવી પરિસ્થિતિમાં પણ ડેટાને સુરક્ષિત રાખવા માટે રાજ્યની બહાર પણ ગુજરાત વિધાનસભાનું એક સર્વર રાખવામાં આવશે. આમ ગુજરાત વિધાનસભામાં થતી તમામ કામગીરી જેમ કે, ધારાસભ્યની સ્પીચ, નિવેદન, પ્રશ્નોત્તરી, બજેટ, નિયમો અને અધ્યક્ષે કરેલ સૂચનો સહિતની કામગીરીનો ડેટા આ સર્વરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારનું સાયન્સ & ટેકનોલોજી વિભાગ કાર્યરત છે.

ધારાસભ્યોને વિશેષ પ્રશિક્ષણ : e-વિધાનસભાની કાર્યવાહી અને ટેબ્લેટ શિખવા માટે ધારાસભ્યોએ પ્રશિક્ષણ લેવું પડશે. ગુજરાત વિધાનસભામાં જુલાઈ માસમાં 40-40 ધારાસભ્યોના સમૂહમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના 30 જેટલા કર્મચારીઓ ધારાસભ્યોને e-વિધાનસભા અને ટેબ્લેટ વિશેનું જ્ઞાન આપશે. જો કોઈ ધારાસભ્યને પ્રશિક્ષણ બાદ પણ સમસ્યા જણાય તો વિશેષ વ્યક્તિગત પ્રશિક્ષણ આપવામાં આવશે. આમ ધારાસભ્યોએ e-વિધાનસભા માટે ફરજિયાત જ્ઞાન લેવું પડશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં e-વિધાનસભા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

  1. Gujarat Assembly : રોજગાર, અત્ચાર, ડ્રગ્સ, દારૂ જેવા પ્રશ્નોના જવાબ મુખ્યપ્રધાન જ આપે તેવી કોંગ્રેસની હઠ
  2. Gujarat Assembly : પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન
Last Updated : Jun 29, 2023, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.