ETV Bharat / state

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, તમામ રાજ્યની પોલીસ જોડાશે એકતા પરેડમાં

author img

By

Published : Oct 22, 2021, 6:50 PM IST

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા(Kevadia)માં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની શાનદાર ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, તમામ રાજ્યની પોલીસ જોડાશે એકતા પરેડમાં
રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, તમામ રાજ્યની પોલીસ જોડાશે એકતા પરેડમાં

  • તમામ રાજયોની પોલીસની એકતા પરેડ યોજાશે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે એકતા દિવસની ઉજવણી
  • આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ ઉજવણીમાં ભાગ લેશે
  • કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની પોલીસની વાહન રેલી કેવડિયા આવશે

ગાંધીનગરઃ રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણીમાં કેવડિયા(Kevadia) ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં(International sports) પદક મેળવ્યા છે. એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. જ્યારે બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે.

હિન્દુસ્તાની ચારેય દિશામાંથી સાયકલ રેલી આવશે કેવડિયા

દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. ત્યારે પશ્ચિમ ભારતમાંથી બીએસએફ અને બીઓપી રાયથનવાલા, બિકાનેર-રાજસ્થાનથી 723 કિલોમીટરની સાઇકલ રેલી કાઢીને કેવડીયા આવી રહ્યા છે. જ્યારે ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો 2793 કિલોમીટર લાંબી સાયકલ રેલીથી કેવડીયા પહોંચી રહ્યા છે. પૂર્વ દિશામાં એસએસબી, ભૂતાન બોર્ડર, જયગાવ, પશ્ચિમ બંગાળથી 2347 કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો કેવડીયા પહોંચી રહ્યા છે. જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ, ગઢચિરોલી, મહારાષ્ટ્રના જવાનો 863 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી 26 મી ઓક્ટોબર સુધીમાં કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં સામેલ થશે.

વિવિધ રાજ્યોની પોલીસ આવી રહી છે કેવડીયા

ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા(The tallest statue in the world)ના સાનિધ્યમાં પહોંચી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, તમિલનાડુ પોલીસ, ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા મોટર સાયકલ રેલી શરૂ કરાઇ છે, જે કેવડીયા પહોંચશે અને રેલીના પોલીસ જવાનો પણ એકતા પરેડમાં ભાગ લેશે. ઉત્તર દિશામાં જમ્મુ-કાશ્મીરથી પોલીસની મોટર સાયકલ રેલી ઉરીથી શરૂ થઇ છે, જે 2536 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. પૂર્વ દિશામાંથી ત્રિપુરા પોલીસની મોટર સાયકલ રેલી સબરૂમથી શરૂ થઈ છે, જે 3118 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. દક્ષિણથી તમિલનાડુ પોલીસની મોટર સાયકલ રેલી કન્યાકુમારીથી નીકળી છે, જે 2085 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે અને દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત પોલીસની મોટરસાઇકલ રેલી કચ્છના લખપતથી નીકળી છે, જે 1170 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

ઇન્ટરસ્કૂલ સ્પર્ધા

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની 36 ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લેશે. ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે.

આ પણ વાંચોઃ Statue of Unity જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો, કડક નિયમો જવાબદાર

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે રખાશે ખુલ્લું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.