olympics 2023: શાહે કરી સમીક્ષા, ઓલિમ્પિક સ્પોર્ટ્સ ઇવેન્ટને લઈ ચર્ચા વિચારણા

olympics 2023: શાહે કરી સમીક્ષા, ઓલિમ્પિક સ્પોર્ટ્સ ઇવેન્ટને લઈ ચર્ચા વિચારણા
ઓલિમ્પિકસ 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાને અમદાવાદમાં ખાસ બેઠક બોલાવીને વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ અને રમતગમતપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમતપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદમાં યોજવામાં આવી હતી. ગુજરાતમાં બની રહેલા સ્પોર્ટ્સ સંકુલનું કામ કેટલે પહોંચ્યું અને કયારે પુર્ણ થશે, તે અંગે ચર્ચા કરી હતી.
સુવિધા ઉભી કરાશે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓલિમ્પિકસ 2036માં જે રમતો સમાવિષ્ટ છે. તેના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પોર્ટ્સ એન્કલેવમાં સમયબદ્ધ રીતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું કાર્ય આયોજન હાથ ધરવામાં આવે તેવા દિશા નિર્દેશ કેન્દ્રીય ગૃહપ્રધાને આપ્યા હતા.
આ પણ વાંચો CM Bhupendra Patel Important Decision : વેરા ભરપાઇમાં રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય
વ્યવસ્થા ઉભી કરાશે: ગુજરાતમાં ઓલિમ્પિકસ 2036ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં પણ જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલિમ્પિકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમણે આ બેઠક અગાઉની યોજાયેલી પ્રથમ બેઠકમાં થયેલા સુચનો અંગે જે કામગીરી આગળ વધી રહી છે તેની પણ સમીક્ષા કરી હતી.
મુલાકાત લીધી: અમિત શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્ય આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમતપ્રધાન હર્ષ સંઘવી કરે તેવું સૂચન કર્યુ હતું. આગામી ઓલિમ્પિક્સ ગુજરાતમાં ભવ્ય રીતે આયોજિત થાય તે માટેની વિસ્તૃત વ્યૂહ રચનાની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહપ્રધાને આ બેઠક પૂર્વે નારણપુરા સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો કર્યા હતા.
પ્રેઝન્ટેશન રજૂ કર્યું: મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશકુમાર, રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે આ બેઠકમાં ભાગ લઈ પૂરક વિગતો આપી હતી. ઓલીમ્પીકસ 2036 માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ઔડાના સી.ઇ.ઓ ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
