ETV Bharat / state

Gujarat Assembly Bill 2023 : ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતે સર્વ સંમતિથી બિલ પસાર કરવામાં આવ્યું

author img

By

Published : Feb 23, 2023, 7:54 PM IST

Updated : Feb 23, 2023, 9:47 PM IST

ગુજરાત વિધાનસભા બજેટ સેશનના પ્રથમ દિવસે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પેપર લીક કાંડ બિલ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન બિલ 2023 રજૂ કર્યું છે. બિલમાં કેટલીક મહત્ત્વની જોગવાઇની વાત કરીએ તો પેપર લીક કરવામાં પકડાશે તેને 10 વર્ષની જેલની સજા અને 1 કરોડના દંડની કડક જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક બોર્ડ અને યુનિવર્સિટી ને બાકાત કરવામાં આવ્યું છે, બિલ ના અંતમાં સુધારો રજૂ થયો છે. ગુજરાતમાં હવે આ કાયદો લાગુ થયા પછી જ જાહેર પરીક્ષા યોજવામાં આવશે.

Gujarat Assembly Bill 2023 : ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક રજૂ, કડક સજા અને દંડની જોગવાઈઓ
Gujarat Assembly Bill 2023 : ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક રજૂ, કડક સજા અને દંડની જોગવાઈઓ

ગાંધીનગર : 29 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાના ગણતરી કલાક પહેલા પેપર ફૂટી ગયું હતું અને સરકારી તંત્રને પરીક્ષા રદ કરવી પડી હતી. ત્યાર બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી અને ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન બિલ 2023 પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ગૃહમાં વિધાનસભામાં લાવીને કાયદો વધુ કડક કરવા માટેની ખાતરી આપી હતી. આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભાના ટેબલ પર ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023 રજૂ કર્યું છે.

જાહેર પરીક્ષાની વ્યાખ્યા ગુજરાત સરકારે દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત નામનું વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે. પેપર લીક અંગે કાયદો લવાઇ રહ્યો છે તેમાં અલગઅલગ પ્રકારની જોગવાઈ કરાઈ છે. જાહેર પરીક્ષા એટલે કે જે પરીક્ષા સરકારના વિભાગો દ્વારા યોજવામાં આવી રહી છે તેને જાહેર પરીક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી એટલે કે પરીક્ષા સત્તા મંડળ દ્વારા જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે પરવાનગી આપવામાં આવી હોય તે વ્યક્તિ અને તેમાં જાહેર પરીક્ષામાં તેના વતી રહ્યા તરીકે કામ કરવા અધિકૃત કરવામાં આવી હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કઈ ગેરરીતિ ગણાશે ગેરરીતિ એટલે પરીક્ષાર્થી સહિત કોઈ વ્યક્તિના સંબંધમાં ખોટું નામ ધારણ કરવું અથવા પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો અથવા ફોડવાનું કામ કરવું. જ્યારે અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું અથવા મેળવવાનો પ્રયત્ન કરવો અથવા કબજો લેવો અથવા કબજો લેવાનો પ્રયત્ન કરવો સાથે જ અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર હલ કરવું અને હલ કરવાનો પ્રયત્ન કરવો તથા હલ કરવા મદદ માંગવી આ તમામનો સમાવેશ ગેરરિતીમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Congress on Paper Leak Bill : પેપર લીક બિલ છટકબારીવાળું બિલ, પેપર લીકના તાર કમલમ સુધી હોવાના મોટા આક્ષેપ

સજાની જોગવાઈ ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023માં સજાની જોગવાઈની વાત કરીએ તો ગેરરીતિ આચરનાર કોઈપણ પરીક્ષાર્થી ત્રણ વર્ષની મુદત સુધી કેદની સજા અને એક લાખ રૂપિયાથી ઓછા નહીં તેટલા દંડને પાત્ર થશે અને દંડની ચુકવણીમાં ચૂક થાય તેવા કિસ્સામાં આવા ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર કેદની સજા થઈ શકશે.

તપાસ ટીમની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરનારને સજા હવે કોઈપણ વ્યક્તિ તપાસ ટીમના કોઈપણ સભ્ય સુપરવાઇઝર કર્મચારી વર્ગ પરીક્ષા સત્તામંડળ અધિકારી અથવા પરીક્ષા સત્તામંડળ દ્વારા નિમાયેલી વ્યક્તિને ફરજ બજાવવા માટે અથવા કોઈ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાની ઓછા નહીં તેટલો નાણાકીય દંડને પાત્ર થશે અને દંડની ચુકવણીમાં જો ચૂક થાય તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જેમને સજા પણ થઈ શકશે

પ્રશ્નપત્ર ફોડનારને કેટલી સજા જ્યારે પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવામાં આવી હોય તેવા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિ હોય કે ન હોય તેવી પરીક્ષાર્થી સહિતની કોઈપણ વ્યક્તિ કાવતરું કરીને અથવા તો ગેરરીતિ આચરે અથવા આચરવાનો પ્રયત્ન કરીને પ્રશ્નપત્ર ફોડે તો તેવા વ્યક્તિને પાંચ વર્ષથી ઓછી સજા નહીં તેટલી કેદની પરંતુ વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા અને દસ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે જ્યારે ઓછામાં ઓછી પાંચ વર્ષની કેદની સજા આરોપીઓને થઈ શકે છે.

આ પણ વાંચો Budget Session: વિધાનસભામાં પહેલી વાર રાજ્યપાલના પ્રવચનમાં કોઈ વિરોધ નહીં, વિપક્ષ મોઢું બંધ રાખીને સરકારની વાહવાહી સાંભળતું રહ્યું

2 વર્ષ માટે જાહેર પરીક્ષા ન આપી શકાય સરકાર દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં જો કોઈ પણ વિદ્યાર્થીઓ દોષિત ઠરે તો તેવા પરીક્ષાર્થીઓને આવનારા બે વર્ષ સુધી કોઈપણ જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીની મિલકતની જપ્તી અને ટાંચમાં લેવામાં આવશે, જ્યારે જો કોઈ વ્યક્તિ દોષિત જણાય તો પરીક્ષા ને લગતા તમામ ખર્ચ અને નાણાં ચૂકવવા માટે વ્યવસ્થાપક મંડળ વગેરેને જવાબદારી માટેની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આ ગુનો બિનજામીન પાત્ર અને બિનમાંડવાળ પાત્ર તૈયાર કરવામાં આવ્યો છે.

પેપર લીકમાં કોણ કરશે તપાસ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023ની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા પેપર લીકમાં આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલ કોઈ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરના દરેક જાતિ ઉતરતાં દરજ્જાના ન હોય તેવા પરંતુ નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે.

કઈ જાહેર પરીક્ષાને આવરી લેવામાં આવી વિધાનસભામાં રજૂ થયેલા વિધેયકમાં જે સંસ્થાઓની પરીક્ષાઓને સાંકળવામાં આવી છે તેમાં GPSC, ગુજરાત હાઇકોર્ટ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ, રાજ્ય સરકાર દ્વારા રોકવામાં આવેલ એજન્સીઓ, સ્ટેટ ફંડ યુનિવર્સિટી, ગુજરાત માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્ય સરકારની માલિકીના જાહેર ક્ષેત્રો અને રાજ્ય સરકારમાં નોંધપાત્ર અથવા આંશિક રીતે માલિકીની કોઈ મંડળીઓ કોર્પોરેશન સ્થાનિક મંડળ અને તમામ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને આવરી લેવામાં આવ્યાં છે.

પેપર હરિયાણાનું ફોડવાનું હતું અને ફૂટી ગયું ગુજરાતનું : હર્ષ સંઘવી રાજયકક્ષાના ગૃહપ્રધાન અને ગૃહમાં ગુજરાત પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું વિધેયક મુદ્દે હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટયું છે એ હું માનું છું. પરંતુ કોઈ ઉમેદવારોએ આ બાબતની ફરિયાદ કરી ન હતી. જ્યારે સરકારને ત્રણ દિવસ અગાઉ જ પેપર ફૂટ્યું હોવાની જાણકારી મળી હતી. પરંતુ ક્યાં આવવાનું છે તે ચોક્કસ બાતમી ન હતી. જેથી ATS દ્વારા બરોડાના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસને ત્રણ દિવસથી સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આ પેપર ફોડનાર વ્યક્તિ હરિયાણાનું પેપર ફોડવા માટે ગયા હતા. પરંતુ તેમના હાથમાં આવી ગયું ગુજરાતની જાહેર પરીક્ષાનું પેપર. આરોપીઓએ પેપરને google ટ્રાન્સલેટ કર્યું પછી ખબર પડી કે આ તો ગુજરાતનું પેપર છે.

ગુજરાતના યુવાનોના સપના ફૂટ્યા છે : અમિત ચાવડા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ વિધેયક બાબતે ગૃહમાં કહ્યું હતું કે ‘દેર આયે દુરસ્ત આયે’ અને સરકારને 27 વર્ષ પછી ખ્યાલ આવ્યો એટલે સરકારને અભિનંદન આપું છું. જ્યારે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના યુવાઓના સપના ફૂટી ગયા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું છે તે ફક્ત કાયદો બની ના રહે. પરંતુ કાયદાનો કડક અમલ થાય તે જરૂરી છે, તેવી ટકોર કરી હતી.

2014થી જેટલા પેપર ફૂટયા તેને આ વિધેયકમાં આવરી લેવા જોઈએ અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિધેયકમાં ભૂતકાળમાં વર્ષ 2014થી જેટલા પણ પેપર ફૂટ્યા છે તે તમામ ઘટના આવરી લેવી જોઈએ. ઉપરાંત અમિત ચાવડા એવા પણ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતના પેપર ફૂટી રહ્યા છે તો યુવાનો કોના ઉપર વિશ્વાસ કરશે. સરકાર પાસે સરકારી પ્રેસની સુવિધા છે, તેમ છતાં પણ પેપર સેટિંગ માટે આઉટસોર્સિંગ કરવું પડે છે અને મોટી માછલી છૂટી જાય છે. જેથી મજબૂત કાયદો બનાવવો જોઈએ અને અત્યાર સુધીમાં જેટલા પણ પેપર ફૂટ્યા છે, તેમાં 50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી કરી હતી એ જ પેપર ફૂટ્યા છે. ત્યારે સરકારે પણ શ્વેત પેપર કરવું જોઈએ કે પેપર ફૂટવાથી માનસ ઉપર કેટલી અસર થઈ છે.

રાજ્યપાલના ભાષણથી વિધાનસભા શરૂ થઈ ગુજરાત વિધાનસભા બજેટ સેશનનો આજે પ્રારંભ થયો હતો અને સૌપ્રથમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ભાષણ હતું. તેમણે સરકારની કામગીરીને વર્ણવી હતી. તેમજ શોકદર્શન પ્રસ્તાવ રજૂ થયા હતા. ત્યાર બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પેપર લીક મુદ્દે વિધેયક રજૂ કર્યું હતું. અને આજની સેશનમાં પેપર લીક મુદ્દે ચર્ચા થઈ હતી.

Last Updated : Feb 23, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.