ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓમાં ડિપ્લોમાનો કોર્સ કરવાનો ક્રેઝ હોય છે. ત્યારબાદ ડિપ્લોમાનો કોર્સ પૂર્ણ કર્યા બાદ સીધા ડિગ્રી ઈજનેરી કૉલેજમાં એડમિશન લે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં ડિગ્રીનો ક્રેઝ ઘટી રહ્યો હોય તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલા પ્રશ્નમાં ગુજરાતમાં સરકારી અનુદાનિત અને ખાનગી કોલેજોમાં કુલ 70,000 વધુ બેઠકો ડિગ્રી કોર્સની જ ખાલી રહી હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 2 વર્ષમાં કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલીઃ સરકારી કૉલેજમાં ખાલી બેઠકની વાત કરીએ તો, વર્ષ 2021-22માં 1,936, વર્ષ 2022-23માં 4,886 મળી કુલ 6,822 બેઠકો ખાલી રહી હતી. જ્યારે અનુદાનિત કૉલેજની વાત કરીએ તો, વર્ષ 2021-22માં 135, વર્ષ 2022-23માં 403 મળી કુલ 538 બેઠકો ખાલી રહી હતી. ઉપરાંત ખાનગી કૉલેજોની વાત કરીએ તો, વર્ષ 2021-22માં 28,758, વર્ષ 2022-23માં 34,071 મળી કુલ 62,829 જગ્યાઓ ખાલી રહી હતી.
પ્રવેશપાત્ર વિધાર્થીઓની સંખ્યા ઘટીઃ ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલ પ્રશ્નનો જવાબ રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાને લેખિતમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર કૉલેજોમાં કુલ છેલ્લા 2 વર્ષમાં 70,189 જેટલી બેઠકો ખાલી રહી છે. જ્યારે પોલિટેક્નિક બેઠકમાં સરકારી કૉલેજમાં 11,480, અનુદાનિત કૉલેજમાં 116 અને ખાનગીમાં 41,053 સહિત કુલ 52,649 બેઠકો છેલ્લા 2 વર્ષમાં બેઠકો ખાલી રહી છે. જ્યારે આ તમામ ઉપલબ્ધ બેઠકોની સામે પ્રવેશપાત્ર લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે આ બેઠકો ખાલી રહી છે. તો ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ પાસે આગળ જવા ઘણા બધા વિકલ્પ જેવા કે, આઈ.ટી.આઈ ધોરણ 11, 12 સાઈન્સ, કૉમર્સ, આર્ટસ વગેરે ઉપલબ્ધ હોવાના લીધે મર્યાદિત રજિસ્ટ્રેશન થતા ડિપ્લોમા સીટો ખાલી રહે છે.
આ પણ વાંચોઃ Budget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી
2 વર્ષમાં એક ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી: ગુજરાતી વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડે રાજ્યમાં સરકારી ખાનગી અને અનુદાનિત મેડિકલ કૉલેજ બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં ગુજરાતમાં એક જ વર્ષ 2022થી સ્થિતિએ 6 સરકારી મેડિકલ કૉલેજ, 13 ખાનગી મેડિકલ કૉલેજ, 13 GMERS કૉલેજ, 3 મ્યુનિસિપલ સંચાલિત મેડિકલ હોસ્પિટલ, કેન્દ્ર સરકાર સંચાલિત AIIMS મેડિકલ કૉલેજ કાર્યરત્ છે. જ્યારે છેલ્લા 2 વર્ષ પૈકી વર્ષ 2021માં ફક્ત 1 ખાનગી મેડિકલ કૉલેજને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સરકારે ખાનગી મેડિકલ કૉલેજમાં વર્ષ 2021માં 150 બેઠકો અને વર્ષ 2022માં GMERS મેડિકલ કૉલેજમાં 500 સ્નાતક બેઠકોનો વધારો કરવામાં આવ્યા છે.