ETV Bharat / state

તમારી ઓળખાણ હોય તો જ આવજો સચિવાલય, નહીં તો થશે ધરમનો ધક્કો

author img

By

Published : Oct 20, 2020, 5:21 PM IST

કોરોના વાઇરસને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું. પરંતુ જૂન મહિનાથી અનલોક 1ની શરૂઆત કરવામાં આવી હતી. અનલોક 1 ની શરૂઆતમાં જ રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓ સહિત સચિવાલયને પણ ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યાં હતાં. પરંતુ શરૂઆતના સમયમાં સચિવાલયમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પ્રવાસીઓને સચિવાલયમાં એન્ટ્રી આપવામાં આવતી ન હતી. ત્યારબાદ 5 મહિના વીત્યા હોવા છતાં પણ હજુ સુધી રજૂઆત માટે આવનારા સામાન્ય વ્યક્તિઓને સચિવાલયમાં પરવાનગી આપવામાં આવતી નથી અને તેઓને ગાંધીનગરના ધક્કા ખાવાનો વારો આવે છે.

તમારી ઓળખાણ હોય તો જ આવજો સચિવાલય, નહીં તો થશે ધરમ ધક્કો
તમારી ઓળખાણ હોય તો જ આવજો સચિવાલય, નહીં તો થશે ધરમ ધક્કો

  • લૉકડાઉન સમયથી બંધ છે સચિવાલયમાં એન્ટ્રી
  • સામાન્ય નાગરિકને નથી મળી શકતો પ્રવેશ
  • પ્રધાનો કે અધિકારીની ઓળખાણથી અપાય છે પ્રવેશ

ગાંધીનગર : સચિવાલયની અંદર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે અને ફક્ત ગેટ નંબર એક અને ૪ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિ સરકારમાં ફરિયાદ કે રજૂઆત કરવા હજુ સુધી આવી શકતો નથી. કારણ કે ગેટ નંબર 4 અને 1 પર આવેલ મુલાકાતી પાસની બારીઓ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જ્યાં સુધી તે બારીઓ શરૂ ન થાય ત્યાં સુધી કોઈને પ્રવેશ પાસ મળી શકે નહીં અને સામાન્ય વ્યક્તિ સચિવાલયમાં રજૂઆત કરવા આવી શકે નહીં.

મુલાકાતી પાસની બારીઓ હજુ પણ બંધ રખાતાં સામાન્ય નાગરિકોને પ્રવેશબંધી
  • ગેટ 1 અને 2 પાસે પણ રજિસ્ટરમાં વિગતો લખવામાં આવે છે

બીજી તરફની જો વાત કરવામાં આવે તો જે વ્યક્તિઓને પ્રધાનો સુધીની ઓળખાણ છે તેઓ સીધા ફોન કરીને સચિવાલયની અંદર મુલાકાતે આવતાં હોય છે. આ માટે પણ સરકારે એક અલગ સિસ્ટમ ગોઠવી છે જેમાં જે વ્યક્તિએ જે પ્રધાનોને મળવું હોય તે પ્રધાનોના વ્યક્તિઓ સચિવાલયના ગેટ નંબર એક અને ચાર પર નામ અને ગાડીનો નંબર લખાવે છે. ત્યારબાદ વેરિફિકેશન પછી જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે સ્વર્ણિમ 1 અને 2ના ગેટ પાસે પણ છેલ્લાં કેટલાય દિવસથી આવું રજિસ્ટર કરવામાં આવે છે, જે રજિસ્ટરમાં મુલાકાતીઓના નામ અને મોબાઈલ નંબર તથા કયા પ્રધાનને મળવું છે તે અંગેની વિગતો પણ રજિસ્ટરમાં લખવામાં આવે છે.આમ જોવા જઈએ તો હવે જો કોઈ પ્રધાન અથવા તો અધિકારીઓની ઓળખાણ હોય તો જ તમે સચિવાલયની અંદર પ્રવેશ કરી શકો છો જ્યારે સામાન્ય વ્યક્તિઓ કોઈ ઓળખાણ ન હોય તો સચિવાલયના ગેટ નંબર 1 અને 4 પર રાહ જ જોવાનો વારો આવે છે. તો હવે સરકાર સામાન્ય જનતા માટે ક્યારે સચિવાલયના દરવાજા ખોલશે તે જોવું રહ્યું.

ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.