ETV Bharat / state

ડાંગના વાગણ ગામે પુલ બનાવવાની માગ, 7 દિવસમાં જવાબ ન આવે તો પેટા ચૂંટણી બહિષ્કારની ચીમકી

author img

By

Published : Oct 12, 2020, 7:32 PM IST

આહવા તાલુકામાં સમાવિષ્ટ વાંગણ અને કુતરનાચ્યા ગામને જોડતો નીચાણવાળો કોઝવેની જગ્યાએ ઉંચો પુલ બનાવવાની માગ સાથે ગ્રામજનોએ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું. આ માગણી બાબતે વહીવટી તંત્ર દ્વારા સાત દિવસમાં જો હકારાત્મક ઉકેલ ન આપવામાં આવે તો આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારતાં ખળભળાટ મચ્યો છે.

ડાંગના વાગણ ગામે પુલ બનાવવાની માગ, 7 દિવસમાં જવાબ ન આવે તો પેટાચૂંટણી બહિષ્કારની ચીમકી
ડાંગના વાગણ ગામે પુલ બનાવવાની માગ, 7 દિવસમાં જવાબ ન આવે તો પેટાચૂંટણી બહિષ્કારની ચીમકી

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકામાં સમાવિષ્ટ વાંગણ અને કુતરનાચ્યા ગામનાં 300થી વધુ કુટુંબોનાં અંદાજિત 2500 ગ્રામજનોને ચોમાસાની ઋતુ દરમિયાન ખાપરી નદીનાં પૂર ઉતરીને ગામમાં અથવા વહીવટીમથક સુધી જવું પડે છે. દેશ આઝાદ થયાને આજે 70 વર્ષ વીતી ગયાં તેમ છતાં અહીં પાયાની સુવિધાનાં નામે મીંડુ જોવા મળે છે. જેમાં આજે પણ અહી ગ્રામજનોને ચોમાસાની ઋતુ દરમિયાન નીચાણવાળા અને ભયજનક કોઝવે પસાર કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ બંન્ને ગામનાં રહીશોને બીમારી જેવા સમયે ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે.

2500 ગ્રામજનોને ચોમાસાની ઋતુ દરમિયાન ખાપરી નદીનાં પૂર ઉતરીને ગામમાં અથવા વહીવટીમથક સુધી જવું પડે છે
2500 ગ્રામજનોને ચોમાસાની ઋતુ દરમિયાન ખાપરી નદીનાં પૂર ઉતરીને ગામમાં અથવા વહીવટીમથક સુધી જવું પડે છે

થોડા વર્ષ અગાઉ ચોમાસાની ઋતુ દરમિયાન કોઝવે પાર કરવા જતા એક ઇસમનું તણાઈ જવાથી મોત નીપજ્યું હતું. સાથે નીચાણવાળા કોઝવેનાં પગલે ચોમાસાની ઋતુ દરમિયાન પાલતુ પશુઓ પણ તણાઈ જવાનાં બનાવો બન્યાં છે. જ્યારે આ ગામની બે બહેનો ચોમાસાની ઋતુમાં દૂધ ભરવા માટે અન્યત્ર જઈ રહી હતી તે દરમિયાન તણાઈ હતી. પરંતુ આ બન્ને બહેનોને ગ્રામજનોએ ભારે મહેનત બાદ બચાવી હતી. વધુમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખાપરી નદીને જોડતો આ નીચાણવાળો કોઝવે પાણીમાં ગરક થઈ જતાં ગ્રામજનો સહિત આહવા ખાતે ભણતાં બાળકો અટવાઈ જાય છે. અમુક વખતે ગ્રામજનોએ જીવનાં જોખમે કોઝવે પસાર કરવો પડે છે.

વહીવટી તંત્ર દ્વારા સાત દિવસમાં જો હકારાત્મક ઉકેલ લાવવા ચીમકી અપાઈ
વહીવટી તંત્ર દ્વારા સાત દિવસમાં જો હકારાત્મક ઉકેલ લાવવા ચીમકી અપાઈ

આ કોઝવેની જગ્યાએ ઉંચો પુલ બનાવવા બાબતે ગ્રામજનોએ અગાઉ ગ્રામસભા, તાલુકા, જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરી છે.પરંતુ તંત્ર દ્વારા પણ સમસ્યા નિવારણની જગ્યાએ આંખ આડા કાન જ કરે છે.ઉપરાંત રાજકીય પાર્ટીઓ પણ દર ચૂંટણી વખતે માત્ર વાયદાઓ જ કરે છે. જેથી આજરોજ સોમવારે આહવા તાલુકાના વાંગણ અને કુતરનાચ્યા ગામના જાગ્રત ગ્રામજનોએ નીચાણવાળો કોઝવેની જગ્યાએ તાત્કાલીક ધોરણે ઉંચો પુલ બનાવવાની માગ સાથે ડાંગ કલેક્ટર એન. કે. ડામોરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું. સાથે આ માગણીનો જો વહીવટીતંત્ર તરફથી સાત દિવસમાં હકારાત્મક ઉકેલ ન આપવામાં આવે તો ગ્રામજનો દ્વારા આવનારી વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.