ETV Bharat / state

Bhavnagar News: ભીલ સમાજના પ્રથમ ફાળાથી બનેલો મેથળા બંધારો થયો ઓવરફ્લો, પાળા ફરી ઉભા કર્યા

author img

By

Published : Jul 18, 2023, 1:56 PM IST

Updated : Jul 18, 2023, 2:58 PM IST

ભાવનગર જિલ્લાના મહુવાના ઊંચા કોટડા બગડી નદી પર બાંધવામાં આવેલા મેથળા બંધારો ઓવરફ્લો થતા 6 વર્ષે ખેડૂતોએ લાપસીના આંધણ મૂકી આનંદ લૂંટયો છે. લાપસી એટલા માટે કે સરકારની વાતો વચ્ચે ખેડૂતોએ સ્વયંભૂ બનાવેલો બંધારો ઓવરફ્લો થતા ફાયદો થયો છે. ETV BHARAT પાસે બંધારા સમયની એવી હકીકતો જેની ચોપડે નોંધ નથી કે કેમરામાં ક્યાંય ઘટના કેદ નથી પણ ખેડૂતોના હૃદયમાં ક્ષણો કેદ છે. બંધારાના નિર્માણમાં ખેડૂતોને મતોનું રાજકારણ કરનારાઓનો સાચો ચહેરો જાણવા મળ્યો હતો.

methala-embankment-built-with-the-first-share-of-bhil-samaj-workers-overflowed
methala-embankment-built-with-the-first-share-of-bhil-samaj-workers-overflowed

મેથળા બંધારો થયો ઓવરફ્લો

ભાવનગર: જિલ્લાના ઉંચા કોટડા ખાતે આવેલા બગડ નદી ઉપરના બંધારા ખેડૂતો માટે ગર્વ લેવા જેવી બાબત બની ગયો છે. મેથળા બંધારો 2018 ની સાલમાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો. 2012 થી સરકારના 2023 સુધી જાહેરાતો અને આંકડો ખર્ચનો વધારતી રહી છે. ખેડૂતોએ એકતા દર્શાવી અને એક ડગલું આગળ ચાલીને માટીનો મેથળા બંધારાનો પ્રારંભ કર્યો હતો. જો કે અહીંયા અમે તમને મેથળા બંધારાને લઈને એવી વિગતો જણાવવાના છીએ કે જેની ક્યાંય નોંધ નથી. પરંતુ ઘટનાક્રમ ખેડૂતોના હૃદયમાં છપાયેલો છે. આ બંધારાનો પ્રથમ ફાળો એક મજૂર અને ભીલ સમાજના શખ્સે આપ્યો હતો. જાણો રસપ્રદ હકીકત.

બંધારાનો પ્રથમ ફાળો એક મજૂર અને ભીલ સમાજના શખ્સે આપ્યો
બંધારાનો પ્રથમ ફાળો એક મજૂર અને ભીલ સમાજના શખ્સે આપ્યો

મેથળા બંધારાની જરૂરિયાત: ઉંચા કોટડા ખાતે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. સમુદ્ર કિનારે આવેલું મંદિર અને તેના બીજી તરફ મેથળા ગામ આવેલું છે. જો કે આ બે ગામની વચ્ચે બગડ નદીનું મિલન દરિયામાં થાય છે. આથી ત્યાં બંધારો કરવાની માંગ 2012 ની સાલ પહેલાથી રહી હતી. કારણ હતું કે દરિયા કિનારાના ગામોમાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધતું હતું. જેના કારણે ખેતીને નુકસાન થયું હતું.જો કે ઉંચા કોટડા મહુવા તાલુકામાં આવે છે અને ઉંચા કોટડાથી મેથળા વચ્ચેની નદી બગડ પાર કરો એટલે તળાજા તાલુકાનો પ્રારંભ થાય છે. આમ બે તાલુકા વચ્ચે નદી તેનું મુખ્ય સેન્ટર છે. જેના ઉપર મેથળા બંધારો બનાવવાની માંગ ખેડૂતોની રહી હતી. આસપાસના 10 થી 12 જેટલા ગામડાઓમાં તળના પાણી પણ ક્ષારવાળા થવાથી ખેતી મરવા પડી હતી અને પશુઓને પણ સાચવવા મુશ્કેલ બની ગયા હતા.આથી મેથળા બંધારો બાંધવાની માંગ પ્રબળ થઈ હતી.

મેથળા બંધારાનો પ્રારંભ
મેથળા બંધારાનો પ્રારંભ

સરકારની ભૂમિકા અને ખેડૂતોનો મત: જિલ્લાનો મેથળા બંધારો 2012માં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 35 કરોડના ખર્ચે બાંધવાની જાહેરાત થઈ હતી. જો કે ત્યારબાદ મુખ્યમંત્રી રહેલા આનંદીબેન પટેલ 55 કરોડના ખર્ચે બંધારો બાંધવાની વાત સિહોર જાહેરસભામાં કરવામાં આવી હતી પરંતુ બંધારો 2017માં પણ થયો નહીં ત્યારે ખેડૂતોને આક્રોશને જીલવાનો સમય આવ્યો હતો. 2018ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોએ બાઇક રેલી કાઢી ચીમકી આપતા 76 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આમ છતાં મેથળા બંધારો 2018માં માર્ચ અંત સુધીમાં નહિ થતા ખેડૂતોનો રોષ વધતો ગયો હતો. પરંતુ અડધા માર્ચ મહિના સુધી સરકાર ટસનીમસ નહીં થતાં ખેડૂતોએ અંતે જાત મહેનત જિંદાબાદના નારા સાથે આગળ વધવાનું વિચાર્યું હતું તેમ મેથળા બંધારા સમિતિના પ્રમુખ ભરતસિંહ પોપટભા વાળા તરેડીવાળાએ જણાવ્યું હતું.

કાચો પાળો તૂટે તો હિંમત હાર્યા વિના પાળા ફરી ઉભા કર્યા
કાચો પાળો તૂટે તો હિંમત હાર્યા વિના પાળા ફરી ઉભા કર્યા

ફાળાની શરૂઆત: મેથળા બંધારાને લઈને મેથળા બંધારા સમિતિની રચના કરવામાં આવી. જેમાં પ્રતાપભાઈ ગોહેલ અને ભરતસિંહ વાળા જેવા આગેવાન રહ્યા હતા.જો કે આ સમિતિનું કોઈ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું. સમિતિ રચાયા બાદ પ્રથમ બેઠક ઉંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે યોજાઈ હતી. જ્યાં પ્રથમ ફાળો એક શ્રમિકે જે ઊંચા કોટડા ગામના રેહવાસીએ આપ્યો હતો. જો કે આ વ્યક્તિનું નામ વેલજીભાઈ ભીલ છે. વેલજીભાઈ ભીલે 51 હજાર રૂપિયા રોકડા બંધારા સમિતિ સમક્ષ મૂકી દીધા હતા.

ખેડૂતોએ લાપસીના આંધણ મૂકી આનંદ લૂંટયો
ખેડૂતોએ લાપસીના આંધણ મૂકી આનંદ લૂંટયો

ગામ લોકોએ આપ્યો ફાળો: અલગ અલગ ગામના આગેવાનો અને ઈચ્છુક લોકોએ 10 તો કોઈએ 25 હજાર જેવો ફાળો આપવાની શરૂઆત કરી હતી. આથી મેથળા બંધારા સમિતિએ 2018 માં 26 માર્ચના રોજ બંધારો બાંધવાનું નક્કી કર્યું હતું. જો કે બંધારો બાંધવા માટે અમાસ અને પૂનમ બે તિથિનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. કારણ કે એક તરફ દરિયો અને એક તરફ નદી હોય ત્યારે અમાસ અને પૂનમના ભરતીના પાણી નદીમાં ઘૂસતા હતા.આથી બંધારાનું કામ તિથિને જોઈને શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ મેથળા બંધારો 2018 માં જૂન માસમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. જે ગાળો અંદાજે 90 દિવસનો થવા જાય છે. તેમ મેથળા બંધારા સમિતિના પ્રમુખ ભરતસિંહ પોપટભા વાળા તરેડીવાળાએ જણાવ્યું હતું.

આનંદની અનુભૂતિ
આનંદની અનુભૂતિ

બંધારો બે વખત તૂટ્યો પણ ખેડૂતો હિંમત હાર્યા નહિ: ઊંચાકોટડા ખાતે બગડ નદી ઉપર બનાવવામાં આવેલો બંધારો 2018 જૂનમાં પૂરો થયા બાદ 2019 માં ચોમાસામાં આવેલા ભારે વરસાદના પાણીને પગલે બંધારાનો પાળો તૂટી ગયો હતો. ચાલુ વરસાદે બંધારો તૂટતા ખેડૂતોને જાણ થતાની સાથે જ આગેવાનો અને ગામના લોકો દોડી ગયા હતા. ચાલુ વરસાદે પાળામાં માટી નાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો અને તૂટેલા બંધારાને પુનઃસરખો કરવામાં આવ્યો હતો. જો કે બીજી વખતની ઘટના 2020 માં બની હતી. જ્યારે બંધારામાં વેસ્ટ વિયર માટે ઓગીન બનાવવામાં આવેલુ તૂટી ગયું હતું.જેને પગલે પણ ખેડૂતોએ બાદમાં પુનઃ નવું બનાવ્યું હતું તેમ ભરતસિંહ પોપટભા વાળા તરેડીવાળાએ જણાવ્યું હતું.

બંધારામાં ગામડાના લોકોનું શ્રમ અને ખર્ચ: મેથળા બંધારાને લઈને 22 ફેબ્રુઆરી 2018 માં દયાળ ગામે એક બેઠક મળી અને નક્કી કરવામાં આવ્યું કે બંધારો બનાવવો છે. આથી 40 ગામોમાં લોકજાગૃતિનું કામ શરૂ કર્યું અને સભાઓ યોજવામાં આવી અને દયાળ,બાંભોર, દાઠા,વિજોદરી,પ્રતાપરા મેથળા, મધુવન, રોજીયા, ઉચા કોટડા, નીચા કોટડા, તલ્લી, વાલોર જેવા ગામના ખેડૂતોને એક કરવામાં આવ્યા હતા. બાદમાં 9 માર્ચ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને માંગ મુકાય હતી અને ચીમકી ઉચ્ચારી હતી. જો કે સરકાર નહીં કરે તો માર્ચના અંત સુધીમાં ખેડૂતો સ્વજાતે મેથળા બંધારાનો પ્રારંભ કરશે.

મેથળા બંધારાનો પ્રારંભ: સરકારે ટસની મસ નહીં થતા ખેડૂતોએ મેથળા બંધારાનો પ્રારંભ કર્યો અને 15 હજાર જેટલા લોકો બંધારાના બાંધકામમાં લાગી ગયા હતા.જો કે બાદમાં રોજ 5 હજાર લોકો કામ કરતા હતા. આ બંધારો 90 દિવસના ગાળે અંદાજે 54.77 લાખની કિંમતમાં તૈયાર થયો હતો એટલે એમ કહી શકાય કે 55 લાખના ખર્ચે તૈયાર થયો તેમ ભરતસિંહ પોપટભા વાળા તરેડીવાળાએ જણાવ્યું હતું.

રાજકીય નેતાઓનો ફાળો: બંધારો બાંધવાની શરૂઆત થતાં અનેક રાજકારણીઓ ઊંચા કોટડા મેથળા બંધારાની મુલાકાત લીધી. પરંતુ કેટલાક લોકો દ્વારા સામે આવીને ફાળો પણ આપ્યો હતો. ભરતસિંહ તરેડીએ જણાવ્યું હતું કે અમને ફાળો આપવામાં પ્રથમ વેલજી ભાઈ ભીલ હતા. બાદમાં બાબુભાઈ માંગુકિયાએ 7 લાખ, હાલ ભાજપમાં જોડાઈ ગયેલા હાર્દિક પટેલે કોંગ્રેસમાં હતા ત્યારે 1,00,000 ગુજરાત ખેડૂત સમાજે 1.11 લાખ અને મનુભાઈ ચાવડાએ એક લાખ જેવી રકમ ફાળામાં આપેલી હતી. જ્યારે 2018 માં બંધારાની ઓગીન બનાવવા માટે જશવંત મહેતા ફાઉન્ડેશન દ્વારા 28 થી 35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ દાનની પ્રક્રિયાઓ મોટા પાયા રહી હતી. જોકે ઘણા જાહેરમાં બોલીને ગયા પણ ફાળો આપ્યો નૉહતો તેમ બંધારા સમિતિના પ્રમુખ ભરતસિંહ પોપટભા વાળા તરેડીવાળાએ જણાવ્યું હતું.

આનંદની અનુભૂતિ: મેથળા બંધારાની શરૂઆત ખેડૂતોએ સ્વજાતે કરી હતી. સરકારને વારંવાર રજૂઆત બાદ મેથળા બંધારો નહીં થતા ખેડૂતોએ અંતે સ્વજાતે કામ શરૂ કર્યું. પરંતુ તેની મંજૂરી આજ દિન સુધી એક પણ કાગળ ઉપર લેવામાં આવી નથી કે નથી કોઈ આધાર પુરાવા. મેથળા બંધારા સમિતિ બોલવા માટે છે પરંતુ કાગળ ઉપર કાયદેસર ક્યાંય નથી. ખેડૂતો છેલ્લા છ વર્ષથી ડુંગળી, બાજરી, જુવાર વગેરે જેવા પાકો લઈ રહ્યા છે. સો ફૂટ ઊંડા ગયેલા તળ આજે 40 ફૂટે આવી ગયા છે. જે ક્ષારવાળું પાણી હતું. તેની માત્રામાં પણ ઘટાડો થઈ ગયો છે. જેને પગલે 10 થી 12 જેટલા ગામો આજે આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ભરતસિંહ પોપટભા તરેડીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ હાલમાં જ 13 તારીખના રોજ બામ્ભોર જાધપર મંદિરે મુલાકાત લીધી ક્યાં ખાનગી કમ્પનીની માઇનિંગ આવેલી છે. પરંતુ ઊંચા કોટડા મેથળા બંધારાની મુલાકાત લીધી નહીં. સરકારે બંધારો હજુ બનાવ્યો નથી પણ હવે બંધારો સાંકડો બનાવવો છે અને સ્થળ બદલીને જેથી ખાનગી કંપનીને ફાયદો થાય.

સરકારી તંત્રનો જવાબ: મેથળા બંધરાને પગલે ટેલિફોનિક વાતચીત મામલતદાર મહુવા સાથે વાત કરતા કહ્યું કે આ અમારામાં નથી તળાજામાં આવે છે. આથી તળાજા મામલતદારને ટેલિફોનિક વાતચીત કરતા તેમને કહ્યું મેથળા વિશે પ્રાંત અધિકારીને પૂછો. આથી અમે પ્રાંત અધિકારીને ટેલિફોનિક વાતચીતમાં પૂછતાં કહ્યું અમને ના ખબર હોય ક્ષાર નિયંત્રણને પૂછો. આથી અમે ક્ષાર નિયંત્રણ પૂર્વ અધિકારી તે સમયના હતા અને હાલમાં રિટાયર્ડ છે. આ પૂર્વ અધિકારી પરમાર સાહેબે જણાવ્યું કે મારી પાસે મંજૂરી માંગવા આવ્યા નથી,ક્યાંથી લીધી ખબર નથી.જો કે હાલમાં ક્ષાર નિયંત્રણ અધિકારી નવા ચાર્જમાં છે.

  1. Banaskantha News: નાગલા, ડોડગામ,અને ખાનપુરમાં 7 વર્ષથી પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબુર
  2. Surat News: કર્મભૂમિનું ઋણ ઉતારવા ઓરિસ્સાના રિસર્ચ સ્કોલરે આદિવાસી ગામ લીધું દત્તક, ઢોલ નગારાથી થયું સ્વાગત
Last Updated :Jul 18, 2023, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.