ETV Bharat / state

Lion In Gohilwad : વલભીપુરના દરવાજે ડણક સંભળાઈ, સિંહ પરિવારનો અદ્ભૂત આકાશી નજારો

author img

By

Published : Aug 22, 2023, 4:55 PM IST

Lion In Gohilwad
Lion In Gohilwad

ભાવનગર જિલ્લો બૃહદ ગીરનો ભાગ બની ગયું છે. 18 મી સદીમાં સિંહ ફરી પોતાના રહેઠાણ તરફ આગળ વધી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સિંહોની સ્થિતિ ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવે છે. ત્યારે જુઓ ડ્રોનથી સિંહ પરિવારના અદભુત દ્રશ્યો અને સિંહની અને અન્ય વન્ય પ્રાણીઓ માટે વન વિભાગની કામગીરી....

વલભીપુરના દરવાજે ડણક સંભળાઈ

ભાવનગર : ગીરનો સાવજ હવે ગોહિલવાડનો પણ સાવજ બની ગયો છે. સાવજો હવે કૃષ્ણકુમારસિંહજીની કહેવાતી ભૂમિ વલભીપુર સુધી પહોંચી ગયા છે. એક નહિ બે નહિ પણ ઢગલાબંધ સાવજો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ભાલના કાળિયાર અભયારણ્ય સુધી સાવજોએ ડંકો વગાડ્યો છે. સાવજને લઈને વન વિભાગ દ્વારા ડ્રોનથી કાળજી રાખવામાં આવી રહી છે .અમારી પાસે આવેલા દ્રશ્યો DFO ની મદદથી પ્રાપ્ત થયા છે. ચાલો જાણીએ સાવજની ડણક ગોહિલવાડમાં ક્યાં સુધી છે.

ભાવનગરમાં સાવજનો વસવાટ : ભાવનગર જીલ્લો હાલમાં બૃહદ ગીરનો ભાગ બની ગયું છે. ભાવનગર જિલ્લામાં 60 થી વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે. જોકે જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓ સિહોના વસવાટ માટે શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યા છે. મહુવા, જેસર, પાલીતાણા અને સિહોર કે જ્યાં સિંહ વસવાટ કરી રહ્યા છે. જમીન વિસ્તારમાં 56 જેટલા સિંહનો વસવાટ થયેલો છે. જ્યારે દરિયાઈ પટ્ટી ઉપર 17 જેટલા સિંહ નોંધાયેલા છે. સિંહની દર મહિને અવલોકન કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. જે અંગે ડીએફઓ સાદિક મુંજાવર દ્વારા જણાવામાં આવ્યું હતું.

સિંહ પરિવારનો અદ્ભૂત આકાશી નજારો
સિંહ પરિવારનો અદ્ભૂત આકાશી નજારો

સિંહ પરિવારની આગેકૂચ : ભાવનગરના DFO દ્વારા ગુજરાતમાં સિંહની વસ્તી બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 18મી સદીમાં સિહોની વસ્તી વધુ પ્રમાણમાં હતી. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંહનો વસવાટ હતો. 18મી સદીમાં વલભીપુર સુધી સિંહનો વસવાટ નોંધાયેલો છે. ત્યારે હવે 21મી સદીમાં ગીરનો સાવજ ફક્ત ગીરનો નથી રહ્યો. પરંતુ ગોહિલવાડનો પણ સાવજ બની ગયો છે.

ભાવનગરના વલભીપુર કાળિયાર અભયારણ્ય સુધી સિંહની ડણક વગાડી દીધી છે. ભાવનગર જિલ્લામાં સિંહ પ્રથમ જેસર બાદમાં પાલીતાણા પંથકમાં આવ્યા હતા. હવે ધીરે ધીરે મહુવા તરફ પણ વળવા લાગ્યા હતા. મહુવાની સાથે પાલીતાણાથી આગળ સિહોર તરફ આવ્યા અને સિહોરથી હવે વલભીપુર તરફ ફરી પ્રયાણ કર્યું છે. સિંહની વસ્તી દિવસે દિવસે વધી રહી છે.-- સાદિક મુંજાવર (DFO, ભાવનગર વન વિભાગ)

વન્ય પ્રાણી સૃષ્ટી : ભાવનગર જિલ્લામાં સિહોની ચોમાસામાં અવરજવરને પગલે વન વિભાગ ડ્રોનથી નજર રાખી રહ્યું છે. વન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં વન્ય પ્રાણીઓની પરિસ્થિતિ જોઈએ તો 2016 મુજબ 31 દીપડા, 2016 મુજબ 78 ઝરખ, 2022 મુજબ 4,298 નીલગાય, 2022 મુજબ 401 ચિંકારા, 2022 મુજબ અભ્યારણ બહારના કાળિયાર 440 જ્યારે 2022 મુજબ ચિત્તલ 550 નોંધાયેલા છે. જ્યારે સિંહ જમીન વિસ્તાર ઉપર 56 અને દરિયાઈ કાંઠા વિસ્તાર ઉપર 17 મળીને કુલ 73 જેટલા 2020 મુજબ નોંધાયેલ હોવાનું DFO મુંજાવર સાહેબે જણાવ્યું હતું.

વન વિભાગની ઉમદા કામગીરી : ભાવનગર જિલ્લામાં સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓના વધેલા વસવાટને પગલે પાલીતાણાના વડાલ ખાતે એક ખાસ હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓને લાવીને તેમની જિંદગી બચાવવાનો પ્રયત્ન પૂરો થાય છે. પ્રાણીઓ ઉપર વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવે છે. વન વિભાગ દ્વારા ખાસ કરીને સિંહ ઉપર તેની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર અને રહેઠાણ માટેની સુધારણાઓ બાબતે કાળજી રાખવામાં આવે છે. રહેઠાણની જગ્યા ઉપર ઘાસ રહે માટે ઘાસ ઉગાડવામાં આવે છે. પીવાના પાણીની વ્યવસ્થા રહે તે પ્રકારની કામગીરી ગોઠવવામાં આવે છે. આમ અન્ય વન વિભાગ વન્ય પ્રાણી માટે સતર્ક બનીને રહે છે.

  1. Amreli News : શેત્રુંજી નદીમાં સિંહણ બે બચ્ચા સાથે તણાઇ, વીડિયો વાયરલ થતા વન વિભાગે હાથ ધરી તપાસ
  2. Saavaj The official Lion anthem : વર્લ્ડ લાયન ડે પર ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'સાવજ' ગીતને રિલીઝ કરવામાં આવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.