ETV Bharat / state

Bhavnagar Stray Cattle : રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 10:22 PM IST

ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસ ભયંકર છે. સત્તામાં બેઠેલી ભાજપ સરકાર 27 વર્ષથી શાસનમાં છે. ત્યારે પણ સમાધાનની માત્ર વાતો જ થાય છે. ઢોર પકડાય છે પણ ક્યાં દરવાજેથી પાછા રસ્તા પર આવી જાય છે, તેને હજુ લોકો જાણી શક્યા નથી. હાઇકોર્ટે તાજેતરમાં ઝાટકણી કાઢતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. ત્યારે હવે અચાનક તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે...

Bhavnagar Stray Cattle
Bhavnagar Stray Cattle

રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું

ભાવનગર : શહેરમાં ચોમાસાના પ્રારંભ પહેલાથી જ રસ્તા ઉપર ઢોર સમસ્યા યથાવત છે. ભાવનગર મહાનગરપાલિકા ઢોરને માખી-મચ્છરનો ત્રાસ હોવાથી રસ્તા ઉપર આવીને બેસતા હોવાનો તર્ક રજૂ કરતી હતી. પરંતુ ઢોરને રસ્તા ઉપરથી હટાવીને મહાનગરપાલિકાને ઢોરની સમસ્યા દૂર કરવામાં રસ નહોતો તેમ કહેવામાં કંઈ ખોટું નથી. કારણ કે, રસ્તા પર ઢોરની સમસ્યા યથાવત છે. જોકે હાઈકોર્ટે આ અંગે ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કર્યા બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી ગઈ છે.

શહેરમાં ઢોરની સ્થિતિ : ભાવનગર શહેરના કોઈપણ રસ્તા ઉપર નીકળો એટલે ઢોર ન હોય તેવું તો ન બને. મનપાના પશુ નિયંત્રણ વિભાગના અધિકારીએ રસ્તા પર ઢોર કેમ આવે છે, તે અંગે ખુલાસો રજૂ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, ઢોરને ચોમાસાને કારણે માખી અને મચ્છરનો ત્રાસ રહેતો હોવાથી તેઓ રસ્તા ઉપર આવીને બેસે છે. રસ્તા ઉપર વાહનોના નીકળતા ધુમાડાને કારણે પવન આવે છે અને માખી મચ્છરથી તેઓ બચે છે.

તંત્ર જાગ્યું : મનપાના અધિકારીઓને ઢોર હટાવામાં અથવા ઢોરની સમસ્યા દૂર કરવામાં રસ ન હોય તેમ લાગે છે. કારણ કે, રસ્તા પરથી ઢોર હટતા જ નથી. જોકે હવે તો હાઇકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. તો મહાનગરપાલિકાને કામ તો કરવું જ પડશે. એટલે કદાચ લોકોની સમસ્યાનો હલ આવશે ખરા ? તેવો સવાલ હજુ પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. ઉપરાંત ઢોર પકડવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. 20 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ટેન્ડર ભરાઈ જતા RFID પ્રમાણે ટેગ લગાવવાનું અને ચીપ લગાવવાની કામગીરી હાથ ધરાશે.-- એમ.એમ. હિરપરા (અધિકારી,પશુ નિયંત્રણ વિભાગ-ભાવનગર મનપા)

સરકારની માર્ગદર્શિકા શું ? ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે ઢોરને પગલે માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકામાં જાહેર રસ્તા ઉપર પશુઓને ઘાસચારો નાખી શકાશે નહીં કે વહેંચી શકાશે નહીં. ઉપરાંત જે આવું કરશે તેની સામે ધોરણસરની કાર્યવાહી થશે તેમ જણાવ્યું છે. તેમજ જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર અંગે મહાનગરપાલિકા કે નગરપાલિકા કાર્યવાહી કરે ત્યારે અગાઉ માલધારીઓ બાઈક જેવા વાહનો લઈને ઢોરને હંકારી જાય છે. તેવા માલધારી કે પશુપાલક સામે સીસીટીવીના આધારે ઈ-ચલણ આપીને દંડની કાર્યવાહી કરી શકાશે. જોકે શહેર કક્ષાએ નાયબ પોલીસ અધિક્ષકની જવાબદારી રહેશે એટલે મનપા DYSP કક્ષાના અધિકારીને સાથે રાખીને ઢોર પકડવાની કામગીરી કરશે. આ સાથે માલધારીઓએ શહેરમાં પશુ રાખવા માટે રજીસ્ટ્રેશન કરાવવાના 250 રૂપિયા ફી અને લાયસન્સ મંજૂરી માટે 500 રૂપિયા ફી ભરવી પડશે.

મનપાની કામગીરી : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અગાઉ 700 જેટલા પશુઓને ટેગ લગાવવામાં આવ્યા છે. તો 500 જેટલી RFID ચિપ લગાવવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ મહાનગરપાલિકા અન્ય પશુઓમાં પણ ટેગ અને RFID ચિપ ટેગ લગાવવા માટે કાર્યવાહી કરનાર છે. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ટેન્ડર બહાર પાડી દીધું છે અને ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. પરંતુ ટેન્ડર ભરવાની કામગીરી શરૂ થતી નથી.

  1. Bhavnagar Stray Cattle : રખડતા ઢોરના કારણે ફુલ જેવા બાળકે માતાનો ખોળો ગુમાવ્યો
  2. Navsari News : નવસારી છાપરા રોડના ભરચક વિસ્તારમાં ભયંકર આખલા યુદ્ધ, જૂઓ વિડીયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.