ETV Bharat / state

Bhavnagar News : સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ ફેરવી તોળ્યું, માફીપત્ર આપી આવેશમાં આવી આક્ષેપ કર્યાનું સ્વીકાર્યું

author img

By

Published : May 13, 2023, 9:47 PM IST

ભાવનગર મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગમાં 12 કર્મચારીઓએ એકસાથે રાજીનામાં આપી કમિશનર અને ડેપ્યુટી કમિશનર સામે બાંયો ચડાવી હતી. પરંતુ 7 દિવસમાં કર્મચારીઓને પોતાની ભૂલનો અહેસાસ થતા માફીપત્ર જાહેર કર્યું છે. ગંભીર આક્ષેપ બાદ જાણો શું કહ્યું.

Bhavnagar News : સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ ફેરવી તોળ્યું, માફીપત્ર આપી આવેશમાં આવી આક્ષેપ કર્યાનું સ્વીકાર્યું
Bhavnagar News : સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ ફેરવી તોળ્યું, માફીપત્ર આપી આવેશમાં આવી આક્ષેપ કર્યાનું સ્વીકાર્યું

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના એક સાથે 12 કર્મચારીઓએ રાજીનામાં મૂક્યા હતા. જેમાં કાયમી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓએ ગંભીર આક્ષેપો કમિશનર અને ડેપ્યુટી કમિશનર સામે કરીને રાજીનામાં ધર્યા હતા. જ્યારે કમિશનરે આક્ષેપોનો છેદ ઉડાડયો હતો. મહાનગરપાલિકા અને શહેરમાં ચકચાર મચાવતા રાજીનામાં પ્રકરણમાં હવે કર્મચારીઓએ ફેરવી તોળ્યું છે અને માફીપત્ર લખી આપ્યો છે.

સોલીડવેસ્ટ વિભાગ રાજીનામા વિવાદ : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓએ એકસાથે 5 મે ના રોજ રાજીનામાં ધરી દીધા હતા.ભાવનગર મહાનગરપાલિકાના 18 આરોગ્ય કર્મચારી બાદ બીજો ઝટકો સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ આપ્યો હતો. કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ રાજીનામાં ધરી દેવામાં આગળ રહ્યા હતા.

માનસિક ટોર્ચિંગ હોવાનો આક્ષેપ : સોલીડ વેસ્ટ વિભાગના 12 જેટલા કર્મચારીએ રાજીનામાં આપ્યા હતા. તેમાં જે.બી ગરચર, સતીશ દવે, ગૌતમ બારૈયા, પ્રદીપ ધોરીયા, મુકેશ ગોહિલ, રાજેશ વેગડ, હનીફ મન્સૂરી, વર્ષાબેન વણકર, પરેશભાઈ મેર, યશભાઈ બારૈયા, શહેઝાદ ગડણ અને શૈલેષભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. રાજીનામા ધરવા પાછળ સતત કામનો બોજો અને માનસિક ટોર્ચિંગ હોવાનો આક્ષેપ લેખિતમાં કરવામાં આવ્યો હતો. આક્ષેપો કમિશનર અને ડેપ્યુટી કમિશનર સામે કરાયા હતા.

આક્ષેપો શું હતા : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના 12 કર્મચારીઓ રાજીનામા ધર્યા તેમાં મહાનગરપાલિકાની પોલ લેખિતમાં ખોલીને મૂકી દીધી હતી. આ રાજીનામાં ધરનાર કર્મચારીઓમાં સીએસઆઈ,એસઆઈ અને એસએસઆઇ પોસ્ટ ધરાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે હાલમાં થોડા સમય પહેલા પ્રેસ રોડ ઉપર એક ફેક્ટરીનું સીલ મારવામાં આવ્યુ હતું. જ્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હતું. ત્યારે આ ફેક્ટરીનું સીલ ખોલી દેવામાં આવ્યું હતું અને જપ્ત કરાયેલુ પ્લાસ્ટિક પણ પરત કરવામાં આવ્યું હતું. ત્યારે બંધ ગોડાઉન ન ખોલવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. ત્યારે કમિશનર આવી નોટિસોમાં ઉલ્લેખ કેમ નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો. આ સાથે રૂપાણી સર્કલમાં આર કે એન્ટરપ્રાઇઝમાં પ્લાસ્ટિક જપ્તીમાં સોલીડવેસ્ટના કર્મચારી ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છતાં પણ આઇપીએસ અધિકારીના કહેવા પ્રમાણે કોઈ એફઆઇઆર થઈ નહીં અને કાર્યવાહી થઈ નહીં જે કર્મચારીઓનું મોરલ તોડે છે. કામ કરવામાં આવે નહીં તો સસ્પેન્ડની ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ કરાયો હતો.

હવે શું ફેરવી તોળ્યું : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગના 12 કર્મચારીઓએ આપેલા એક સાથે રાજીનામાને લઈને કોઈ માસ્ટરનું ભેજુ ચાલતું હોવાની ચર્ચા હતી. ત્યારે 5 તારીખે અપાયેલા રાજીનામાં દસ દિવસની અંદર જ ફરી પાછા ખેંચાઈ ગયા છે. મહાનગરપાલિકામાં ઇન્વર્ટ કરીને માફી પત્ર કમિશનરને સુપ્રત કર્યો છે.

12 લોકો દ્વારા માફી પત્ર આપવામાં આવ્યું છે અને અમારાથી ભૂલ થઈ ગઈ છે તેવું તેમણે સ્વીકાર્યું છે. સંજય હરિયાણી (સોલિડ વેસ્ટ અધિકારી)

કર્મચારીઓએ માફીપત્રમાં શું કહ્યું : માફીપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જૂના બંદર ઉપર જે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં સીલ મારવામાં આવ્યું અને બાદમાં તેને ખોલી નાખવામાં આવ્યું ત્યારે તેની પાછળની રીપ્રોસેસની કામગીરીથી તેઓ અજાણ હતા. આથી તેમના આક્ષેપ પાયાવિહોણા છે. આ સાથે સ્ટાફની અછતને લઈને આવેશમાં આવીને આક્ષેપો કર્યા હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું છે. કર્મચારીઓએ દિલગીરી વ્યક્ત કરતા હૃદયપૂર્વક માફીપત્ર જાહેર કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.