ભાવનગર : ભાવનગરની બજારમાં આવતીકાલે નવરાત્રી અને બપોર બાદ આજે મેચ હોવાથી ખરીદીનો સંગમ જોવા મળ્યો છે. ભાવનગરની મુખ્ય બજારમાં નવરાત્રી નિમિત્તે ચૂંટણીના હાર, ચૂંદડી વગેરેની ખરીદી વહેલી સવારમાં થઈ રહી છે, તેની પાછળનું કારણ બપોર બાદ ભારત પાકિસ્તાનની મેચ હોવાનું લોકો અને વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે નવરાત્રિની ખરીદી મોંઘવારી વચ્ચે પણ થવા પામી છે.
બજારમાં સવારમાં ભીડ પાછળનું કારણ : ભાવનગરની મુખ્ય ઊંડી વખારમાં ખરીદી માટે લોકો વહેલી સવારથી ઉમટી પડ્યા છે. નવરાત્રી આવતીકાલે શરૂ થઈ રહી છે, ત્યારે સવારમાં સારું મુહૂર્ત હોવાથી માતાજીની ચુંદડી વગેરેની ખરીદી આગળના દિવસે આજે થાય છે. પરંતુ બપોર બાદ ભારત પાકિસ્તાનની મેચ હોવાથી તેની અસર બજારમાં જોવા મળી રહી છે.
આજે માતાજીની ચુંદડી અને હાર વગેરેની ખરીદી કરવા આવ્યા છીએ. આવતીકાલ સવારમાં માતાજીનું સારું મુહૂર્ત હોવાથી બધું બદલવાનું હોય છે. જો કે ભારત પાકિસ્તાનની બપોર બાદ મેચ હોવાથી લોકો સવારમાં જ ખરીદી કરી રહ્યા છે અને હું પણ એ માટે જ આવ્યો છું...જામસિંગ નાનજીભાઈ ચૌહાણ (ગ્રાહક)
મોંઘવારીનો માર છતાં ખરીદીનું કારણ શું : ભાવનગર શહેરની ઊંડી વખારમાં નવરાત્રી નિમિત્તે ગ્રાહકો મોટી સંખ્યામાં નવરાત્રિના એક દિવસ પૂર્વે વહેચાય છે, ત્યારે આજે લોકો નવરાત્રી નિમિત્તે ખરીદી કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ત્યારે વ્યાપારી જીનલબેન શાહે જણાવ્યું હતું કે માહોલ હાલમાં એક નંબર ખરીદીનો છે.
માતાજીની ચુંદડી અને હાર માટે પડાપડી થાય છે. મોંઘવારીનો માર ખૂબ પડ્યો છે 20 ટકાથી લઈને 30 ટકા સુધીનો વધારો દરેક ચીજોમાં જોવા મળી રહ્યો છે. ચૂંદડીમાં આવતી લેસનું કાપડ પણ મોંઘુ થતા ભાવ ઉંચકાયા છે, ત્યારે બીજી તરફ આજ સવારથી જ ખરીદીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે જો કે બપોર પછી ભારત પાકિસ્તાનની મેચ હોવાથી સવારમાં લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે...જિનલબેન શાહ (વ્યાપારી)
ચૂંદડી,હાર,ગુગલ વગેરેના ભાવોમાં ઉછાળો : ભાવનગરમાં નવરાત્રી નિમિત્તે આસ્થા અને શ્રદ્ધાને પગલે ચુંદડી,હાર વગેરેની કિંમત જોતા નથી. ત્યારે મોંઘવારીએ માઝા અહીંયા પણ મૂકી છે. 10 થી 15 રૂપિયાની ચુંદડીના ભાવો હાલમાં 30 થી લઈને 60 રૂપિયા તેમજ 100 રૂપિયા સુધી છે, ત્યારબાદ હારની વાત કરવામાં આવે તો તે પણ 30 રૂપિયાથી લઈને જોઈએ તેટલી ઊંચી કિંમતમાં મળી રહ્યા છે. બીજી તરફ અગરબત્તી અને ધૂપમાં પણ વધારો થયો છે. 50 રૂપિયાનો મળતો ગુગળ,ધૂપ આજે 70 થી 80 રૂપિયા વહેંચાઈ રહ્યો છે. આમ દરેક ચીજોમાં 20થી 30 ટકાનો વધારો જરૂર થયો છે. પરંતુ ધાર્મિક અને માતાજી પ્રત્યે શ્રદ્ધા હોવાને પગલે ખરીદીમાં કોઈ અસર જોવા મળી નથી.