ETV Bharat / state

Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ, યુવરાજે આપ્યાં જવાબ

author img

By

Published : Apr 15, 2023, 8:25 PM IST

ભાવનગર એલસીબીએ પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં 36 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. જો કે આ મામલે નવો વળાંક આવ્યો છે. બિપીન ત્રિવેદીના નામના શિક્ષકે યુવરાજસિંહ જાડેજાએ પૈસા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે.

Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ, યુવરાજે આપ્યાં જવાબ
Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ, યુવરાજે આપ્યાં જવાબ

બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહના વાયરલ વિડીયો

ભાવનગર : ભાવનગર એલસીબીને મળેલી જાણકારીના આધાર પર ચાર આરોપીની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. જે મુજબ પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડતા હતાં અને આ પ્રકરણ 2012થી ચાલ્યું આવે છે. આ ડમી ઉમેદવાર કૌભાંડમાં આજે બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર આર્થિક વ્યવહારના ગંભીર આક્ષેપ કર્યા છે, તેનો વીડિયો વાયરલ થયો છે અને ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. જોકે યુવરાજસિંહે તે આક્ષેપના જવાબ આપ્યા છે. યુવરાજસિંહે પૈસા લીધા હોવાની વાતને રદિયો આપ્યો છે અને તમામ બાબતોની સ્પષ્ટતા કરી છે.

કોણ છે બિપીન ત્રિવેદી : ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળા નંબર 38 અટલ બિહારી વાજપાઈમાં પાનવાડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં બિપીન ત્રિવેદીએ વ્યાકરણ વિહાર અને સાહિત્ય સંગમ જેવા પુસ્તકો પણ લખ્યા છે. જે પુસ્તકના અંતિમ પાનામાં યુવરાજસિંહ જાડેજાની જાહેરાત જોવા મળે છે. જો કે બિપીન ત્રિવેદીને યુવરાજસિંહ જાડેજા સાથે ઘણા વર્ષોથી અંગત સંબંધો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો

બંધબારણે પૂછપરછ : ભાવનગર પોલીસ અને એટીએસ હાલ બિપીન ત્રિવેદીને લઈને બંધબારણે પૂછપરછ કરી રહી છે. બિપીન ત્રિવેદી વિશે જાણીએ તો તે એક સરકારી શાળાનો શિક્ષક અને યુવા એકેડેમીમાં પણ સેવા આપી રહ્યો છે. યુવા એકેડેમી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટ્યુશન ક્લાસ ચલાવે છે. ત્યારે સવાલ એક જ ઉભો થાય છે કે ડમી કૌભાંડમાં આખરે કેટલા લોકોએ સરકાર સાથે વિશ્વાસઘાત કરીને નોકરીઓ મેળવી છે.

સીસીટીવી અને વ્હોટસઅપ ચેટ વાયરલ થયા : જાણવા મળ્યા મુજબ પૈસાની લેતીદેતી થઈ તે કારમાં અને તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. તેમજ યુવરાજસિંહના વ્હોટસઅપમાં ચેટ થઈ તે પણ આજે વાયરલ થઈ છે. જોકે આ ઘટના વધુ ચકચાર મચાવે તેવી સર્જાઈ છે. અને હવે ગુજરાત પોલીસ આની વધુ તપાસ કરશે તો તેઓને નવી કડી મળવાની સંભાવનાઓ વધી ગઈ છે.

45 લાખમાં ડીલ થઈ : બિપીન ત્રિવેદીનો વાયરલ થયેલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે પહેલી બેઠક ડીલમાં પરિણમશે તેની ખબર નહોતી. પછી પ્રદીપ આવ્યો અને તેના ઘરે પોલીસ વારેવારે આવે છે, તેને એમ હતું કે હું નિર્દોષ છું. મારા મનમાં બીજો ખ્યાલ હતો, પણ મીટિંગ ડીલમાં પરિણમી. અને એમ થયું, પછી મે કોઈને કોલ કર્યો નથી. મને આમાં કાંઈ મળ્યું નથી. મે કોઈની સાથે વાત નહોતી કરી કે મારે આમાં કાંઈ લેવાનું છે. મારે એમાં પડવું જ નહોતું. પીકેનું આખુ નામ પ્રકાશભાઈ છે. ફાધરનું નામ ખબર નથી. કાનભા અને ધનશ્યામભાઈ બહાર ગયા. મીટિંગમાંથી બીજી ઓફિસમાં બેસવા માટે. અને પછી તેઓ પાછા આવ્યા પછી 45 લાખમાં ડીલ ફાઈનલ થઈ. કાળીયાબીડમાં પાણીની ટાંકી પાસે વિકટોરિયા કોમ્પલેક્સમાં. એ પછીના દિવસે ધનશ્યામભાઈનો ફોન આવ્યો હતો. મીટિંગ સાંજે 6.30 વાગ્યે થઈ હતી. ડેટ 2 અથવા 3 એપ્રિલના રોજ મીટિંગ થઈ હતી. ઘનશ્યામભાઈનો ફોન આવ્યો, પેમેન્ટ આપવા માટે. મને કે તમારુ કામ છે. આવોને.

ભાવાત્મક ભૂલ : શિક્ષક બિપીન ત્રિવેદીએ વીડિયોમાં કહ્યું હતું કે હું, પ્રદીપ અને ઘનશ્યામભાઈ, શિવુભા અને યુવરાજસિંહ અમે સાથે બેઠા હતા. મારે બે વાગ્યે લેકચર હતું, એક વાગ્યે મીટિંગ શરૂ થઈ હતી. બે વાગ્યે હું નીકળ્યો. અને પછી એ ડીલ રૂપિયા 55 લાખમાં થઈ હતી. એ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ ત્રણ તબક્કામાં ગયા. એમાં હુ સાથે નહોતો. ટૂંકમાં એ વહીવટ ઘનશ્યામભાઈ કરતાં હતા. કનભા હતા. પહેલી મીટિંગમાં તો ઠીક છે. પણ બીજીમાં હું નહી. સમાજ પ્રેમ બરોબર છે. પણ આ બધુ લાંબુ ચાલે. અને ફોલ્ટમાં આવી જવાય. આ બધાનો ભરોસો નહી. આમાં લાંબુ થાય. આમાં આપણો રસનો વિષય નથી. અને વાત પુરી થઈ. સમાજ ભાવના અને પીકે છે વિકલાંગ છે, એમને જોઈને મને થોડી હમદર્દી થઈ. મે ભાવાત્મક ભૂલ કરી છે.

આ પણ વાંચો Dummy Candidate Scam : ડમી ઉમેદવારનું મોટું કૌભાંડ ખુલ્યું, 36 શખ્સો સામે ફરીયાદ

યુવરાજસિંહ અને બિપીન ત્રિવેદીની ઓળખાણ : યુવરાજસિંહ જાડેજાએ ફેસબુકના માધ્યમથી જણાવ્યું હતું કે બિપીન ત્રિવેદીને હું ઓળખું છું. તેઓ 2018-19થી મારા સંપર્કમાં છે. તેઓ વ્યાકરણ વિહાર બુકને લઈને મારી સાથે સંપર્કમાં આવ્યા હતાં. બિપીનભાઈ જે રીતે સ્પષ્ટતા કરી રહ્યા છે, જે ગાડીમાં પેમેન્ટની લેતીદેતી થઈ અને યુવરાજસંહે પૈસાનું ઉઘરાણું કર્યું છે. હા હું સ્પષ્ટ કહી દઉ કે જે નામ લીધા છે, તે બધા એજન્ટોને હું મળ્યો છું. પીકે, આરકે, અને ઘણા બધા એજન્ટો નામ છે, મારી ડાયરીમાં નામ છે. આ મુલાકાત થઈ તે માત્ર વાત કઢાવવા માટે હતી. સામાજિક રીતે જે ગામના નામ સામે આવેલા તેમાં પીપલલા, સથરા, દીહોર, ઈમાણા, દેવગણા નામ સામે આવ્યા હતા. ડમી પ્રકરણ ત્યાંથી ચાલતું હતું. આ વાત મે જૂનિયર કલાર્કની પરીક્ષા શરૂ થઈ તે પહેલા મે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને ત્રણ બાબત જણાવી હતી. ડમી વિદ્યાર્થીઓ બેસાડવાનું, ડમી માર્કશીટ અને ડમી પ્રમાણપત્રનું. મને જે બાબતે કન્ફર્મેશન મળ્યું હતું તે પુષ્ટિ થઈ હતી. તે વિગતો હું સામે ચાલીને હસમુખ પટેલને મળીને આપી હતી. જે નામ ક્રોસ વેરિફિકેશન મેં કરેલા હતા, તે બધા નામ હસમુખ પટેલ સાહેબને આપ્યાં હતાં.

યુવરાજસિંહની ચેટ
યુવરાજસિંહની ચેટ

એજન્ટોને સાચી વાત કઢાવવા મળ્યા : યુવરાજસિંહે વધુમાં કહ્યું હતું કે બિપીન ત્રિવેદી સામાજિક એજન્ટ બનીને આવેલા. તેઓ આર્થિક વ્યવહારની વાત કરી રહ્યા છે, તે વાત ખોટી છે. કોઈપણ પ્રકારનો આર્થિક વ્યવહાર થયો નથી, તે વાત સ્પષ્ટ છે. એફઆઈઆરમાં જે નામ આવ્યા છે, તે એજન્ટ છે. આ એજન્ટો પાસેથી મારે સાચી માહિતી કઢાવવાની હતી. મારી પાસે જુનિયર કલાર્કની પરીક્ષાના ડમી કોલ લેટર આવ્યા તો તે હું હસમુખ પટેલને આપી આવ્યો છું. આમાં એક એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પૈસાની કટકી થઈ છે. તો ખરેખર પોતાના સમાજને બચાવવા માટે આ એક સામાજિકની સાથે રાજકીય ષડયંત્રનો એક ભાગ છે. આ એજન્ટોએ મને પૈસાની ઓફર કરી હતી.

પોતે છટકી જાય અને યુવરાજસિંહ ભરાઈ જાય : યુવરાજસિંહ વધુ ઘટસ્ફોટ કર્યો હતો કે આ એજન્ટોએ મારી સાથે ચર્ચા કરી હતી, તેમાં તેઓએ મને રૂપિયાની ઓફર કરી હતી. રૂપિયા 40 લાખની માંડીને અઢી કરોડ સુધીની ઓફર થયેલી છે. આ વિસ્તારના સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ મારી સાથે બેઠક કરી ચુક્યા છે અને તેમણે આ વાત અમારા સુધી પહોંચાડી હતી. બિપીનભાઈને લાભ લેવાનો હતો કે હું તમારી મુલાકાત કરાવી દઉ તો મને કંઈક મળે. પણ મારી સાથે કોઈ લેતીદેતી થઈ નથી. પોતે છટકી જાય અને યુવરાજસિંહ ફસાઈ જાય તેવી ગણતરી હતી. હું બહુ પ્રમાણિકતા સાથે કહું છું કે મારી પાસે જે બાબતો આવી છે, તે જગજાહેર કરી છે.

ગુજરાત પોલીસે ઝડપી તપાસ શરૂ કરી : ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં ગુજરાત પોલીસ સફાળી જાગી છે અને ઝડપથી તપાસનો પ્રારંભ કરી દીધો છે. 36 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને ફરિયાદ દાખલ થઈ ગઈ છે. આજે તેમને કોર્ટમાં પણ રજૂ કરાશે અને રીમાન્ડની માંગ કરાશે. છેલ્લે મળતા સમાચાર મુજબ ગુજરાત એટીએસ ડમી ઉમેદવાર કાંડની તપાસ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.