ETV Bharat / state

આંગણવાડી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે 6 વર્ષથી ન્યાય મળ્યો નથી, રઝળપાટમાં 4 દિવસનો પુત્ર પણ ગુમાવ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 7:49 PM IST

વર્ષ 2018માં આંગણવાડીમાં ભરતીમાં ભ્રષ્ટાચારથી ભરતી થઈ હોવાનો આક્ષેપ એક ઉમેદવાર કુસુમ પરમાર કરી રહ્યા છે. કુસુમ પરમાર અને તેમના પતિ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ 6 વર્ષથી લડત લડી રહ્યા છે પણ તેમને 'સરકારી જવાબો' સિવાય કંઈ હાથ લાગ્યું નથી. વાંચો ન્યાય માટે 6 વર્ષથી લડતા દંપતિના સંઘર્ષ વિશે વિગતવાર. Anganwadi 2018 Job NO Justise Husband and Wife Helpless

આંગણવાડી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે 6 વર્ષથી ન્યાય મળ્યો નથી
આંગણવાડી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે 6 વર્ષથી ન્યાય મળ્યો નથી

ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે 6 વર્ષથી ન્યાય મળ્યો નથી

ભાવનગરઃ જિલ્લાના ટાણા ગામે વર્ષ 2018માં આંગણવાડી વર્કર હેલ્પરની ભરતી બહાર પડી હતી. આ ભરતીમાં આવેદન કરનાર એક ઉમેદવાર કુસુમ પરમારે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કુસુમ પરમાર અને તેમના પતિ રાજુ પરમાર છેલ્લા 6 વર્ષથી ન્યાય માટે લડત લડી રહ્યા છે. તેમને ન્યાય મળતો નથી પણ 'સરકારી જવાબો' મળે છે. હદ તો એ છે કે હવે તેમને કહી દેવામાં આવ્યું છે કે બે વર્ષ અગાઉ જ તમારી અરજી દફતર થઈ ગઈ હતી. આ સાંભળીને દંપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. બે વર્ષ અગાઉ અરજી દફતર થઈ ગઈ હોય તો તેમને શા માટે ધક્કા ખવડાવામાં આવ્યા, શું આ મામલે અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે તેવા સવાલો આ દંપતિ કરી રહ્યા છે.

આરટીઆઈ કરીને બધી માહિતી મેળવી છે અને પુરાવા પણ એકત્ર કર્યા
આરટીઆઈ કરીને બધી માહિતી મેળવી છે અને પુરાવા પણ એકત્ર કર્યા

સમગ્ર ઘટનાક્રમઃ શિહોરના ટાણામાં રહેતા કુસુમ પરમારે 2018ની આંગણવાડીમાં બહાર પડેલ ભરતીમાં ફોર્મ ભર્યુ હતું. તેમણે ગ્રેજયુએશન કરેલ હોવાથી ગ્રેજ્યુએશનના બેઝ પર અરજી કરી હતી. તેમના સ્થાને તત્કાલીને અધિકારીઓએ પોતાના સગા શિલ્પા મકવાણા જે 10 પાસ હતા તેમની પૈસા લઈને ભરતી કરી લીધી હોવાનો આક્ષેપ કુસુમ પરમારના પતિ રાજુ પરમાર કરી રહ્યા છે. રાજુ પરમારે આરટીઆઈ કરીને બધી માહિતી મેળવી છે અને પુરાવા પણ એકત્ર કર્યા છે. શિલ્પા મકવાણાએ 11 નંબરના વોર્ડ માટે ભરતી ફોર્મ ભર્યુ હતું. જો કે તેમની નિમણુક વોર્ડ 12માં કરવામાં આવી હતી. રાજુ પરમારની વારંવાર રજૂઆતો બાદ શિલ્પા મકવાણાને વોર્ડ નં.12માંથી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. કુસુમ પરમાર અને રાજુ પરમાર નામક પતિ પત્ની ન્યાય માટે છ વર્ષથી લડત આપી રહ્યા છે. ન્યાય માટેના આ રઝળપાટમાં તેમણે ચાર દિવસનો પુત્ર પણ ગુમાવી દીધો છે. તેમની દીકરી ત્રણ મહિનાની હતી ત્યારથી તેમણ આ લડત શરુ કરી છે હવે તેમની દીકરી પણ છ વર્ષની થવા આવી પણ આ દંપતિને ન્યાય મળતો નથી. ભાવનગર કલેકટર કચેરીએ આ દંપતિ પોતાની દીકરી સાથે એક બેનર લગાવીને ધરણા ઉપર બેસી ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા તેમની અંતમાં અટકાયત કરી લેવામાં આવી હતી.

મેં કલેકટરને ન્યાય માટે અરજી આપી છે. જો મારી અરજીનો 15 દિવસમાં જવાબ નહિ મળે તો હું પરિવાર સાથે પુરાવા સહિત ધરણાં પર બેસીશ. વર્ષ 2018માં પૈસા લઈને આંગણવાડી ભરતીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ફરિયાદ નિવારણમાં અમને અપીલમાં બોલાવવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે, તમારી આંગણવાડીની મેટર બે વર્ષ પહેલા જ પૂરી થઈ ગઈ છે.(અરજી દફતર થઈ ગઈ છે.) જો બે વર્ષ પહેલા જ નિર્ણય આવી ગયો હોય તો અમને શા માટે ધક્કા ખવડાવ્યા, શું નિર્ણય આવ્યો તેની પણ અમને જાણ નથી કરવામાં આવી. આ સમગ્ર મામલે મેં શિલ્પા મકવાણાના દસ્તાવેજો પણ એકત્ર કર્યા છે. જો શિલ્પાના દસ્તાવેજો યોગ્ય છે તો તત્કાલીન અધિકારીઓને આ કેસમાં બચાવવામાં આવી રહ્યા છે. મને આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. હું ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ કરતો રહીશ...રાજુ પરમાર(અરજદાર, ભાવનગર)

મેં 2018માં આંગણવાડીમાં બહાર પડેલ ભરતીમાં ફોર્મ ભર્યુ હતું. મેં ગ્રેજ્યુએશનના બેઝ પર ફોર્મ ભર્યુ હતું. જે બહેનને મારી જગ્યાએ લેવામાં આવ્યા તે 10 પાસ છે. છતાં મારી ભરતી કરવાને બદલે 10 પાસ ઉમેદવારની ભરતી કરાઈ હતી. અમે છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે રઝળપાટ કરીએ છીએ. મારી બેબી ત્રણ મહિનાની હતી ત્યારથી અમે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ આજે આ બેબી 6 વર્ષની થવા આવી પણ અમને ન્યાય મળ્યો નથી. ન્યાયના આ રઝળપાટમાં અમે 4 દિવસનો દીકરો પણ ગુમાવ્યો છે. હવે અમને એમ કહેવામાં આવે છે કે તપાસ પૂરી થઈ ગઈ છે પણ નિર્ણય વિશે કશું કહેવામાં આવતું નથી...કુસુમ પરમાર(અરજદારના પત્ની, ભાવનગર)

શિહોરના ટાણા ગામે 2018માં જે ભરતી હતી તે ઓફલાઈન હતી. ત્યારે પ્રાંત, ટીડીઓ અને સીડીપીઓની સમિતિ હતી. જે તે સમયે જે માણસને લેવાના હતા તેનો પણ ઓર્ડર નથી થયો, તે 2018નો કેસ હતો. તેની તપાસ આરડીડીએ કરી હતી. તેનો અહેવાલ ગાંધીનગર કરેલો છે અને તે અરજી દફતર થઈ ગઈ છે. અહીંથી કશું કરવાનું રહેતું નથી...શારદા દેસાઈ(પ્રોગ્રામિંગ ઓફિસર, ICDS, ભાવનગર જિલ્લા પંચાયત)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.