ETV Bharat / state

અંકલેશ્વરમાં પ્રદૂષણમાં વધારોઃ એર ક્વોલિટી ઇન્ડેક્સ પર પ્રદૂષણની માત્રા 210 નોંધાઈ

author img

By

Published : Oct 14, 2020, 3:00 PM IST

અંકલેશ્વરમાં પ્રદૂષણમાં વધારો
અંકલેશ્વરમાં પ્રદૂષણમાં વધારો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. અંકલેશ્વરમાં આવેલા ઉદ્યોગો દ્વારા સમયાંતરે હવામાં પ્રદૂષણ ઓકવામાં આવે છે, જેના કારણે હવા દૂષિત થાય છે. ત્યારે બુધવારે અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પર પ્રદૂષણની માત્રા 210 નોંધાઈ હતી.

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરને એશિયાની સૌથી મોટી કેમિકલ ઔદ્યોગિક વસાહતનું બિરુદ મળ્યું છે, સાથે જ અંકલેશ્વરને સૌથી પ્રદૂષિત શહેરમાં પણ સ્થાન મળી ચૂક્યું હતું. જે તેનું ભયાનક પાસું કહી શકાય. અંકલેશ્વરને પ્રદૂષિત શહેર જાહેર કર્યા બાદ પાંચથી વધુ વર્ષ સુધી તેને ક્રીટિકલ ઝોનમાં રાખવામા આવ્યું હતું, અને ત્યાર બાદ ક્રીટિકલ ઝોનમાથી બહાર નીકળી શક્યું છે. જો કે, હાલ અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો.

છેલ્લા એક સપ્તાહથી અંકલેશ્વરમાં પ્રદૂષણ વધુ જોવા મળી રહ્યું છે. બુધવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ પર અંકલેશ્વરની પ્રદૂષણની માત્ર 210 નોંધાઈ છે, જે અતિ જોખમી માનવામાં આવે છે. સામાન્ય રીતે આ માત્રા 100 સુધીની હોવી જોઈએ તેના બદલે અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી 170થી 220 વચ્ચે આ માત્રા નોંધાઈ રહી છે.

લોકડાઉન દરમિયાન જ્યારે ઉદ્યોગો બંધ હતા, ત્યારે હવા શુદ્ધ થઈ ગઈ હતી. પરંતુ હવે પુનઃ એક વાર અંકલેશ્વરની આબોહવા ઝેરી બની છે. હવામાં નાઇટ્રોજન તથા પી.એમનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તેમજ અન્ય ઝેરી વાયુઓ પણ બોર્ડર લાઇન પર જોવા મળ્યા હતા. ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગો જાતે પ્રદૂષણ ઓછું ફેલાવે અને જો તેઓ તેમ ન કરે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ ફેંકતા ઉદ્યોગો ઉપર લગામ કસાય તે ખૂબ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.