ETV Bharat / state

સરકારના બોર્ડની માર્કશીટ અંગેના નિર્ણય પર આણંદની એક શાળાના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Jun 18, 2021, 11:00 PM IST

આણંદ
આણંદ

આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ નામના ધરાવતી શાળાના વિદ્યાર્થીઓ સાથે સરકારના માર્કશીટ અંગેના નિર્ણય વિશે ETV Bharatએ મંતવ્યો જાણવાના પ્રયત્નો કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

  • ધોરણ 10 બોર્ડ અને 11, 12ની કસોટીના પરિણામ ધ્યાને રાખી તેના આધારે અપાશે માર્કશીટ
  • ધોરણ10ના 50 ટકા 11, 12ના અનુક્રમે 25:25 ટકા માર્ક લેવાશે ધ્યાને
  • વિદ્યાર્થીઓમાં સરકારના નિર્ણયને લઈ મિશ્ર પ્રતિસાદ

આણંદ: કોરના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા શિક્ષણતંત્રમાં અભૂતપૂર્વ ગતિવિધિ રાજ્યના શિક્ષણ વિભાગમાં જોવા મળી રહી છે. પહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું, જે કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ પર સંક્રમણના સંભવિત ખતરાને ધ્યાને રાખી મોકૂફ કરવામાં આવ્યું. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય કરતા બોર્ડની પરીક્ષા માટેની નવી તારીખો જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી. જે કોરનાની બીજી લહેરમાં સમય જતાં તારીખો જાહેર કર્યો બાદ પરીક્ષાને અંતિમ દિવસોમાં રદ કરી તેમાં પણ માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં સામાન્ય રીતે માર્ચમાં યોજાતી પરીક્ષા માટે અવાર-નવાર કરાયેલી નવી નવી જાહેરાતોના અંતે વિદ્યાર્થીઓને મે મહિના સુધી પરીક્ષા યોજાશે કે કેમ તેવી મુંઝવણમાં મૂકી રાખ્યા હતા, જે અંતે સરકારે પરીક્ષા યોજવાના નિર્ણયને સાનુકૂળ ન સમજતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી. જે અંગે ઘણા વિદ્યાર્થીઓમાં નારાજગી તો કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા

ETV Bhartએ કરી વિદ્યાર્થીઓ સાથે વાતચીત

માસ પ્રમોશનના સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ અંગે સરકારે હાલમાં જ એક નવો ફોર્મ્યુલા જાહેર કર્યો છે જેમાં ધોરણ 10 ના 50 ટકા માર્ક ધોરણ11 ના 25 ટકા અને ધોરણ 12ના 25ટકા માર્કને ધ્યાને રાખી પરિણામ આપવામાં આવશે તેવી જાહેરાતને વિદ્યાર્થીઓ કેવી રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો ETV Bharat દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ

  • અંજલિ પટેલ (વિજ્ઞાન પ્રવાહ)

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની અંજલિએ જણાવ્યું હતું કે, સરકારે માસ પ્રમોસનનો નિર્ણય કર્યો તેનાથી અસંતુષ્ટ છું. કારણ કે, છેલ્લા બે વર્ષથી ધોરણ 12માં સારામાં સારુ પરિણામ મેળવવા ખૂબ મહેનત કરી હતી. ધોરણ 10માં પણ હું A1 ગ્રેડ સાથે રાજ્યમાં નંબર લાવી હતી. ધોરણ 12માં મહેનત કરી ખૂબ સારું રિઝલ્ટ લાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. તે તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. 12 સાયન્સમાં ખૂબ મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા માટે અમારા જેવા મહેનતુ વિદ્યાર્થીઓએ પરિસ્થિતિને અનુરૂપ પડતી સમસ્યાઓ છતાં ઓનલાઇન અભ્યાસ વિડીયો લેક્ચસરથી, વીડિયો કોલ કરી શાળાના શિક્ષકોની ઓનલાઇન માર્ગદર્શન મેળવી તૈયારીઓ કરી હતી તેમ છતાં મહેનતનું પરિણામ ન મેળવી શક્યા તેનું દુઃખ છે. સરકારના આ નિર્ણયથી જે વિદ્યાર્થીઓ સાચે મહેનત કરી બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી જીવનમાં સપના સાકાર કરવા માંગતા હતા તેવા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય યોગ્ય નથી.

  • રામ ખન્ના (વિજ્ઞાન પ્રવાહ)

સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી સંતુષ્ટ નથી. કારણકે, ધોરણ 12માં 445 દિવસ સુધી અવિરત મહેનત કરી અભ્યાસ કર્યો હતો અને તેમાં અચાનક એવો નિર્ણય લેવામાં આવે કે બધા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે, તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓ તેમના કારકિર્દીના સ્વપ્ન સાથે 12 ધોરણમાં મહેનત કરતા હોય છે. આ પરિસ્થિતિમાં માસ પ્રમોશનથી મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થયા સમાન ઘટના છે, વિદ્યાર્થીઓ 10માં ધોરણમાં મેચ્યોર હોતા નથી, 12માં ધોરણમાં વિદ્યાર્થીઓ કારકિર્દીને લઈ તેને અનુરૂપ મહેનત કરતા હોય છે જેથી આ અયોગ્ય નિર્ણય કહી શકાય.

  • સૌમ્ય ચૌહાણ (વાણિજ્ય પ્રવાહ)

સરકારે લીધેલા નિર્ણયના હું સંપૂર્ણ સમર્થનમાં છું, પરિસ્થિતિને અનુરૂપ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની ખૂબ મોટી સંખ્યામાં સંક્રમિત બનવાના બનાવો બનતા હતા. તેવામાં પરિવાર અને વિદ્યાર્થીઓ બંને ચિંતિત હતા. વિદ્યાર્થીઓ પણ ખૂબ દબાણમાં હતા, પરીક્ષાની તૈયારીના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓની માનસિક તણાવને સરકારે દૂર કર્યો છે, સરકારનો નિર્ણય આવકાર્ય છે.

  • નીરવ પ્રજાપતિ (વિજ્ઞાન પ્રવાહ)

સરકારનો નિર્ણય એક રીતે યોગ્ય છે અને વિધાર્થીઓ માટે એક રીતે કારકિર્દીને લઈ કોઈ ચોક્કસ રીતે આવનાર ગુજકેટ અને JEE અને નિટ જેવી પરીક્ષાઓને લઈ નક્કી તારીખો જાહેર કરવામાં આવે તો વધુ સરળ બને અને વિદ્યાર્થીઓ માટે યોગ્ય મહેનત કરવાનો સમય ખબર પડી શકે. એક અંતરે કોરોનાને લઈ સરકારે કરેલો નિર્ણય એકદમ યોગ્ય છે.

  • કમલેશ રોહિત (શાળાના ડિરેકટર)

છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અને જિલ્લામાં ઉત્કૃષ્ટ પરિણામ આપતી નોલેજ ગ્રુપના ડિરેકટર કમલેશ રોહિતે જણાવ્યું હતું કે, માસ પ્રમોશનનો નિર્ણય કરવામાં સરકારે ઘણો સમય લીધો. આ નિર્ણયના કારણે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે પ્રવેશ મેળવવા જરૂરી પરીક્ષાઓ જેવી કે, jee neet અને ગુજકેટ ની પરીક્ષા માટે સરકારે સત્વરે જાહેરાત કરી દેવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ ને મહેનત કરવામાં સરળતા રહે, સાથે કોરોના ની બીજી લહેરમાં સરકારનો નિર્ણય યોગ્ય હતો પરંતુ અત્યારે સમય છે કે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માટે ની પરીક્ષા માટે આયોજન કરી શકાય માટે સરકારે વિચારવું જોઈએ અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ આવું મારુ અંગત રીતે માનવુ છે.

આ પણ વાંચો: ધોરણ 10ની માર્કશીટ આવ્યા પહેલાં ખાનગી શાળાઓ દ્વારા ટોકન ફી લઇને પ્રવેશ શરૂ, NSUIએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

વિદ્યાર્થીઓમાં કોલેજમાં પ્રવેશ મેળવવવામાં કેવી સ્થિતિ થશે તેને લઇ ચિંતા વ્યાપી

વિદ્યાર્થીઓ પાસેથી મળતા અભિપ્રાય અનુસાર સરકારનો માસ પ્રમોશનનો નિર્ણયને મહેનતુ વિદ્યાર્થીઓએ આવકર્યો ન હતો. સાથે હવે જે પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીને લઈ આગળના અભ્યાસ માટે કોલેજમાં પ્રવેશ મેળવવવામાં કેવી સ્થિતિ થશે તેને લઇ ચિંતા વ્યાપી છે, ત્યારે હવે સરકાર આવા વિદ્યાર્થીઓની લાગણી સમજીને તેમના કારકિર્દી માટેનો અભ્યાસ પૂરો કરવામાં યોગ્ય સમયે નિર્ણય કરે તેવી વિદ્યાર્થીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.