ETV Bharat / state

Anand News : અમૂલ બ્રાન્ડનેમ પરત લેશે? ન્યૂ ઝીલેન્ડમાં અમૂલ બ્રાન્ડના નામને નુકસાન મામલે ચેરમેન વિપુલ પટેલ આકરા પાણીએ

author img

By

Published : Apr 28, 2023, 10:00 PM IST

Anand News : અમૂલ બ્રાન્ડનેમ પરત લેશે? ન્યૂ ઝીલેન્ડમાં અમૂલ બ્રાન્ડના નામને નુકસાન મામલે ચેરમેન વિપુલ પટેલ આકરા પાણીએ
Anand News : અમૂલ બ્રાન્ડનેમ પરત લેશે? ન્યૂ ઝીલેન્ડમાં અમૂલ બ્રાન્ડના નામને નુકસાન મામલે ચેરમેન વિપુલ પટેલ આકરા પાણીએ

ન્યૂ ઝીલેન્ડમાં ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ નેમ અમૂલનું નામ ખરડાવતી ઘટના ચર્ચાની એરણે ચડેલી છે. એક મહિલા સાથે પરાણે સેલ્ફી લેવાની કોશિશ કરનાર જીસીએમએમએફના ડેલિગેટની હરકત બાદ ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઇ હતી.ત્યારે નામોશી નોંતરતી ઘટનાને લઇને ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ચેરમેન વિપુલ પટેલે મોટી વાત કહી હતી.

ચેરમેન વિપુલ પટેલે મોટી વાત કહી

આણંદ : ગુજરાતમાં સહકારિતા માળખાની શક્તિનો જગતને પરિચય કરાવનાર અમૂલ ડેરીનું નામ બોળાયું હોય તેવી ઘટના છોડા દિવસ પહેલાં ન્યૂ ઝીલેન્ડમાં બની હતી. જીસીએમએમએફ GCMMFLનું ન્યૂ ઝીલેન્ડ પ્રવાસે ગયેલા ડેલિગેશનના સંદર્ભમાં એવી ઘટના સામે આવી હતી. કહેવાઇ રહ્યું છે કે ડેલિગેશનમાં શામેલ બે વ્યક્તિઓએ ટ્રેડ ડીલની જગ્યાએ એક મહિલાને સેલ્ફી લેવા માટે જબરદસ્તી કરી હતી. મહિલા સાથેની જબરદસ્તીભરી હરકતનો મામલો સ્થાનિક પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો હતો.

ટ્રેડ ડીલ માટે માટે ગઇ હતી અમૂલની ટીમ :આ પ્રકારનો બનાવ ન્યુઝીલેન્ડની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળના શરૂઆતના દિવસો દરમ્યાન જ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના જ્યારે ઘટી ત્યારે ન્યૂ ઝીલેન્ડના કૃષિપ્રધાન ડેમિયન ઓ’કોનોર પણ હાજર હતા તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. ત્યારે ટ્રેડ ડીલ માટે ગયેલી જીસીએમએમએફ ટીમને ટ્રેડ ડીલ કરવા બાજુએ રાખીને પોલીસ સાથે ડીલ કરવી પડી હતી.

આ પણ વાંચો Amul Vs Nandini Controversy: અમૂલ અને નંદિની વચ્ચે સારા સંબંધો, સ્પર્ધાનો કોઈ પ્રશ્ન જ નથી: જયેન મહેતા

અમૂલ ડેરી ચેરમેનની સ્પષ્ટતા : ગુજરાત જ નહીં, ભારતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ નેમ તરીકે અમૂલનો ડંકો વાગતો હોય તેવામાં આવી ક્ષોભજનક ઘટનાને લઇને અમૂલનું નીચું દેખાયું હતું અને ભારતના મીડિયાએ મોટાપાયે નોંધ લીધી હતી. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીદાક્ષિણ્યની વાતો ભલે થતી હોય પણ વિશ્વના ઘણાં દેશમાં સ્ત્રીદાક્ષિણ્ય દાખવવાના માપદેડો ઘણાં ઊંચા જોવા મળતાં હોય છે. ત્યારે ન્યૂ ઝીલેન્ડમાં મહિલા સાથેની અભદ્ર હરકત કરનાર અમૂલ પ્રતિનિધિની હરકતને અમૂલ ડેરીના પ્રતિનિધિ દ્વારા થયેલી ચેષ્ટા ગણાવાઇ છે. જેને લઇને અમૂલ ડેરીના (ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ) ના ચેરમેન વિપુલ પટેલ દ્વારા અમૂલના નામને આ ઘટના સાથે ન જોડવા અને સમગ્ર ઘટનામાં અમૂલના ડિરેક્ટર કે પ્રતિનિધિને કોઈ લેવાદેવા ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

ચેરમેન વિપુલ પટેલ આકરે પાણીએ : અમૂલ ડેરી આણંદના ચેરમેન વિપુલ પટેલે અમૂલ પ્રતિનિધિની હરકતની નિંદા કરીને જણાવ્યું હતું કે અમૂલ ડેરીની સ્થાપના થઈ ત્યાર બાદ અસ્તિત્વમાં આવેલ અન્ય ડેરી સંઘ વચ્ચે સ્પર્ધા ન યોજાય તે હેતુથી સરદાર પટેલ અને ત્રિભુવનદાસ પટેલ દ્વારા અમૂલ માર્કો વાપરવા માટેનો હક આપવામાં આવ્યો હતો. તેને કારણે આજે અમૂલના નામનો ઉપયોગ અન્ય ડેરી સંઘ કરીને સારું વેચાણ કરી રહ્યા છે. પરંતુ ન્યૂ ઝીલેન્ડમાં બનેલી ઘટનામાં અમૂલ બ્રાન્ડનું નામ જોડવામાં આવી રહ્યું છે તે ખૂબ ચિંતાજનક બાબત છે.

અમૂલ માર્કો પરત ખેંચાશે તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારી છે કે અમૂલ ડેરી આણંદના કોઈપણ ડિરેક્ટર ન્યૂ ઝીલેન્ડ ગયેલા ડેલિગેટ્સ સાથે ગયાં ન હતાં. હાલ સમગ્ર ઘટના અંગે એક પત્ર લખીને જીસીએમએમએફના ચેરમેન અને એમડીને જાણ કરવામાં આવી છે. અને જો આ પ્રકારની ઘટનાઓ નહીં અટકે તો ન છૂટકે તેમણે અમૂલના માર્કાને પરત ખેચી લેવાની પણ તૈયારી છે.

આ પણ વાંચો Nandini vs Amul Milk : શું છે અમૂલ અને નંદિની દૂધ વિવાદ, જાણો બંન્ને કંપની વિશે રસપ્રદ વાતો

શું હતી ન્યૂ ઝીલેન્ડની ઘટના : ન્યૂ ઝીલેન્ડના સ્થાનિક મીડિયા સમૂહ ન્યૂઝ હબના મતે જીસીએમએમએફનું પ્રતિનિધિમંડળ અહીંની સરકારના પ્રધાનો અને સંભવિત વેપારી ભાગીદારો સાથે કેન્ટરબરીમાં મુલાકાત કરી રહ્યું હતું. તે સમયે આ બનાવ બન્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ન્યૂ ઝીલેન્ડની Ngāi Tahu Farms ની કર્મચારી મહિલાએ ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે “ઘટના” સોમવારે એક કાર્યક્રમ દરમિયાન ઘટી હતી. જ્યાં કૃષિપ્રધાન ડેમિયન ઓ’કોનોર અને કૃષિ અન્ડર સેક્રેટરી જો લક્સટન બંને હાજર હતાં. જોકે ત્યાંના જ મીડિયા રિપોર્ટ મુજબ માનીએ તો તે બંનેનું કહેવું છે કે તેઓએ કથિત ઘટના જોઈ નથી. અલબત્ત કંપનીએ આવી ઘટના બની હોવાને લઇને સમર્થન આપ્યું હતું પરંતુ કર્મચારી વિશે કશું પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો.

ન્યૂ ઝીલેન્ડનું સ્થાનિક મીડિયા શું કહે છે : ન્યૂઝ હબના મતે પ્રાથમિક ઉદ્યોગ મંત્રાલય (MPI) પ્રતિનિધિમંડળને હોસ્ટ કરવામાં મદદ કરી રહ્યું હતું અને કહ્યું છે કે તે આ ઘટનાથી વાકેફ છે અને કાનૂની સહાયની ઓફર કરવા માટે પોલીસનો સંપર્ક કર્યો છે. આ તરફ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ પણ ફરિયાદ નોંધાઇ હોવાની પુષ્ટિ કરી હોવાની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે બીજી તરફ Ngāi Tahu ફાર્મે ત્યાંના મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે તેઓ વ્યક્તિગત કર્મચારીઓ પર ટિપ્પણી કરવાનું ઉચિત સમજતા નથી.

પ્રતિભાવ જાણવા કોશિશ : સમગ્ર ઘટના અંગે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરશન લિમિટેડ જીસીએમએમએફના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર (MD)જયેન મહેતાની ઓફિસ ખાતે ઈટીવી ભારત દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની ઓફિસમાંથી જણાવાયું હતું કે જયેન મહેતા મીટિંગના કામથી પ્રવાસે હોવાથી સંપર્ક થઈ શક્યો ન હતો.

કોની હરકત હતી તેની સ્પષ્ટતા નથી : મુદ્દાની વાત એ છે કે અમૂલ બ્રાન્ડના નામ હેઠળ કરોડો રૂપિયાના વેેપારનું નિયમન કરતી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય બોર્ડના સભ્યોની ટીમ સાથે ગયેલા જીસીએમએમએફ સાથે સંકળાયેલા હોદ્દેદારો અને પદાધિકારીઓમાંથી કોના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હશે તેને લઈને કોઈ સ્પષ્ટતા મળી શકી નથી. બીજી તરફ આ પ્રકારની ઘટનામાં અમૂલ બ્રાન્ડના નામને નુક્શાન થયું હોવાની વાત સામે ચેરમેન વિપુલ પટેલ આકરા પાણીએ જોવા મળ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.