ETV Bharat / state

વિસાવદરના AAPના MLA ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 1:08 PM IST

Updated : Dec 13, 2023, 1:32 PM IST

આમ આદમી પાર્ટીને એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું છે. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ રાજીનામું મંજૂર કર્યું હતું. હવે છ માસમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી આવશે. તે સાથે જ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી અટકળો સામે આવી રહી છે.

AAPના MLA ભૂપત ભાયાણી
AAPના MLA ભૂપત ભાયાણી

અમદાવાદ: લોકસભાની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં ધીરે-ધીરે જામતો જાય છે. ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ખાતે જ્વલંત વિજય બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાથી આવ્યો છે. વિસાવદરથી ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ આજ સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કરી પેટા-ચૂંટણી વિસાવદરથી લડી શકે એવી લોકચર્ચાએ જોર પકડ્યુ છે.

મેં રાષ્ટ્રહિત માટે આપથી રાજીનામું આપ્યું - ભૂપત ભાયાણી

કમૂરતા પહેલાં આમ આદમી પક્ષની પનોતી બેઠી છે. એક તરફ ચૈતર વસાવા ધરપરકડથી બચવા ગુમ છે, ત્યાં સૌરાષ્ટ્રની મહત્વની વિધાનસભા બેઠક વિસાવદરના આપ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપ્યું. રાજીનામું આપવાના કારણમાં ભૂપત ભાયાણીએ નિવેદન કર્યું છે કે, દેશ સેવા માટે આપ યોગ્ય પ્લેટફોર્મ નથી. મેં 22 વર્ષ ભાજપ માટે કામ કર્યું છુ. મેં યોગ્ય સમયે નિર્ણય કર્યો છે. મારે જનતા માટે કામ કરવું છે. હું ભાજપનો કાર્યકર હતો. હવે હું રાષ્ટ્રહિત માટે કાર્ય કરીશ.

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ હવે શું થશે ?

ગુજરાત વિધાનસભા ફરીથી ખંડિત થઇ. હવે વિસાવદર ખાતે પેટા ચૂંટણી યોજાશે. પહેલાં કોંગ્રેસ બાદ હવે આપના ધારાસભ્યોથી ભાજપ પોતાનો આંકડો 156થી વધારશે. ભુપત ભાયાણી મૂળે ભાજપના હતા. ગત ચૂંટણીમાં કોંગ્રસથી ભાજપમાં સામેલ થયેલ હર્ષદ રિબડીયાને હરાવી આપના ભૂપત ભાયાણી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની બેઠક પર આપનો ઝંડો લહેરાવ્યો હતો. હવે ભૂપત ભાયાણી પેટા-ચૂંટણી ભાજપ વતી લડી શકે છે. હવે આપના ચાર જ ધારાસભ્યો રહ્યાં છે. એવી પણ વાત લોકમૂખે ચર્ચાઈ રહી છે કે અગામી દિવસોમાં અપક્ષ લડી ધારાસભ્યો બનેલા વાઘોડિયાના ધર્મેન્દ્ર ગોહિલ, ધાનેરાના માવજી દેસાઈ અને બાયડના ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઇ શકે છે. આ ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપમાં આવી કેસરિયો ધારણ કરશે તો ભાજપની વિધાનસભા ગૃહમાં સંખ્યા 156થી લઈને 160 ધારાસભ્યોની થશે.

હું વિસાવદરની જનતાની માફી માંગુ છું - ઈસુદાન ગઢવી

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીની આંતરિક રાજનીતિ પણ ગરમાઇ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ કહ્યું કે, એક વર્ષ સુધી પ્રજાના કાર્યો ભૂપત ભાયાણી કરતા હતા. તેમને ભાજપના નેતાઓ ભાજપમાં જોડાવવા માટે ઓફર આપતા હતા. આપ હાલ રાજ્યમાં ત્રીજા પક્ષ તરીકે મોટી ભૂમિકા ભજવે છે. ભાજપ રાજ્યમાં વિપક્ષને મજબુત થાય એમાં માનતો નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રજાહિત માટે રાજકારણમાં આવ્યાં છે. હું વિસાવદરની જનતાની માફી માંગુ છું.

વિસાવદરના AAPના MLA ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

જેના લોહીમાં ગદ્દારી હોય એ ગદ્દારી જ બતાવે - ગોપાલ ઈટાલિયા

આપના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઈટાલિયાએ ભૂપત ભાયાણીના રાજીનામા અંગે અપશબ્દો બોલી વિવાદ સર્જ્યો છે. ગોપાલ ઈટાલિયાએ રાજીનામું આપનાર ધારાસભ્યને લલ્લુ-પંજુ કહ્યા અને ઉમેર્યું કે, જેના લોહીમાં ગદ્દારી હોય એ ગદ્દારી બતાવે છે. આવા શબ્દો વાપરી આમ આદમી પાર્ટીની અંદરના ખટપટોને પ્રદર્શિત કરી છે. ગોપાલ ઇટાલીયાએ વધારામાં જણાવ્યું કે વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભૂપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે. ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. અત્યાર સુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું.

કોંગ્રેસયુક્ત ભાજપ, આપના હવે રહ્યા ચાર સભ્યો:

  • ગુજરાતમાં દર વિધાનસભા હોય કે રાજ્યસભા કે લોકસભાની ચૂંટણી હોય. દરેક ચૂંટણી અગાઉ કોંગ્રેસથી ભાજપમાં અનેક કોંગ્રેસીઓએ પ્રવેશ મેળવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભાજપનો નારો છે, કોંગ્રેસમુક્ત ભારતનો નારો આપનાર ભાજપ પોતાની રાજકીય પ્રયોગશાળા તરીકે ઓળખાતા ગુજરાતમાં ભાજપ કોંગ્રેસયુક્ત બનતો જાય છે. આ અગાઉ કોંગ્રેસના ડાંગથી મંગળ ગાવિત, ધારીથી જે.વી. કાકડીયા, ગઢડાના પ્રવિણ મારુ, અબડાસાના પ્રઘ્યુમ્નસિંહ જાડેજા, કરજણથી અક્ષય પટેલ, કપરાડાથી જીતુ ચૌધરી અને મોરબીથી બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા હતા.
  • વર્ષ-2002 પછી કોંગ્રેસથી ભાજપમાં 57 સાંસદો અને ધારાસભ્યોએ પ્રવેશ કરી કેસરિયો ખેસ ધારણ કર્યો છે. હાલ ભાજપમાં કોગ્રેસથી આવેલા 22 ટકા નેતાઓ છે, જેમાં મહત્વના કોંગ્રેેસીઓમાં મનસુખ વસાવા, જયદ્રથસિંહ પરમાર, ઇશ્વર મકવાણા, ઉદેસિંહ બારિયા, દેવજી ફતેપરા, કુંવરજી હળપતિ, પ્રભુ વસાવા, નીમાબેન આચાર્ય, બળવંતસિંહ રાજપુત, સી. કે. રાઉલજી, તેજશ્રી પટેલ, જશાબેન બારડ, વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા મહત્વના નેતાઓમાં સમાવેશ થાય છે.
Last Updated :Dec 13, 2023, 1:32 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.