ETV Bharat / state

E Challan: અમદાવાદના વાહનચાલકોએ 8 વર્ષે પણ નથી ભર્યાં ઈ-ચલણ, આંકડો 300 કરોડ આંબી જતાં પોલીસ લાલઘૂમ

author img

By

Published : Feb 25, 2023, 10:02 PM IST

અમદાવાદમાં રહેતા જે પણ વાહનચાલકોએ ઈ ચલણ નથી ભર્યું તેઓ સતર્ક થઈ જજો. કારણ કે, પોલીસે ઈ ચલણના 300 કરોડ રૂપિયા વાહનચાલકો પાસેથી લેવાના નીકળે છે. જો હવે ઈ ચલણ નહીં ભરો તો પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે.

E Challan: અમદાવાદના વાહનચાલકોએ 8 વર્ષે પણ નથી ભર્યાં ઈ-ચલણ, આંકડો 300 કરોડ આંબી જતાં પોલીસ લાલઘૂમ
E Challan: અમદાવાદના વાહનચાલકોએ 8 વર્ષે પણ નથી ભર્યાં ઈ-ચલણ, આંકડો 300 કરોડ આંબી જતાં પોલીસ લાલઘૂમ

વર્ષ 2015માં પોલીસે લગાવ્યા હતા CCTV

અમદાવાદઃ શહેર પોલીસ છેલ્લા 8 વર્ષથી અલગઅલગ ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવીને વાહનચાલકો પર નજર રાખી રહી છે. સાથે જ ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહનચાલકોને ઈ-ચલણ થકી દંડ ફટકારવાની કામગીરી કરી રહી છે. જોકે, આટલા વર્ષો વિતી ગયા છતાં પણ વાહનચાલકોમાં ના તો ટ્રાફિકના નિયમો પાળવા અંગેની જાગૃતિ આવી છે, ના તો ઈ-ચલણ થકી મળેલા દંડની રકમને ભરવાની ઈચ્છાશક્તિ. જોકે, હવે શહેર પોલીસ દ્વારા ઈ-ચલણ ન ભરનારા સામે ખાસ કડક કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી જો તમે તમારા વાહનના ઈ ચલણને હજુ સુધી ન ભર્યું હોય તો પહેલા ઈ ચલણ ભરી દેજો નહીં તો કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચોઃ Budget Session: વિધાનસભામાં પહેલા જ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર, છતાં કૉંગ્રેસ-AAPએ ઉઠાવ્યા અનેક પ્રશ્નો

વર્ષ 2015માં પોલીસે લગાવ્યા હતા CCTV: વર્ષ 2015ના વર્ષમાં અમદાવાદ શહેર પોલીસે અલગઅલગ રોડરસ્તાઓ પર હાઈટેક સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જેમાં જે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે, જેમાં ટૂવ્હીલર ઉપર હેલમેટ ન પહેરેલું હોય અથવા કારમાં સિટબેલ્ટ ન પહેરે તેમ જ સિગ્નલ પર રેડ લાઈટ વાયોલેશન કરે તેવા વાહનચાલકો સામે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

8 વર્ષમાં દંડની રકમ કરોડોને આંબી ગઈઃ આ દંડની રકમ 8 વર્ષોમાં કરોડોને આંબી ગઈ છે, પરંતુ તે દંડની રકમ ભરવામાં અમદાવાદના વાહનચાલકોની નિરસતા અત્યાર સુધી જોવા મળી છે. જોકે, હજી પણ અનેક એવા વાહનચાલકો છે, જેઓ ઈ ચલણ મળતાની સાથે જ ગણતરીના દિવસોમાં તેને ભરી દેતા હોય છે અને બીજી વાર ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરતા હોય છે, પરંતુ જે વાહનચાલકોએ અત્યાર સુધી પોતાના ઈ ચલણ નથી ભર્યા તે વાહન ચાલકોને ચેતી જવાની જરૂર છે.

ટ્રાફિક પોલીસે શરૂ કરી ઝૂંબેશઃ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અત્યાર સુધી અનેકવાર અલગઅલગ રોડ-રસ્તાઓ પર બાકી રહેલા ઈ ચલણ ભરાવવાની કામગીરી માટેની ઝૂંબેશ કરી છે. તેમાં મહદઅંશે ટ્રાફિક વિભાગને સફળતા પણ મળી છે, પણ હજી પણ ઈ-ચલણનો બાકી રકમનો આંકડો 300 કરોડ રૂપિયાથી વધુ હોય તે વસૂલવા માટે શહેર પોલીસે ખાસ કાર્યક્રમ કરવાનું આયોજન કર્યું છે.

આટલો દંડ વસૂલવાનો બાકીઃ 15/09/2015 થી 15/01/2023 સુધીની વાત કરીએ તો, 89,85,537 ઈ-ચલણના કેસ કરવામાં આવ્યા છે, જેની દંડની કુલ રકમ 382 કરોડ 77 લાખ 75 હજાર 725 રૂપિયા છે. આની સામે 24 લાખ 74 હજાર 511 ચલણના દંડની 76 કરોડ 47 લાખ 55 હજાર 400 રૂપિયા રકમ ભરાઈ છે, જ્યારે 65 લાખ 11 હજાર 26 ઈ-ચલણની 306 કરોડ 30 લાખ 20 હજાર 325 રકમ હજી પણ વસૂલવાની બાકી છે. હાલમાં અમદાવાદ સહિત દેશભરમાં વન નેશન, વન ચલણ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોઈ પણ શહેરનું વાહન કોઈ પણ રાજ્યના કોઈ પણ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરશે. તો તેને મેમો આપવામાં આવશે, જે ડેટા હાલ સરકાર દ્વારા એકત્ર કરીને ટૂંક સમયમાં એ કાર્યવાહી પણ અમલમાં મુકાશે.

આ પણ વાંચોઃ Surat Private Bus Issue:બસ ઓપરેટરો અને MLA વચ્ચેના વિવાદમાં મુસાફરો ન ઘરના ન ઘાટના

વાહનચાલકો સામે થશે કાર્યવાહીઃ આ અંગે શહેર ટ્રાફિકના જોઈન્ટ CP એન. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઈ ચલણ ભરવા અંગે વાહનચાલકોમાં હવે જાગૃતિ જોવા મળી રહી છે, પરંતુ હજી પણ દંડની મોટી રકમ વસૂલવાની બાકી હોવાથી આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવશે. તેમ જ જરૂર જણાશે તો કડક પગલાં પણ દંડ ન ભરનારા વાહનચાલકો સામે લેવામાં આવશે. આરટીઓને પણ દરખાસ્ત કરીને લાઈસન્સ સસ્પેન્ડ કરવા અંગેની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.