ETV Bharat / state

લોકડાઉન બાદ અમદાવાદમાં ભીખ માંગનારા બાળકોની સંખ્યામાં વધારો, વાંચો વિશેષ અહેવાલ...

author img

By

Published : Sep 27, 2020, 11:57 AM IST

રાજ્યમાં લોકડાઉન બાદ ભીખ માંગનારા બાળકોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ભીખની સાથે બાળકો હવે ડ્રગ્સના રવાડે પણ ચડી ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જુઓ વિશેષ અહેવાલ...

ahmedabad
અમદાવાદ

અમદાવાદ : ગુજરાતમાં લોકડાઉન બાદ સામાન્ય પરિવારોની હાલત ખૂબ જ કફોડી બની હતી. સામાન્ય પરિવારમાં એક સમય માટે ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. તો બીજી તરફની વાસ્તવિકતા જોવા જઈએ તો બાળકોના રોડ પર ભીખ માંગવાના વારા આવી ગયા હોય તેવી પરિસ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. લોકડાઉન બાદ રાજ્યમાં ભીખ માંગવાની સંખ્યા સતત વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. એક સૂત્રો પ્રમાણે બાળકોને પોતાના માતા પિતા ભીખ મંગાવવા માટે મજબૂર કરતા હોય છે.

આ અંગે જ્યારે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચના ACP મીની જોસેફએ જણાવ્યું કે, લોકડાઉન બાદ અનેક પરિવારોની કફોડી હાલત બની છે. જેને લઇ અન્ય રાજ્યોમાંથી સામાન્ય મજૂરી અને શ્રમિકો ભીખ માંગવા માટે મજબૂર બન્યા છે. જેને લઇ અમદાવાદ પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, ભીખ માંગવાની જગ્યાએ યોગ્ય કામ મળી રહે તે રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. પરંતુ શ્રમિક કામદારો પોતાના બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેને લઇ પોલીસ દ્વારા ભીખ માંગતા બાળકોને રેસ્ક્યૂ કર્યા બાદ જિલ્લા બાળ અધિકારીને સોંપવામાં આવતા હોય છે. ત્યારબાદ તેઓ બાળકોના યોગ્ય ખરાઈ કર્યા બાદ તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કરતા હોય છે અને ત્યારબાદ માતા પિતા ન મળી આવે તો બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવે છે. જ્યાં તમામ બાળકોનો ઉછેર કરવામાં આવતો હોય છે.

લોકડાઉન બાદ અમદાવાદમાં ભીખ માંગનારા બાળકોની સંખ્યામાં વધારો

મહત્વનું છે કે, લોકડાઉન બાદ ભીખ માંગવાની સંખ્યામાં બાળકોનો સતત વધારો થવા જઈ રહ્યો છે. જેને લઇ તેઓ ભીખની સાથે સાથે ડ્રગ્સના રવાડે પણ ચઢી રહ્યા છે. જેને રોકવા માટે થઈ શહેર પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના હાથ પણ કાયદાઓથી બંધાયેલા હોવાથી ભીખ માગનારા બાળકો સીધી રીતે ભીખ નથી માગતા જ્યારે કોઈ નાની-મોટી વસ્તુઓનું વેચાણ કરી ભીખ માગતા હોય છે. સામાન્ય રીતે બાળકોના હાથમાં ફુગ્ગા, ચાવીનું કિચન અને નાના મોટા રમકડાં સહિત અન્ય વસ્તુઓ પોતાની પાસે રાખીને જે ચાર રસ્તા ઉપર ભીખ માંગતા હોય છે. જેથી જ્યારે પોલીસ તેમને રજૂ કરતી હોય છે, ત્યારે તેમના માતા-પિતા પોલીસ સમક્ષ દલીલો કરતા હોય છે કે, અમે વિચાર કરીને અમારું ગુજરાન ચલાવતા હોઇએ છીએ. જેમાં અમારા બાળકો પણ અમને કેટલાક અંશે મદદ રૂપ બનતા હોય છે, જેના માટે અમારા બાળકો પણ નાની મોટી ચીજ વસ્તુઓનું વેચાણ કરી રૂપિયા કમાતા હોય છે. પરંતુ આ વાતમાં કોઈ જાતનું તથ્ય જોવા મળતું નથી. જ્યારે કાયદાની રીતે પોલીસે રેસ્ક્યૂ કરેલા બાળકોને તેઓના માતા-પિતાને પરત કરવા પડતા હોય છે.

જ્યારે બીજી તરફ બાળકો એકબીજાની સંગતમાં આવીને ભીખ માંગવાની સાથે સાથે ચોરીના રવાડે પણ ચડી જતા હોય છે. કેટલીક જગ્યાએ તો નાની-મોટી ચોરીને અંજામ પણ આપતા જોવા મળ્યા છે. તેને રોકવા માટે થઈને પોલીસ દ્વારા અવેરનેસ કરવામાં આવતી હોય છે. આ સાથે જ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સામાન્ય લારીઓને ગલ્લાં ધારકોને પણ ભીખ માંગનાર બાળકોથી વાકેફ કરવામાં આવતા હોય છે. જો કે, કોરોનાની મહામારી બાદ ભીખ માંગવાની સંખ્યામાં બાળકોનો સતત વધારો થઈ રહ્યો છે, તેને ડામવા માટે થઈ અમદાવાદ શહેર પોલીસ એક પ્લાન તૈયાર કરી રહી છે. જેના આધારે તમામ બાળકોનું રેસ્ક્યૂ કરી કોરોના 19 ટેસ્ટ કરાયા બાદ તેઓને શેલ્ટર હોમ એટલે બાળ સંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવતા હોય છે.

આ ઉપરાંત ભીખ માંગનારા બાળકોને લોકડાઉન પહેલા અભ્યાસ કરાવતા એનજીઓ સાથે ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, લોકડાઉન પહેલા અમદાવાદના મોટાભાગના બાળકોમાં ભીખ માંગવા માટે મજબૂર થતા તમામ બાળકોને એકઠા કરીને તેઓમાં અમે સંસ્કાર સિંચન કરતા હતા. પરંતુ રાજ્યમાં કોરોના મહામારી સર્જાતા અને લોકડાઉન હોવાથી બાળકો વિખેરાઇ ગયા હતા. ત્યારબાદ તેઓ ડ્રગ્સના રવાડે ચઢી ગયા અને હવે જ્યારે તેઓને અભ્યાસ કરવા માટે બોલાવવામાં આવતા તેઓ આવતા નથી. તેમજ માત્ર ભીખ માંગવા માટે મજબુર બની રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોને ભીખ માંગવા માટે થઈને કેટલાક ભૂમાફિયાઓ પણ તેમની સાથે સંકળાયેલો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે તેઓ ભીખ માંગવાની સાથે સાથે અફીણ પદાર્થો પણ લેતા થઈ ગયા છે. હાલના તબક્કે તેને રોકવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણ કે, 3 વર્ષથી લઈને 16 વર્ષના બાળકો ડ્રગ્સ લેતા હોય જે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.