ETV Bharat / state

Dairy Conference: દૂધ અને દૂધની પ્રોડ્કટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશેઃ શાહ

author img

By

Published : Mar 18, 2023, 7:40 PM IST

ગાંધીનગરમાં ઈન્ડિયન ડેરી એસોસિએશન 49મી ડેરી કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અહીં કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, દૂધ અને દૂધ પ્રોડક્ટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. તેમ જ દેશના કુલ દૂધ સંપાદનમાં 30 ટકા હિસ્સો ગુજરાતનો છે.

Dairy Conference: દૂધ અને દૂધની પ્રોડ્કટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશેઃ શાહ
Dairy Conference: દૂધ અને દૂધની પ્રોડ્કટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશેઃ શાહ

ગાંધીનગરઃ ગાંધીનગરમાં 27 વર્ષ પછી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી. ઈન્ડિયન ડેરી એસોસિયેશનના ઉપક્રમે 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રિય ગૃહ અને સહકારપ્રધાન તેમ જ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં દેશભરના રાજ્યોના 2,700થી વધુ ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Dairy Conference: દેશનું ભવિષ્ય ડેરી ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ, હાલમાં ભારત નંબર 1 સ્થાન ઉપર

ડેરી ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ કામ કરનારા 10ને એવોર્ડઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રિય પ્રધાન અમિત શાહે આ અવસરે ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને 10 જેટલા એવોર્ડ્સથી સન્માનિત કર્યા હતા.

ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણઃ કેન્દ્રિય પ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ માટે ડેરી વેપારનું એક સાધન છે, પરંતુ ભારત માટે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો છે. ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે સહકારીતા પ્રધાન તરીકે કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે સહકારી ડેરીઓએ આપેલા યોગદાન માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

સહકાર સે સમૃદ્ધિઃ તેમણે વધુમાં કહ્યું હતું કે, સહકારી ડેરીઓએ દેશની ગરીબ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક સક્ષમ બનાવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી પ્રથમ વખત "સહકાર સે સમૃદ્ધિ" ધ્યેય મંત્રને સિદ્ધ કરવાના હેતુથી અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના કરવા આવી છે.

ડેરી કોન્ફરન્સમાં કેન્દ્રિય ગૃહ પ્રધાનની વિશેષ ઉપસ્થિતિ
ડેરી કોન્ફરન્સમાં કેન્દ્રિય ગૃહ પ્રધાનની વિશેષ ઉપસ્થિતિ

ડેરી અને પશુપાલનનુ દેશના જીડીપીમાં 4.5 ટકા યોગદાનઃ કેન્દ્રિય પ્રધાને ઉંમેર્યું હતું કે, ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે. તેમાં આઈડીએનો ઘણો મહત્વનો ફાળો છે. ભારતના ડેરી ક્ષેત્રને વિશ્વનું સૌથી મજબૂત ડેરી ક્ષેત્ર બનાવવાનો એક પ્રયાસ આ સમિતિમાં થયો છે. ડેરી અને પશુપાલન ક્ષેત્રનુ દેશના જીડીપીમાં 4.5 ટકા યોગદાન છે. તો કૃષિ જીડીપીમાં ડેરી ક્ષેત્રનું યોગદાન 24 ટકા છે. સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન માત્ર ભારતમાં જ છે.

ભારતમાં દૂધ ઉત્પાદનના 22 ટકા પ્રોસેસ થાય છેઃ ડેરી ઉદ્યોગ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે. અંદાજે 9 કરોડ ગ્રામીણ પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા એક દશકમાં 6.6 ટકાના વાર્ષિક વૃદ્ધિ દરથી ડેરી સેક્ટરે વિકાસ કર્યો છે તેવું તેમણે ઉમેર્યુ હતું. વિશ્વમાં ભારત દેશ સૌથી વધુ દૂધ પ્રોસેસ કરે છે. ભારતમાં દૂધ ઉત્પાદનના 22 ટકા પ્રોસેસ કરવામાં આવે છે. જેટલું દૂધ પ્રોસેસ થઈ વિશ્વના બજારમાં જાય છે. એટલી જ ખેડૂતની આવક વધે છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

દૂધ ઉત્પાદન પ્રતિદિન 58 કરોડ લિટર સુધી પહોંચ્યું છેઃ કેન્દ્રિય પ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આજે 6 કરોડ લિટર પ્રતિદિનથી વધીને 58 કરોડ લિટર સુધી પહોંચ્યા છીએ તે ડેરી સેક્ટરની પ્રગતિ છે. કેન્દ્ર સરકાર ડેરી સેક્ટરના વિકાસ માટે કોઈ કસર નહીં છોડે. ડેરી સેકટરના 360 ડિગ્રી વિકાસ માટે વડાપ્રધાનના નેતૃત્વની સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ડેરી ઉદ્યોગની થયેલી પ્રગતિ માટે ઑપરેશન ફ્લડ અને શ્વેત ક્રાંતિને યાદ કરતા કહ્યું હતું કે, જો આ બન્ને સંસ્કરણ શરૂ ન થયા હોત તો દૂધના મામલે ભારત ક્યારેય આત્મનિર્ભર ન બન્યું હોત.

36 લાખ પરિવાર અમુલ સાથે જોડાયેલા છેઃ અમૂલની સફળતા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમુલનું 2020-21નું ટર્નઓવર 53,000 કરોડ છે. 36 લાખ ખેડૂત પરિવાર અમુલ સાથે જોડાયેલા છે. દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 21 ટકા થયો છે. તેમાં અમૂલ, મધર ડેરી, વિજય, પરાગ, નંદિની સહિતની ઘણી બ્રાન્ડનું યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમાં આજે ડેરી સેક્ટર મિલ્ક પ્રોસેસિંગના દરેક સાઘનોમાં પણ આત્મનિર્ભર થઇ રહ્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટુ દૂધ ઉત્પાદકની સાથે સાથે દૂધ પ્રોસેસિંગના સાઘનોના ઉત્પાદનમાં અગ્રેસર બને તે દિશામાં આગળ વધવા આહ્વાન કર્યુ હતું.

ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવાનું કામ ડેરી ઉદ્યોગનું છેઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગ્રામીણ જીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે. ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોની રોજીરોટી અને આજિવીકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન ડેરી ઉદ્યોગ છે.

દેશના કુલ દૂધ સંપાદનના 30 ટકા ગુજરાત કરે છેઃ મુખ્યપ્રધાને સહકારિતા દ્વારા ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે. તેની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, માસ પ્રોડ્કશનને બદલે પ્રોડ્કશન બાય માસ દ્વારા આ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે. ગ્રામીણ મહિલાઓ અને પશુપાલક બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન ડેરી ઉદ્યોગમાં રહ્યું છે. તેની છણાવટ કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં 4,500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. દેશના કુલ દૂધ સંપાદનના 30 ટકા ગુજરાત કરે છે તેમ જ અંદાજે 150 કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચુકવાય છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી ઉદ્યોગઃ ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છતા, કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી, ક્લિન એનર્જી, ગોબરધન અન્વયે ગોબર ગેસ અને જૈવિક ખાતર વગેરેને પરિણામે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબરલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી-દૂધ ઉદ્યોગ બન્યો છે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Amul Dairy Chairman: અમૂલના નવા ચેરમેન બન્યા વિપુલ પટેલ, વાઇસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની વરણી

ડેરી કોન્ફરન્સમાં અગ્રણીઓની ઉપસ્થિતિઃ આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ઈન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડો. આર. એસ. સોઢી, એનડીડીબીના ચેરમેન મિનેષ શાહ સહિત સહકારી તેમ જ કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ, ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસિડેન્ટ અને દેશભરના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.