ETV Bharat / state

Joint Interrogation Centre : વિદેશી ગુનેગારોની તપાસ માટે ગુજરાતનું પ્રથમ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ટૂંક સમયમાં થશે શરૂ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 9:38 AM IST

Updated : Sep 6, 2023, 9:49 AM IST

Joint Interrogation Centre
Joint Interrogation Centre

ગુજરાતનું પ્રથમ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર અમદાવાદ ખાતે નિર્માણ પામી રહ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ થશે. વિવિધ ગંભીર ગુનામાં સુરક્ષા એજન્સીઓ ગુનેગારોની ધરપકડ કરતી હોય છે. તેઓની પૂછપરછ અને તપાસ માટે રાજ્ય અને દેશની વિવિધ એજન્સીઓને એક સંયુક્ત પ્લેટફોર્મ મળેશે. ત્યારે જાણો કેવી સુવિધા અને સિસ્ટમથી સજ્જ છે આ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ...

વિદેશી ગુનેગારોની તપાસ માટે ગુજરાતનું પ્રથમ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ટૂંક સમયમાં થશે શરૂ

અમદાવાદ : વિદેશમાં ગુનેગારોના ઈન્ટ્રોગેશન માટે ખાસ પ્રકારના સેન્ટર હોય છે. તેવું જ સેન્ટર અમદાવાદમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરનારા અનેક લોકોને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પકડવામાં આવ્યા છે. તેમાંથી અનેક આવા લોકોને પરત તેના દેશ મોકલી દેવાયા છતાં પણ થોડા મહિના બાદ ભારત પરત આવી જતા હોય છે. તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. તેવામાં ભારતમાં ગેરકાયદેસર અને ખોટી પ્રવૃતિ કરવા મામલે ઝડપાયેલા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવા માટે રાજ્યનું સૌથી મોટુ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર અમદાવાદમાં તૈયાર થઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં કાર્યરત થશે.

જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર
જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર

વિદેશી ઘૂસણખોરી : અમદાવાદ સહિત રાજ્યની અનેક જેલમાં અનેક કેદીઓ વર્ષોથી અલગ અલગ ગુનાઓમાં કેદ છે. તેવામાં અમદાવાદમાં એસઓજી દ્વારા સમયાંતરે રેડ પાડીને ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશી નાગરીકોને પકડવામાં આવે છે. જેમાં અનેક નાગરિકો એવા પણ છે જેઓ છેલ્લા 10 થી 15 વર્ષથી અહીંયા વસવાટ કરી રહ્યા હોય. ખાસ કરીને બાંગ્લાદેશ અને ભારતની જમીની સરહદ પરની અમુક ચૂકના કારણે બાંગ્લાદેશમાંથી સૌથી વધુ લોકો ભારતમાં ઘૂસણખોરી કરતા હોય છે. જેમાં મુખ્યત્વે રોજગારી માટે તેઓ આવતા હોય અને અમુક દેશ વિરોધી પ્રવૃતિ માટે પણ આવતા હોય છે. થોડા સમય પહેલા જ એટીએસએ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા.

ઈન્ટ્રોગેશન સેન્ટરની વિશેષતા
ઈન્ટ્રોગેશન સેન્ટરની વિશેષતા

જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર : અમદાવાદમાં તૈયાર થઈ રહેલા જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરની ખાસીયતની વાત કરીયે તો હાલની સ્થિતિએ અમદાવાદ એસઓજી પાસે 35 થી વધુ બાંગ્લાદેશીઓ છે. જેઓને ડિપોર્ટ કરવા સુધી અહીંયા રાખવા પડે તેમ છે. ખાસ કરીને ડિપોર્ટ કરવામાં કેન્દ્ર સરકાર સુધી જાણ કરવાની પ્રક્રિયા અને બાદમાં આરોપીઓને BSF સુધી પહોંચાડવામાં 3 થી 4 મહિનાનો સમય લાગી જતો હોય છે. તેવામાં સેન્ટર શરૂ થયા બાદ વિદેશનો કોઈ પણ નાગરિક ગેરરીતી મામલે ઝડપાશે તો તે ડિપોર્ટ ન થાય ત્યાં સુધી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતે રાખવામાં આવશે.

પાંચ કરોડના ખર્ચે નિર્માણ
પાંચ કરોડના ખર્ચે નિર્માણ

આ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં અલગ અલગ કામગીરી હાથ ધરાશે. વિદેશથી ઘૂસણખોરી મામલે ઝડપાયેલા વિદેશી આરોપીઓને અહીંયા રાખવામાં આવશે. ટૂંક સમયમાં સેન્ટર તૈયાર થઈ જશે અને બાદમાં ત્યાં બાંગ્લાદેશ સહિતના વિદેશી આરોપીઓને ડિપોર્ટ થાય ત્યાં સુધી ત્યાં રાખવામાં આવશે. -- જયરાજસિંહ વાળા (DCP, એસઓજી ક્રાઈમ,અમદાવાદ)

ઈન્ટ્રોગેશન સેન્ટરની વિશેષતા : આ સેન્ટરનું નામ જ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર છે, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. જેમાં આવનાર આરોપીઓની પૂછપરછ, તપાસ સહિતની તમામ પ્રક્રિયાઓ થશે. રાજ્ય સરકારની તમામ એજન્સી અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અહીંયા સાથે કામગીરી કરી શકશે. ગુજરાત ATS, ક્રાઈમ બ્રાંચ, CID ક્રાઈમ, સાયબર ક્રાઈમ, તેમજ નેશનલ એજન્સીઓ જેમાં DRI, કસ્ટમ, ઈન્કમ ટેક્સ, ED અને અન્ય એજન્સીને પણ વિદેશી આરોપીઓની પૂછપરછ માટેનું સીધું પ્લેટફોર્મ મળી રહેશે. સેન્ટ્રલ જેલની જેમ અહિંયા પણ 12 મીટર એટલે કે અંદાજે 30 ફૂટ ઊંચી દીવાલ ચણવામાં આવી છે. અને સીસીટીવી સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

અત્યાધુનિક સીસ્ટમ : આ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. જેમાં પુરુષ આરોપી માટે 16 બેરેક અને મહિલા આરોપી માટે 2 બેરેક બનાવવા આવી છે. સાથે જ જોઈન્ટ ઈન્ટ્રોગેશન રૂમ જેમાં તમામ એજન્સીઓ આરોપીઓને ઈન્ટેરોગેટ કરી શકે તેવો રૂમ, લાઈ ડિટેક્ટર રૂમ, મોનીટરીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સુરક્ષા વ્યવસ્થા અને તપાસ અધિકારી માટેના રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે.

વિદેશી આરોપીઓની તપાસ : મહત્વનું છે કે, અમદાવાદ શહેર એસઓજી દ્વારા વર્ષ 2007 થી લઈને 2022 સુધીમાં 15 વર્ષમાં 500 થી વધુ બાંગ્લાદેશીઓને પકડીને ડિપોર્ટ કરાયા છે. અને સમયાંતરે કામગીરી કરીને ઈસનપુર, નાના ચીલોડા સહિતના આસપાસના વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં આ પ્રકારના આરોપીઓને પરત મોકલી દેવાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા હવેથી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતેથી કરવામાં આવશે.

પાંચ કરોડના ખર્ચે નિર્માણ : આ સેન્ટરમાં એક DySP અને બે PI સહિત 45 પોલીસકર્મીઓનો સ્ટાફ મુકવામાં આવશે. મહત્વનું છે કે, અન્ય એજન્સીના અધિકારીઓ આરોપીની પૂછપરછ માટે આવે તો તેઓ માટે પણ ખાસ જગ્યા તૈયાર કરાઈ છે. ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ લિમિટેડની મદદથી અંદાજે સાડા પાંચ કરોડના ખર્ચે આ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યો છે.

  1. Surat Cyber Crime: સુરતમાં વીમા પોલિસી કેન્સલ કરવાના બહાને 97 લાખથી વધુની છેતરપિંડી, UPથી ઝડપ્યું બોગસ કોલ સેન્ટર
  2. Ahmedabad news : શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને ડ્રેનેજ લાઈન લઈને AMCનો મહત્વનો નિર્ણય
Last Updated :Sep 6, 2023, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.