ETV Bharat / state

Gujarat ATS: ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો કર્યો પર્દાફાશ, ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું

author img

By

Published : May 22, 2023, 3:51 PM IST

Updated : May 22, 2023, 8:40 PM IST

ગુજરાત (Gujarat) ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે.

Gujarat ATS
Gujarat ATS

અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં આતંકી સંગઠન અલ કાયદાના સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરતાં તેમજ તેના થકી ફંડ એકત્રિત કરી રહેલા સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કેટલાક લોકો પણ હાલ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. આરોપીની પુછપરછમાં ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે.

કેવી રીતે જાણ થઈ: બે દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાનું IB દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું. જેના આધારે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ત્રણેય શકમંદ આરોપીના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

  1. 26/11 જેવા આતંકી ષડયંત્રનો ખુલાસો : G-20 દરમિયાન હોટલ પર હુમલો કરવાની યોજના હતી, હવે વિદેશી મહેમાનો ગુલમર્ગ નહીં જાય
  2. Drugs: ગુજરાત ATS, દિલ્હી NCB અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું જોઈન્ટ ઓપરેશન, 214 કરોડના ડ્રગ્સ અને નાઇઝીરિયનની ધરપકડ
  3. BBC Documentrary: દિલ્હી હાઈકોર્ટે ગુજરાત રમખાણો પરની ડોક્યુમેન્ટ્રી અંગે BBCને સમન્સ પાઠવ્યું

પોલીસ તપાસમાં થયો ખુલાસો: આરોપીની પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની દેશવિરોધી કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.

ક્યાંથી પકડાયા આરોપી: ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે રહી રહ્યા છે. જે બાતમીના આધારે એટીએસની ટીમે સોજીબમીયા, આકાશ ખાન મુન્ના ખાન તથા અબ્દુલ લતીફ નામના બાંગ્લાદેશી યુવકોને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી રહેતા ઓઢવ અને નારોલ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા. આ ચારેય શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા હતા. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવા પ્રેરિત કરતા હતા. અલ-કાયદાનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડતા હોય તે ઇનપુટના આધારે તમામ યુવકોની એટીએસએ અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. આ મામલે મોહમ્મદ સોજીબમિયા અહેમદ અલીની પૂછપરછમાં મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે.

અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ
અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ

યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું: આ મામલે મોહમ્મદ સોજીબમિયા અહેમદ અલી કે જે બાંગ્લાદેશના મ્યમણસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે, તે રખિયાલમાં સુખરામ એસ્ટેટમાં નોકરી કરતો હતો. તે બાંગ્લાદેશમાં તેના ઘણા સંપર્કો દ્વારા અલ કાયદાની વિચારધારાથી પ્રેરિત થયો હતો અને અલ કાયદાનો સભ્ય બન્યો હતો. મોહમ્મદ સોજીબ મીયા તેના બાંગ્લાદેશી હેન્ડલર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્કમાં હતો. જેણે સોજીબને અલ કાયદામાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. શરીફુલ ઇસ્લામ દ્વારા સોજીબમિયાનો પરિચય અલ- કાયદા સંસ્થાના બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લા પ્રમુખ શાયબા નામના શખ્સ સાથે કરાવી હત. શાયબા દ્વારા સોજીબ મિયા અને તેના જેવા અન્ય યુવાનોને કટરપંથી બનાવવા અલ કાયદામાં જોડાવા અને સંગઠન માટે ભંડોળ એકઠું કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમજ કોમ્યુનિકેશન માટે encrypted chat application, TOR & VPN ના ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

સંગઠન માટે ભંડોળ એકઠું કરવાનું કામ: મોહમ્મદ સોજીબમિયાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે અને તેના સાગરીતો મુન્ના ખાલીદ અન્સારી ઉર્ફે મુન્નાખાન અને અઝારુલ ઇસ્લામ કફિલુદીન અન્સારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન પણ અલ કાયદા સાથે જોડાયેલા છે તેમજ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાં વસવાટ કરી રહ્યા છે અને અલ કાયદા માટે ફંડ એકત્રિત કરવાનું અને અલ- કાયદાની વિચારધારા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. તમામ શખ્સો ગુજરાત તેમજ અન્ય રાજ્યોની ઘણી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યા અને તેઓને અલ કાયદા વિચારધારા થકી કટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય શખ્સોએ ઘણી વ્યક્તિઓ પાસેથી પૈસા પણ એકત્ર કર્યા છે, જે બાદમાં આકાશ ખાન મારફતે અલ કાયદાની પ્રવૃત્તિઓના ભંડોળ માટે મોકલ્યા છે. શાયબાએ આ મોડ્યુલના તમામ સભ્યોને જેહાદ, કીતાલ (કતલ), અસલીયા (શસ્ત્ર સરંજામ), હિજરત (મુસાફરી), પૈસા અને સમયનું બલિદાન આપવું શહાદત વહોરવી વગેરે બાબતે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું.આ તમામને નવા ભરતી થનારાઓને ઓળખવાનું તેમને કટરપંથી બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેઓના પાસેથી ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યું: આ ગેંગનો અન્ય એક સભ્ય અબ્દુલ લતીફ ઉર્ફે મોમીનુલ અન્સારી હાલમાં જ બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલ કાયદાના વિચારધારાના પ્રચાર પ્રસાર તેમજ ફંડ એકત્રીકરણ માટે અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસની ટીમે સર્ચ કરતા આરોપીના ઘરેથી બોગસ આધાર કાર્ડ તેમ જ પાનકાર્ડ મળી આવ્યું હતું. આ ઉપરાંત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાની મીડિયા વિંગ As- sahab media દ્વારા પ્રકાશિત કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ ની ટીમે UAPA ની કલમ 38,38, 40 અને IPC ની કલમ મુજબ મોહમ્મદ સોજીબમીયા, મુન્ના ખાલીદ અન્સારી ઉર્ફે મોજીદ ઉર્ફે મુન્નાખાન, અઝારુલ ઇસ્લામ કાફિલુદ્દીન અન્સારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમીનુલ અન્સારી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી: આ અંગે ગુજરાત એટીએસના DIG દીપન ભદ્રને જણાવ્યું હતું કે આ આરોપીઓની તપાસ કરતા તેઓએ અન્ય બે વ્યક્તિઓને પણ અલ કાયદામાં જોડાવા માટે અને તેઓના થકી ફંડ એકત્રિત કર્યું છે, જેથી હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તેઓ ગુજરાત સિવાય અન્ય રાજ્યોના લોકો સાથે પણ સંપર્કમાં હતા અને બાંગ્લાદેશ સિવાય અન્ય દેશના લોકો આ ષડયંત્રમાં સામેલ છે કે કેમ તે દિશામાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં ઝડપાયેલો આરોપી અગાઉ પણ ગુજરાતમાં આવી ચૂક્યો છે જેથી તેની સાથે આ કામગીરીમાં કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ જે જગ્યાએ કામ કરતા હતા ત્યાં તેઓની સાથે કામ કરતા લોકોને જ ટાર્ગેટ કરી અલ કાયદામાં જોડાવા માટે પ્રયાસ કરતા હતા.

Last Updated :May 22, 2023, 8:40 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.