ETV Bharat / state

Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા

author img

By

Published : Mar 22, 2023, 8:52 PM IST

મહાઠગ કિરણ પટેલ કેસની તપાસમાં બીજા ચોંકાવનારા સમાચાર મળ્યાં છે. કિરણ પટેલની સાથે અન્ય બે ગુજરાતીઓએ પણ મહેમાનગતિ માણી હતી તેમની ઓળખ થઇ ગઇ છે અને તે બંનેની ધરપકડ થઇ ગઇ છે. કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવીને પૂછપરછ કરાઈ હતી અને બાદમાં ધરપકડ કરવામાં આવી છે.

Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા
Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા

અમદાવાદ : વડાપ્રધાન કાર્યાલય PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેના હોદ્દા પર હોવાની ઓળખ આપી કિરણ પટેલે કરેલા કારનામાંઓના કેસમાં આ વધુ અપડેટ સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી, ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ સહિતની મોજ ઉઠાવનાર મહાઠગ કિરણ પટેલની તપાસમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કિરણ પટેલની સાથે કાશ્મીરમાં બે ગુજરાતી યુવાનોએ પણ મહેમાનગતિ માણી હતી, જેઓની ઓળખ થતા કાશ્મીર પોલીસે અમદાવાદથી અમિત પંડ્યા અને જય સીતાપરા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અમિત પંડ્યા સીસીટીવી નેટવર્કિંગની કંપની ચલાવે છે અને રાજકીય પક્ષમાં મીડિયા ઇન્ચાર્જ હોવાનું પણ સામે આવ્યું છે.

કિરણ પટેલના સંપર્કોની તપાસ
કિરણ પટેલના સંપર્કોની તપાસ

ઉંચા હોદ્દા ઉપર કામ કરતા વ્યક્તિના પુત્ર : વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદથી પકડાયેલા આરોપી ગુજરાત સરકારના એક ઉંચા હોદ્દા ઉપર કામ કરતા વ્યક્તિના પુત્ર છે. કિરણ પટેલની ઠગાઇનો ભાંડો ફૂટ્યાં બાદ આ બંને યુવક ગુજરાત પરત આવી ગયા હતાં. જોકે કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવીને પૂછપરછ પણ કરાઈ હતી અને અંતે તેઓની ધરપકડ કરવામાં આવી છે.

ઝેડ પ્લસ સિક્યૂરિટી વચ્ચે કિરણ પટેલ
ઝેડ પ્લસ સિક્યૂરિટી વચ્ચે કિરણ પટેલ

આ પણ વાંચો Fake PMO Officer: મહાઠગ કિરણ પટેલ મળ્યો'તો હીરાના વેપારીને, કહ્યું હતું સરકાર મારી સાથે છે

શ્રીનગર કોર્ટમાં સુનાવણી પૂર્ણ : આ સમગ્ર મામલે બહાર આવ્યું છે કે રાજકોટના જય સીતાપરા જમ્મુ કાશ્મીરમાં પીએમઓનું નામ બતાવીને કિરણ પટેલ સાથે તેની ટીમમાં સામેલ હતો. મહત્વનું છે કે કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગરની કોર્ટમાં કરેલી અરજીમાં શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજા મોહમ્મદ તસ્લીમની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. જેમાં કોર્ટે 23 મી માર્ચના રોજ ચુકાદો જાહેર કરવાની જાહેરાત કરી છે.

મહાઠગ કિરણ પટેલનું કારનામું
મહાઠગ કિરણ પટેલનું કારનામું

ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા : મહત્વનું છે કે કિરણ પટેલની તપાસમાં કેટલાક મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ કિરણ પટેલ ત્યાં રોકાણકારો માટે જમીન અને સફરજનના બગીચા શોધવાનું કામ કરતો હતો. જે રોકાણકારોમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા અને અમુક પાવરફુલ વ્યક્તિઓ પણ હતી. જે કિરણને દરેક પ્રકારની મદદ પહોંચાડતી હતી. ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા તેઓના નામને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો Fake PMO Officer: ઠગ કિરણ પટેલે બોલવાની છટાથી અરવલ્લીના ખેડૂતોને ફસાવ્યા, 1.25 કરોડની છેતરપિંડી

ટેલિફોનિક મેસેજનો જાદૂ : કિરણ પટેલ 27 ઓક્ટોબર 2022 ના રોજ પ્રથમ વખત શ્રીનગર પહોંચ્યો હતો અને બારામુલ્લા અને પુલવામાં જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું હોવાથી દિલ્હીમાં રહેલા સેન્ટરમાંથી ટેલિફોનિક મેસેજથી તેની ઝેડ પ્લસ સુરક્ષા મળી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. તેણે નકલી રીતે પીએમઓનો લેટરપેડ પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે સંવેદનશીલ વિસ્તારમાં જવા માટે વિશેષ સુરક્ષાની પરવાનગી લેવાની ફાઈલ જે તે રાજ્યના મુખ્ય સચિવ સુધી પહોંચતી હોય છે. પરંતુ કિરણ પટેલના કિસ્સામાં આવું કઈ જ ન થયું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

કિરણ પટેલની કાશ્મીરની વારંવારની મુલાકાતો પર શંકા
કિરણ પટેલની કાશ્મીરની વારંવારની મુલાકાતો પર શંકા

જમીન સોદાના રિપોર્ટ મંગાવાયા : વડાપ્રધાન ઓફિસે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે વર્ષમાં થયેલા તમામ જમીનના સોદાના રિપોર્ટ મંગાવ્યા છે. ઉપરાંત જમીનના સોદા થયા અથવા તેની પ્રક્રિયા ચાલુ હોય તેમ જ તેની સાથે જોડાયેલા લોકોના બેગ્રાઉન્ડની પણ તપાસ કરવામાં આવશે. જેનો રિપોર્ટ આગામી 15 દિવસમાં પીએમ કાર્યાલયમાં મોકલવાનું આદેશ જમ્મુ કાશ્મીર સરકારને કરવામાં આવ્યો છે.

બદલી કરાવી આપવાની લાલચ : મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ દરમિયાન શ્રીનગર પોલીસને અનેક મહત્વની વિગતો મળી છે, જેમાં કિરણ પટેલે કાશ્મીર વેલીની મુલાકાત સમયે IAS IPS અધિકારીઓ પર રોફ જમાવવા માટે બે મહિના પહેલા IAS IPS અધિકારીઓની થયેલી બદલીઓ પોતે કરાવી હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ મહત્વની જગ્યા ઉપર પોસ્ટિંગ જોઈતું હોય તો પોતાનો સંપર્ક કરવા માટે પણ તેણે ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું અને અનેક અધિકારીઓને બદલી કરાવી આપવાની લાલચ આપી મોટી રકમનો સોદો નક્કી કર્યો હતો.

એનઆઈએ જોડાઇ : મહત્ત્વની જાણકારી એ પણ મળી છે કે આ કેસમાં એનઆઈએ પણ તપાસ કરવાનું શરુ કર્યું છે. કિરણ પટેલની વારંવારની કાશ્મીર મુલાકાત કેમ થતી હતી અને અન્ય રાજ્યોમાં તેના સંપર્કોની પણ તપાસ થશે.તેને કોણ કોણ મળતું હતું અને તે કોની સાથે આર્થિક વ્યવહારોમાં સંકળાયેલો હતો તે પણ એનઆઈએ દ્વારા તપાસવામાં આવશે. આ ઉપરાંત તેના ગુજરાતના સંપર્કોની તપાસ પણ એનઆઈએના રડારમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.