ETV Bharat / state

Ahmedabad Crime : જમીન વેચવાનું કહીને 80 લાખ લઈને ઠગાઈ આચરી, કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ

author img

By

Published : Apr 18, 2023, 2:27 PM IST

મહાઠગ કિરણ પટેલના કારનામાં એક પછી એક નોંધાઇ રહેલી ફરિયાદ દ્વારા બહાર આવી રહ્યાં છે. કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં તેણે જમીન વેચવાનું કહીને 80 લાખ લઈને ઠગાઈ આચરી છે. કન્સ્ટ્રકશન કામ કરનાર ફરિયાદીએ આવી ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Crime : જમીન વેચવાનું કહીને 80 લાખ લઈને ઠગાઈ આચરી, કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ
Ahmedabad Crime : જમીન વેચવાનું કહીને 80 લાખ લઈને ઠગાઈ આચરી, કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ : જમ્મુ કાશ્મીરમાં PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને મહેમાનગતિ માળનાર મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં કિરણ પટેલે 80 લાખ જેટલી મોટી રકમની ઠગાઈ આચરી હોય આ મામલે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

કિરણ પટેલ સાથે પરિચય : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા ઉપેન્દ્રસિંહ ચાવડાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016 માં ઉપેન્દ્રસિંહના મિત્ર સલીમભાઈ ખોજા જે સાબરમતી જેલમાં હોય તેઓને મળવા માટે ગયા હતા, તે સમયે કિરણ પટેલ સાથે તેઓને પરિચય થયો હતો. ત્યારબાદ વેપારીના મિત્ર જામીન ઉપર છૂટી ગયા બાદ કિરણ પટેલ સાથે ફરીથી મુલાકાત થઈ હતી. કિરણ પટેલ પોતે તમાકુનો વેપાર કરતો હોવાનું જણાવી અવારનવાર ફોન પર વાતચીત કરતો હતો.

આ પણ વાંચો Ahmedabad Crime : કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ, અમદાવાદ અને કાશ્મીરમાં ઈવેન્ટના નામે લાખોની છેતરપિંડી

80 લાખમાં નારોલની જમીન : ફોન પર વાતચીત દરમિયાન માર્ચ 2017માં કિરણ પટેલે ઉપેન્દ્રસિંહ ચાવડા પાસેથી હાથ ઉંછીના રૂપિયા માંગતા વેપારીએ ના પાડતા કિરણ પટેલ બોપલ ખાતે તેઓને રૂબરૂ મળવા માટે ગયો હતો. તે સમયે કિરણ પટેલે નારોલ ખાતે પોતાની વડીલોપાર્જીત મિલકત વેચવાની હોવાનું જણાવી ઉપેન્દ્રસિંહ ચાવડાને પોતાની સાથે નારોલ લઈ ગયો હતો. નારોલની સીમના બ્લોક સર્વે નંબર 225 બ પ્લોટીંગ જગ્યા બતાવી હતી, જે જગ્યાની તેઓએ ખરાઈ કરતા આ જગ્યા વિશાલ કોર્પોરેશન નામની પેઢીના પ્રોપરાઇટર કિરણ જગદીશભાઈ પટેલની મિલકત હોવાનું જણાઈ આવતા ઉપેન્દ્રસિંહ ચાવડાએ જમીનની કિંમત અંગે ચર્ચા કરી 80 લાખ રૂપિયામાં જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.

દસ્તાવેજ બાદમાં કરવાની શરત : કિરણ પટેલની નારોલ ખાતેની બિનખેતીની જમીન પૈકી અમુક જમીન 80 લાખ રૂપિયામાં લેવાની નક્કી કરી ઉપેન્દ્રસિંહ ચાવડાએ કિરણ પટેલને છૂટક છૂટક રોકડા રૂપિયા 25 લાખ આપ્યા હતા. જે બાદ તેઓએ નારોલ સબ રજીસ્ટર કચેરી ખાતે બાનાખત કરાર કરાવી. જેમાં 6 મહિના પછી જમીનમાં ટાઇટલ ક્લિયર કરાવી દસ્તાવેજ કરવાની શરત રાખી હતી. આ દરમિયાન બાકીના 55 લાખ રૂપિયા તેઓએ કિરણ પટેલને રોકડા આપ્યા હતાં. કિરણ પટેલે શરત મુજબ 6 મહિના સુધી ઉપરોક્ત જમીનનું ટાઈટલ ક્લિયર કરાવ્યું ન હતું, જેથી તેઓએ ફોન કરતા કિરણ પટેલે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અંતે ઉપેન્દ્રસિંહ ચાવડાએ વકીલ મારફતે નોટિસ મોકલાવી હતી અને તેનો પણ કિરણ પટેલે કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ ઉપેન્દ્રસિંહ ચાવડાએ કિરણ પટેલને ફોનથી સંપર્ક કરતા તે જુદા જુદા બહાના કાઢતો હતો અને અંતે વેપારીનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો.

ધક્કા ખાધા પણ કિરણ પટેલ મળ્યો નહીં : જે બાદ વેપારી ઉપેન્દ્રસિંહ ચાવડા ઘોડાસર ખાતે કિરણ પટેલના બંગલા ઉપર ગયા હતા અને અવારનવાર ધક્કા ખાધા છતાં પણ કિરણ પટેલ ઘરે મળતો ન હતો.કિરણ પટેલની પત્ની માલિની પટેલ તેઓને યોગ્ય જવાબ આપતા ન હતા. તેઓની પાસે બાનાખત હોવાથી કિરણ પટેલ તેઓની ખરીદી કરેલી જમીનનો દસ્તાવેજ કરી આપશે તેવું માનીને તેઓએ તે વખતે કિરણ પટેલ સામે ફરિયાદ કરી ન હતી.

આ પણ વાંચો Ahmedabad News: એક લાખમાં આવાસ યોજનામાં મકાન આપવાના નામે કરવામાં આવે છે છેતરપિંડી

નકલી પીએમઓ ઓફિસર ઓળખ આપી : ફેબ્રુઆરી 2023માં કિરણ પટેલે ઉપેન્દ્રસિંહ ચાવડાને ફોન કરીને જણાવ્યું હતું કે તમે ચિંતા ના કરશો હું અત્યારે પીએમઓ કાર્યાલયમાં છું. મને હવે મોટી જવાબદારી અને મોટા કામો મળ્યા છે. જેથી વેપારીએ વેચાણ કરેલ જમીનના દસ્તાવેજ બાબતે પૂછતા કિરણ પટેલે જણાવ્યું હતું કે હાલ પોતે કાશ્મીરમાં છે. ત્યારબાદ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ કિરણ પટેલે વ્હોટ્સએપથી કાશ્મીરમાં પોલીસ પ્રોટેકશન સાથે ફરતો હોવાના ફોટા અને વિડીયો મોકલ્યા હતા. તેમજ ડૉ. કિરણ પટેલ, એડિશનલ ડાયરેક્ટર સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇન પીએમઓ ન્યુ દિલ્હીનું વીઝીટીંગ કાર્ડ પણ વ્હોટ્સએપ પર મોકલ્યું હતું.

અંતે ફરિયાદ નોંધાવી : જો કે અંતે ફરિયાદી વેપારીને જમીનનો દસ્તાવેજ ન કરી આપી 80 લાખ રૂપિયા પચાવી પાડતા મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કિરણ પટેલની વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.