ETV Bharat / state

Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી

author img

By

Published : Mar 4, 2023, 9:21 PM IST

સોશિયલ મીડીયા મારફતે રૂપિયા કમાવવાની લાલચ ધરાવનારની છેતરપિંડીનો આ કિસ્સો છે. રાજસ્થાનની ગેંગ વિડીયો લાઈક કરવાના રૂપિયા આપવાના બહાને પહેલા ચાર્જીસના નામે પૈસા પડાવતી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે 5 આરોપીઓને ઝડપી તેમની પૂછપરછ કરી તો ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી.

Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી
Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી

આરોપીઓને ઝડપી તેમની પૂછપરછ કરી તો ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી

અમદાવાદ : અમદાવાદ શહેર સાયબર ક્રાઈમે સોશિયલ મીડીયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કેમ ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. રાજસ્થાનની ગેંગ વિડીયો લાઈક કરવાના રૂપિયા આપવાના બહાને પહેલા ચાર્જીસના નામે પૈસા પડાવી લેતી હતી. ધીમે ધીમે ભોગ બનનારને જાળમાં ફસાવી અંતે પૈસા પડાવવામાં આવતા હતા. જોકે આ મામલે સાયબર ક્રાઈમે 5 આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ પાંચ આરોપીની ધરપકડ : આ મામલે સાયબર ક્રાઈમે રાજકુમાર યાદવ, ફારૂક હુસેન, ઇમરાન મન્સૂરી, વિશાલ દુધેલીયા, મુકેશ ગોટીની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર સહિતના 3 આરોપીઓ રાજસ્થાનમાં અકોલા વિસ્તારમાંથી સોશિયલ મીડિયામાં વિડિયો કે ફોટો લાઈક કરવાના બહાને વળતર આપવાનું કહીને છેતરપિંડી કરતા હતા, જોકે આ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ ગુજરાતના બે આરોપીઓની પણ સંડોવણી સામે આવતા તેઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad Cyber Crime : 200થી વધુ ફોન આઈએમઈઆઈ નંબર બદલનાર આરોપીએ કર્યા ખુલાસા

કઇ રીતે ફસાવતાં : આ ગેંગ વ્હોટ્સએપ ઉપર ફ્રિલાન્સ જોબના મેસેજ કરી એક લિંક મોકલી આપતા હતા અને તે લિંક ઓપન કરતાં તેમાંથી એક ટેલિગ્રામની પ્રોફાઈલ આવતી જેમાં રૂપિયા કમાવા અંગેની આખી જાહેરાત જોવા મળતી હતી. નોકરી ઈચ્છુક વ્યક્તિઓને આ ટોળકી તેના અન્ય ગ્રુપોમાં એડ કરી અલગ અલગ ટાસ્ક લાઈક કરવા માટે આપતા હતા.

ચાર લોકોની પોલીસને ફરિયાદ મળી : આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વિડીયો લાઈક કરવા માટે એક એકાઉન્ટમાં જુદા જુદા ચાર્જીસ અને ઓર્થોરાઈઝ કંપનીના જીએસટી પેટે રૂપિયા ભરાવવામાં આવતા હતા. બાદમાં ભોગ બનનાર વ્યક્તિઓ આ ટાસ્કમાં જોડાઈને તેમાંથી વધુ રૂપિયા કમાઈ શકે તેવી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવતા પરંતુ આ રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી ઉપાડી નહીં શકતા ભોગ બનનારા ચાર લોકોની પોલીસને ફરિયાદ મળતા પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ખોવાયેલા આઈફોનનું લોકેશન મળ્યાના મેસેજથી ચેતજો, નહીં તો કાયમ માટે આઈફોન ગયો સમજો

16 લાખ 93 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી : પકડાયેલા આરોપીઓએ 16 લાખ 93 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવતા સાયબર ક્રાઇમે હાલ તો આ પાંચે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલા 9 મોબાઇલ, અલગ અલગ બેન્ક એકાઉન્ટની કીટ તથા એક કાર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે આ છેતરપિંડીના રેકેટ સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે અને કેટલા સમયથી સમગ્ર રેકેટ ચલાવતા હતા તે દિશામાં સાયબર ક્રાઇમ એ આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

ટેકનિકલ એનાલિસિસ કરતા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ : આ અંગે સાયબર ક્રાઇમના ACP જે.એમ. યાદવે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ટેકનિકલ એનાલિસિસ કરતા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. જોકે આરોપીઓ દ્વારા નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને છેતરપિંડી આચરવામાં આવતી હોય તેઓની વધુ પુછપરછ કરી અને અન્ય કેટલા લોકો આરોપીઓની છેતરપિંડીના ભોગ બન્યા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.