Ahmedabad Crime : ઠગાઈના ગુનામાં નિવૃત આઈપીએસના પુત્રની ગાંધીધામના રિસોર્ટમાંથી ધરપકડ, બે કેસમાં વોન્ટેડ

Ahmedabad Crime : ઠગાઈના ગુનામાં નિવૃત આઈપીએસના પુત્રની ગાંધીધામના રિસોર્ટમાંથી ધરપકડ, બે કેસમાં વોન્ટેડ
અમદાવાદમાં ઠગાઈના બે ગુનામાં નિવૃત્ત આઈપીએસ બાવકુભાઈ જેબલિયાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. નીરવ બાવકુભાઈ જેબલિયા સામે ગાડી વેચવાની ઢગાઈ અને હાઈકોર્ટના સ્ટે ઓર્ડરના નામે ઠગાઈના ગુના નોંધાયાં હતાં. જેની તપાસમાં તે ગાંધીધામના રિસોર્ટમાંથી પકડી લેવાયો હતો.
અમદાવાદ : નિવૃત્ત આઇપીએસ બાવકુભાઇ જેબલિયાના પુત્ર સામે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મામલે આખરે ધરપકડ કરાઈ છે. આરોપી નીરવ બાવકુભાઇ જેબલિયાએ ગાડી વેચવાનું કહી લાખો રૂપિયા પડાવી નાણાં કે ગાડી ન આપી છેતરપિંડી આચરતા સોલા પોલીસે ફરિયાદ નોંધી હતી. આરોપી સામે બે અલગ અલગ ગુના નોંધાયેલા હોવાથી પોલીસે ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે બે ગુના નોંધાયા બાદથી તે નાસતો ફરતો હતો. અંતે તે ગાંધીધામનાં રિસોર્ટમાં હોવાની માહિતી મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દ્વારા બે ગુના આચર્યા હોઇ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે...હરીશકુમાર કણસાગરા (ઈન્ચાર્જ એસીપી, એ ડિવિઝન)
વારંવાર નાણાં લીધાં : અમદાવાદનાં થલતેજમાં રહેતા વિજયભાઇ મિશ્રાએ આ ઠગાઈ મામલે ફરિયાદ નોંધાવી હતી. કિરણ બારોટે વિજયભાઇને ફોન કરી તેના મિત્ર નીરવ બાવકુભાઇ જેબલિયાને ગાડી વેચવાની છે તેવુ જણાવતા વિજયભાઇ ગાડી લેનારને સાથે રાખી હાઇકોર્ટ પાસે ગાડી બતાવી હતી. બાદમાં નીરવ બાવકુભાઇ જેબલિયા સાથે 10.25 લાખમાં સોદો થયો હતો. નીરવે બે લાખ ટોકન પેટે લીધા હતાં. બાદમાં નીરવે લોન ભરવી છે તેમ કહી કિરણ બારોટ પાસેથી દોઢ લાખ લીધાં હતાં.
ધમકીઓ આપવાનું શરૂ કર્યુ : થોડા દિવસ બાદ હપ્તો ભરવાનું કહી 73 હજાર લીધા હતા. જ્યારે ગાડી ખરીદનારે ગાડી માંગતા નીરવ જેબલિયાએ ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતુ. નીરવે ગાડી કે 4.23 લાખ નહીં મળે તેવો રોફ મારી ધમકીઓ આપતા આખરે સોલા પોલીસે નિવૃત્ત આઇપીએસના પુત્ર નીરવ જેબલિયા સામે ગુનો નોંધી દાખલ કર્યો હતો.
નીરવનો સ્ટે ઓર્ડર ફ્રોડ કેસ : બીજા એક કિસ્સામાં નીરવ જેબલિયાએ બનાસકાંઠામાં ડ્રગ્સના કેસમાં પકડ઼ાયેલા મેહુલ મેવાડાને હાઈકોર્ટમાંથી ધરપકડ ઉપર સ્ટે ઓર્ડર કઢાવી આપવાનું કહીને 5 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. ત્યારબાદ હાઈકોર્ટનો નકલી સ્ટે ઓર્ડર આપ્યો હતો. જે અંગે પણ સોલા હાઈકોર્ટ પોલીસ મથકે નીરવ જેબલિયા સામે ગુનો નોંધાયો હતો.
ગાંધીધામના રિસોર્ટમાંથી પડકાયો : આ બન્ને કેસમાં આરોપી છેલ્લાં ધણા દિવસોથી નાસતો ફરતો હતો ત્યારે સોલા પોલીસને બાતમી મળી હતી કે નીરવ જેબલિયા ગાંધીધામના રિસોર્ટમાં હાજર છે. જેથી પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો.
