ETV Bharat / opinion

કોરોના સામેની લડતમાં 'સર્વોચ્ચ' પહેલ

author img

By

Published : May 11, 2021, 10:24 PM IST

અત્યારે દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી છે, ત્યારે રાજ્યોમાં કેવું સંકટ ઊભું થયું છે? ચેપના આંકડાં વધતા જ જાય છે અને મોતનો આંકડો પણ વધતો જાય છે ત્યારે કેન્દ્ર સરકાર શું કરી રહી છે? આંકડાં દર્શાવે છે કે દેશના 471 જિલ્લાઓમાં 301 સ્થળોએ કોવીડ-19ની પોઝિટિવીટીનું પ્રમાણ વધીને 20 ટકા સુધી પહોંચી ગયું છે.

કોરોના સામેની લડતમાં 'સર્વોચ્ચ' પહેલ
કોરોના સામેની લડતમાં 'સર્વોચ્ચ' પહેલ

ન્યૂઝ ડેસ્ક: ભારતના બંધારણની 355મી કલમ જણાવે છે કે મોટા પાયે બહારથી આક્રમણ થાય કે મોટું આંતરિક સંકટ ઊભું થાય ત્યારે દરેક રાજ્યની સુરક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આવા સંજોગોમાં દરેક રાજ્યમાં વહિવટીતંત્ર સુપેરે બંધારણીય જોગવાઈઓ પ્રમાણે ચાલતું રહે તે પણ કેન્દ્રએ જોવાનું હોય છે.

અત્યારે દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી છે, ત્યારે રાજ્યોમાં કેવું સંકટ ઊભું થયું છે? ચેપના આંકડાં વધતા જ જાય છે અને મોતનો આંકડો પણ વધતો જાય છે ત્યારે કેન્દ્ર સરકાર શું કરી રહી છે? આંકડાં દર્શાવે છે કે દેશના 471 જિલ્લાઓમાં 301 સ્થળોએ કોવીડ-19ની પોઝિટિવીટીનું પ્રમાણ વધીને 20 ટકા સુધી પહોંચી ગયું છે.

આરોગ્ય મંત્રાલયને જાહેર કરેલી માહિતી પ્રમાણે મહામારી આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને બીજા રાજ્યોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. કર્ણાટકમાં કેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે તેનો અંદાજ એ વાત પરથી આવે છે હોસ્પિટલમાં દર એક પથારી માટે ત્રીસ ત્રીસ દર્દીઓ લાઈનમાં ઊભા છે.

નીતી આયોગના સભ્ય વી. કે. પૌલની આગેવાનીમાં સમિતિ બેસાડવામાં આવી છે, તેણે દરેક રાજ્યોને ઑક્સિજનનો જથ્થો ફાળવવાનું એક મૉડલ તૈયાર કર્યું છે. આ મૉડલ પ્રમાણે જ રાજ્યોને ઑક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે તેવા કેન્દ્ર સરકારના દાવાને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધો છે. સરકારની નિષ્ફળતાને જોયા પછી સર્વોચ્ચ અદાલતે પોતાની રીતે ઑક્સિજનની વહેંચણી માટે 12 સભ્યોનું ટાસ્ક ફોર્સ બેસાડવું પડ્યું છે.

કેન્દ્ર સરકારે ગયા માર્ચમાં 21 સભ્યોનું ટાસ્ક ફોર્સ બનાવ્યું હતું, પરંતુ તે માત્ર શોભાની પૂતળી બનીને જ રહી ગયું છે. તે ટાસ્ક ફોર્સ કામગીરી બજાવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. આ વાત એ બાબત પરથી પણ સાબિત થાય છે કે ગયા વર્ષે જ્યારે રોજના 500 કોરોના કેસો નોંધાઈ રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે વગર વિચાર્યે રાષ્ટ્રીય લૉકડાઉન નાખી દીધું હતું. તેની સામે હવે રોજના ચાર ચાર લાખ કેસ નોંધાઈ રહ્યા છે, પણ કેન્દ્ર સરકાર હાથ જોડીને બેસી રહી છે.

વાઇરસ કેટલી ઝડપથી ફેલાશે તેની ગણતરી માટે ગાણીતિક મૉડલથી અંદાજ લગાવવા માટે ગયા વર્ષે મે મહિનામાં એક સુપર મૉડલ કમિટી પણ બેસાડી હતી. તે સમિતિએ ચેતવણી આપી હતી કે કોરોના મહામારીની બીજી લહેર આવશે. કેન્દ્ર સરકારે આ ચેતવણીની બિલકુલ પરવા કરી નહોતી. આ રીતે અત્યારે દેશ માનવસર્જિત મહાસંકટમાં મૂકાઈ ગયો છે ત્યારે સર્વોચ્ચ અદાલત જ માત્ર સાચી દિશા બતાવી શકે તેવું રહ્યું છે.

જાન્યુઆરીમાં વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી દીધી કે કોરોના સામેની લડત લોકલડતમાં બદલાઈ ગઈ છે. ખોખલો દાવો કરી દેવામાં આવ્યો હતો કે પોતાના નાગરિકોના જીવ બચાવવામાં વિશ્વના દેશોને સફળતા મળી છે તેમાં ભારત ઉન્નત મસ્તકે ઊભું છે.

એ યાદ કરવું જરૂરી છે કે ગત ડિસેમ્બરમાં 10 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળીને ‘જિનેટિક્સ કન્સોર્ટિયમ’ તૈયાર કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ કોરોના વાઇરસના મ્યુટેશનનો અભ્યાસ કરવાનો હતો. આ કન્સોર્ટિયમે અહેવાલ તૈયાર કરીને નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)ને સોંપ્યો હતો અને જણાવ્યું હતું કે વાઇરસ ફરીથી માથું ઉંચકવાની તૈયારીમાં છે.

વક્રતા એ છે કે આ અહેવાલ સોંપવામાં આવ્યો તેના બે દિવસ પહેલાં જ, માર્ચના પ્રથમ અઠવાડિયે કેન્દ્રના આરોગ્ય પ્રધાને ફૂલાઇને ફાળકો થઈને જાહેરાત કરી દીધેલી કે દેશમાંથી કોરોના વાઇરસ વિદાય લઈ રહ્યો છે. સેન્ટર ફૉર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયૉલૉજીના ભૂતપૂર્વ ડિરેક્ટર રાકેશ મિશ્રા કહે છે કે આ અહેવાલમાં અપાયેલી ચેતવણી વિશે વડાપ્રધાનને જાણ કરવામાં ના આવી હોય તેવું શક્ય લાગતું નથી.

આવી સ્પષ્ટ ચેતવણી છતાં સાવચેતીના કોઈ જ આગોતરા પગલાં લેવામાં ના આવ્યા અને તેના કારણે જ આજે દેશના પ્રજાજનો ઘેરી મહામારી વચ્ચે ફસાઈ ગયા છે. આ અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે વાઇરસ વધુ ને વધુ લોકોમાં ફેલાતો જશે, તે સાથે વધુ ખતરનાક મ્યુટેશન પણ થતા રહેશે. તેના કારણે વાઇરસના ચેપની ત્રીજી લહેર પણ ગમે ત્યારે આવશે.

આ જ સ્થિતિનો ઉલ્લેખ કરીને સર્વોચ્ચ અદાલતે ટાસ્ક ફોર્સને ઑક્સિજનના પુરવઠાની ઉપલબ્ધી માટેની નીતિ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. વૈજ્ઞાનિક અને તાર્કિક આધાર પર ઑક્સિજનની જરૂરિયાતનો અંદાજ લગાવી યોગ્ય વિતરણ નીતિ તૈયાર કરવા જણાવાયું છે, જેથી ઑક્સિજન વિના દર્દીઓના મોત ના થાય.

અદાલતે ટાસ્ક ફોર્સને જણાવ્યું છે કે સાથે જ તાકિદની સ્થિતિમાં દેશમાં દવાઓની ઉપલબ્ધિ કેટલી છે તેનો પણ અંદાજ લગાવે. આવી સ્થિતિમાં આ ટાસ્ક ફોર્સમાં ચેપી રોગના નિષ્ણાતો અને વાઇરોલૉજિસ્ટ્સને પણ સમાવી લેવામાં આવ્યા હોત તો વધારે સારું પરિણામ આવ્યું હોત.

આ મહામારી સામે મહા યજ્ઞની જેમ જ લડત આપવી જરૂરી છે અને તે માટેનું માર્ગદર્શન વિજ્ઞાનીઓ પાસેથી મેળવવાનું છે. જુદા જુદા વિભાગો અને સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવાની જરૂરી છે. એ બહુ મોટી કમનસીબી છે કે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં સંદતર નિષ્ફળ ગઈ છે. સરકાર હાથ જોડીને બેસી રહે છે અને ન્યાયતંત્રનો આદેશ થાય ત્યારે જ જાગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.