ETV Bharat / international

CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા, સિંગાપોર બિઝનેસ ફેડરેશન સાથે ખાસ બેઠક

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 4:14 PM IST

સિંગાપોર બિઝનેસ ફેડરેશન સાથે ખાસ બેઠક
સિંગાપોર બિઝનેસ ફેડરેશન સાથે ખાસ બેઠક

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર પ્રવાસે છે. જે અંતર્ગત તેઓએ સિંગાપોરના ઉદ્યોગપ્રધાન અને સિંગાપોર મોનેટરી ઓથોરિટીના સભ્યો સાથે બેઠક યોજી હતી. ઉપરાંત Vibrant Gujarat Summit 2024 મા સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. CM Bhupendra Patel Singapore tour

ગાંધીનગર : જાપાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા છે. ઉલ્લેખનિય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાને સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો.

મુખ્યપ્રધાનનો સિંગાપોર પ્રવાસ : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી. ઉપરાંત સિંગાપોરના વેપાર અને ઉદ્યોગપ્રધાન ગેન કિમ યોંગ સાથે મુલાકાત કરીને બેઠક કરી હતી. જેમાં સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.

સિંગાપોર ઉદ્યોગપ્રધાન સાથે બેઠક : આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત વિકાસનું રોલ-મોડેલ બન્યું છે. ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યપ્રધાને ગુજરાતના લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું કે, ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને સિંગાપોરના ઉદ્યોગપ્રધાનને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા

સિંગાપોર-ગુજરાત સંબંધ : આ બેઠક દરમિયાન સિંગાપોરના ઉદ્યોગપ્રધાન ગેન કીમે જણાવ્યું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે. સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રુટ, વેજિટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્યનો સહયોગ તેમના માટે લાભદાયક બનશે. સિંગાપોરના ઉદ્યોગપ્રધાન ગેન કીમે ગુજરાત ડેલીગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.

સિંગાપોરના મોનેટરી ઓથોરિટી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિકાસ અને ગુજરાતમાં રોકાણની સંભાવના અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ હોવાનો મત મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.

વાઈબ્રન્ટ સમિટ માટે આમંત્રણ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર બિઝનેસ ફેડરેશન(SBF)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બેઠક યોજી હતી. આ બેઠકમાં SBF ના CEO કોક પિંગ સુન, વાઈસ ચેરમેન પ્રસુન મુખર્જી, બ્લેકસ્ટોન સિંગાપોરના ગૌતમ બેનરજી વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં SBF ની સક્રિય સહભાગીતા આવકારી હતી. બેઠક દરમિયાન SBF ના પ્રતિનિધિઓએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં ભાગ લેવાની ઉત્સુકતા વ્યક્ત કરી અને તે વિશે ચર્ચા-પરામર્શ કર્યો હતો.

  1. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે સરકારી જમીન ભાડે આપવામાં આવશે, ગુજરાતના 3 જિલ્લાના ખેડૂતોને મળશે 24 કલાક વીજળી
  2. વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આપશે 40 હજારની સહાય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.