વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે કહ્યું કે જો તેઓ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તો આ ચૂંટણીમાં કમલા હેરિસ ફરીથી તેમની સાથે હશે. વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિડેને હેરિસ વિશે કહ્યું કે તે મારી સાથે શ્રેષ્ઠ ભાગીદાર હશે. બિડેને કહ્યું કે કમલા ખૂબ સારું કામ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે બિડેન અને કમલા હેરિસના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ માટે એક વર્ષ પૂર્ણ (one year of biden government)થઈ ગયું છે. આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિડેને આમ જણાવ્યું હતું.
હેરિસે આપી પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના મધ્યમાં હેરિસે કહ્યું હતું કે તેમણે અને બિડેને હજુ 2024ની ચૂંટણી અંગે કોઈ ચર્ચા કરી નથી. અટકળો વહેતી થઈ હતી કે જો બિડેન ફરીથી ચૂંટણી લડશે નહીં., તો ઉપરાષ્ટ્રપતિ પણ મેદાનમાં નહીં આવે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની એક મુલાકાતમાં જ્યારે હેરિસને બિડેન ફરીથી ચૂંટણી લડવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે હેરિસે કહ્યું હતું કે, "હું તે વિશે વિચારતી નથી અને અમે તેના વિશે વાત કરી નથી." હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ અશ્વેત મહિલા અને એશિયન અમેરિકન છે. બિડેને ચૂંટણી પછી હેરિસ વિશે કહ્યું હતું કે "મેં તેમને ચાર્જ સોંપ્યો છે. મને લાગે છે કે તે સારું કામ કરી રહી છે."
હેરિસના કામકાજથી ખૂબ ખુશ
આ દરમિયાન જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું તેઓ કમલા હેરિસના કામ અને તેના વોટના અધિકાર માટે કરવામાં આવેલા કામથી ખુશ છે અને શું તે ફરીથી તેની સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળશે. તો બિડેને કહ્યું કે હા, કેમ નહીં. હું તેમના કામથી ખૂબ જ ખુશ છું. બિડેને એમ પણ કહ્યું કે તેમણે કમલાને નંબર ટુની ભૂમિકામાં મૂક્યાં છે અને તે પોતાનું કામ અત્યંત જવાબદારી સાથે કરી રહ્યાં છે.
2017માં કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે ચૂંટાયા હતાં
કમલા હેરિસનો જન્મ ઓકલેન્ડમાં થયો હતો અને ઉછેર બાર્કલીમાં થયો હતો. તેમની માતા ભારતના છે અને પિતા જમૈકાના છે. વર્ષ 2017માં કમલા કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. તે પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન સેનેટર તેમજ બીજી આફ્રિકન અમેરિકન મહિલા સેનેટર હતી. તેમણે હોમલેન્ડ સિક્યુરિટી અને સરકારી બાબતોની સમિતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કમલા ઇન્ટેલિજન્સ પસંદગી સમિતિ, બજેટ પરની સમિતિ અને ન્યાયતંત્ર પરની સમિતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યાં છે. 2019ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ બિડેનના સાથીદાર રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ કમલા હેરિસે કહ્યું - "હું આ પદ પર પહોંચનારી પહેલી મહિલા છું પણ છેલ્લી નહીં"