ETV Bharat / city

વડોદરામાં નાની ઉંમરના બાળકો થયા કોરોના સંક્રમિત

author img

By

Published : Apr 28, 2021, 2:26 PM IST

બાળકો થયા કોરોના સંક્રમિત
બાળકો થયા કોરોના સંક્રમિત

કોવિડ અને કમનસીબીની રાશિ એક છે. આ રોગના વર્તમાન બીજાં મોજાની ખાસિયત એ છે કે બહુધા નવજાતથી લઈને બારથી તેર વર્ષની ઉંમર સુધીના બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે અને તેમને આ ચેપ મોટે ભાગે વડીલો પાસેથી મળે છે. પોઝિટિવ સગર્ભા પોઝિટિવ શિશુને જન્મ આપે એવા કિસ્સા નોંધાયા છે. તેની સાથે બચપણથી જ કુપોષણ, લોહીની અછત, ન્યૂમોનિયા, કિડની જેવા રોગોથી પીડિત એટલે કે કો-મોર્બિડ બાળકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું છે.

  • 10 પથારીનું પિડીયાટ્રીક કોવિડ યુનિટ સારવારમાં થયું ઉપયોગી
  • એક કોવિડ બાળ દર્દીની સારવાર સાડા ત્રણ સપ્તાહથી વધુ સમય સુધી ચાલી
  • ઘરમાં વડીલો કોરોના સંક્રમિત હોય તો બાળકોને તેમના સંપર્કથી દુર રાખવા જોઈએ: ડો.શીલા ઐયર

વડોદરા: જિલ્લાની સયાજી હોસ્પિટલ અને સદનસીબીનો પ્રાસ બેસાડીએ તો બાળ રોગ વિભાગમાં બાળ સંક્રમણના અસર જણાતા જ 10 પથારીની પિડીયાટ્રીક કોવિડ ફેસિલીટી બાળ રોગ વિભાગમાં ઊભી કરવામાં આવી છે. જે 23 જેટલા વધુ પડતાં સંક્રમિત બાળકોની સઘન ઇન્ડોર સારવારમાં ખૂબ ઉપયોગી નીવડી લાંબામાં લાંબી સારવારની વાત કરીએ તો વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા એક બાળકની સારવાર લગભગ સાડા ત્રણ સપ્તાહ કરતાં પણ વધુ લાંબી ચાલી પરંતુ એ બાળક આખરે સ્વસ્થ થતાં સહુને ભગવાને બોનસ આપ્યું હોય એવી પ્રતીતિ થઈ હતી.

બાળકો થયા કોરોના સંક્રમિત
બાળકો થયા કોરોના સંક્રમિત

આ પણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત

ઓછા લક્ષણો ધરાવતા બાળકોને ઘરે સારવાર હેઠળ મૂકાયા

કોવિડ ઓપિડીમાં ચેપની સંભાવના વાળા કુલ 135 બાળકોના નિદાન દરમિયાન 71 નેગેટિવ જણાયા અને 64 પોઝિટિવ પૈકી 41 બાળકો ખૂબ ઓછા લક્ષણો ધરાવતા હોવાથી ઘર સારવાર હેઠળ મૂક્યા છે. એવી જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું કે, બાકીના 23 બાળકોને વધુ લક્ષણો અને સહ રોગો હોવાથી અંદરના દર્દી તરીકે અમારા વિશેષ એકમમાં દાખલ કરીને સઘન સારવાર આપવાની જરૂર પડી છે. આ પૈકી બે બાળકો જે વિવિધ સહ રોગોથી પણ પીડાતા હતા. તેમની જિંદગી ખૂબ જહેમત કરવા છતાં ન બચાવી શકાય, જ્યારે 21 બાળકોને અમે સ્વસ્થ અને હેમખેમ ઘેર મોકલી શક્યા છે.

બે દિકરીઓ ઘરે સારવાર હેઠળ સાજી થઈ

વધુમાં જણાવ્યું કે, ઓછા લક્ષણો વાળા બાળકો મોટેભાગે શરદી-ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હતા. જેમની ઘર સારવાર શક્ય બની છે. ઘરે સારવારની ભલામણ કરવામાં આવી તે પૈકી પાછળથી એક કે બે બાળકોને દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે દાખલો આપતાં જણાવ્યું કે, મનોજભાઈ નગરશેઠના ત્રણ બાળકો સંક્રમિત થયાં એ પૈકી દોઢેક વર્ષના બાળકને દાખલ દર્દી તરીકે સારવાર આપવી પડી છે. જ્યારે બે દીકરીઓ ઘરે સારવાર હેઠળ સાજી થઈ ગઈ છે.

આ પણ વાંચો: હવે આ જ બાકી હતું...મરણના દાખલા મેળવવા માટે પણ લાંબી કતારો..!

બાળકો હોમ ટ્રીટમેન્ટથી જ સાજા થઈ ગયા

ઇન્ડોર સારવારની જરૂર પડી એ પૈકી 5 બાળકો તો તાજા જન્મેલા એટલે કે નવજાત શિશુ હતા.આ લોકો પૈકી કેટલાક ગર્ભમાંથી ચેપ લઈને આવ્યા હતા તો કેટલાકને કેર ટેકર એટલે કે વડીલોનો ચેપ લાગ્યો હતો. તેને અનુલક્ષીને ડોક્ટર શીલા જણાવે છે કે ,ઘરમાં જો વડીલો સંક્રમિત હોય તો બાળકોને તેમનાથી સલામત અને દૂર રાખવાની ખૂબ કાળજી લેવી જરૂરી છે. લોહીની ઉણપ, કુપોષણ, ન્યૂમોનિયા પીડિત બાળકોમાં ચેપની અસર વધુ જણાઈ છે. કેટલાક બાળકોને લોહી પણ ચઢાવવું પડ્યું હતું. રાહતની વાત એ રહી કે સંક્રમણ વાળા બાળકો પૈકી 80થી 85 ટકા બાળકો હોમ ટ્રીટમેન્ટથી જ સાજા થઈ ગયા છે.

ઘરના સભ્યો PPE કીટ પહેરીને બાળ દર્દી સાથે રહે છે

સામાન્ય રીતે સંક્રમણની પ્રકૃતિ હોવાથી કોવિડના વયસ્ક દર્દીઓ સાથે એમના સ્વજનોને રહેવાની છૂટ નથી પરંતુ શિશુ કે બાળ દર્દી માતા પિતા કે વડીલ વગર રહી શકે નહિ. એ ધ્યાનમાં રાખીને બાળ સારવાર વિભાગમાં દર્દી બાળકની સાથે તેના માતા-પિતા કે વડીલને રહેવાની સુવિધા આપવામાં આવી છે. તકેદારી માટે આ લોકો સ્ટાફની જેમ જ PPEકીટ પહેરીને બાળ દર્દી સાથે રહે એવી વ્યવસ્થા રાખી છે. જે 23 બાળકોને દાખલ દર્દી તરીકે સારવાર આપી તે પૈકી 17 બાળકો કુપોષણ, ખૂબ ઓછું લોહી, કિડની-ટ્યુમર, લીવરના રોગો જેવી તકલીફો ધરાવતા હતા.

તબીબોએ બાળ દર્દીઓની જીવન રક્ષા કરી છે

આ સમયગાળામાં કોવિડની આડ અસર જેવા મલ્ટી ઈનફ્લે મેટરી સિન્ડ્રોમ ઓફ ન્યૂ બોર્નની તકલીફ ધરાવતા 14 બાળકોને પણ આ વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. બાળકોની સારવાર વયસ્કો કરતા વધુ જટિલ અને કુશળતા તથા અનુભવ માંગી લેનારી હોય છે. સયાજીનો બાળ રોગ વિભાગ ખૂબ નિષ્ઠા સાથે આખું વર્ષ જરૂરી સામાન્ય અને વિશેષ સારવાર દ્વારા બાળ તંદુરસ્તીની કાળજી લે છે. બાળ કોવિડથી તેમાં એક નવો પડકાર ઉમેરાયો છે પરંતુ ડો.શીલા ઐયરના અનુભવી નેતૃત્વ હેઠળ તબીબો અને સ્ટાફની સમર્પિત ટીમે આ પડકારનો સકારાત્મક સામનો કરી બાળ દર્દીઓની જીવન રક્ષા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.