ETV Bharat / city

195 વર્ષમાં પહેલી વાર સુરતીઓ ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરી શકશે નહીં

author img

By

Published : Nov 17, 2020, 1:50 PM IST

195 વર્ષમાં પહેલી વાર સુરતીઓ ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરી શકશે નહીં
195 વર્ષમાં પહેલી વાર સુરતીઓ ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરી શકશે નહીં

ભાઈબીજના દિવસે સુરતના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવતી હોય છે, પરંતુ વર્ષોથી ચાલતી આ પરંપરા આ વર્ષે કોરોના કાળમાં બંધ રાખવામાં આવી છે. આથી આ વખતે શ્રદ્ધાળુઓ ભગવાનની પાઘડીના દર્શન નહીં કરી શકે.

  • ભાઈબીજ નિમિત્તે ભક્તો કરે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન
  • 195 વર્ષ જૂનો છે પાઘડીનો ઇતિહાસ
  • કોરોના કાળમાં પાઘડીના દર્શન મોકૂફ

સુરતઃ ભાઈબીજના તહેવાર નિમિત્તે સુરતના સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે ભગવાન સ્વામિનારાયણની પાઘડી દર્શન માટે મૂકવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે 195 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી આ પાઘડીના દર્શન ભક્તો નહીં કરી શકે.

195 વર્ષથી પારસી પરિવાર કરી રહ્યો છે પાઘડીનું જતન

સંવત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતાં. જે આજે 195 વર્ષે પણ આ પારસી પરિવાર સાચવી રહ્યો છે. અને તેનું તે જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે. પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે એક તરફ લોકો સીમિત સંખ્યામાં રહી પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી નથી, જેથી ભક્તોમાં પણ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.

195 વર્ષમાં પહેલી વાર સુરતીઓ ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરી શકશે નહીં

પાઘડી સાથે જોડાયેલી છે ધાર્મિક આસ્થા

આ પાઘડી સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી. પાઘડીની પાછળની ધાર્મિક વાયકા છે કે, સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતા અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થઇ ભગવાને સંવત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘડી આપી હતી.

પારસી પરિવારે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો

અરદેશર કોટવાળને મળેલી આ પાઘડી તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ, પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘડી તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી અને ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે. મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે તેમ છતાં તેમણે વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છે, ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે.

પારસી ધર્મની જનોઈ સાથે શ્રીજીની કંઠી પણ ધારણ કરી

આ પાઘડીને વર્ષોના વર્ષો સુધી નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં સાચવી રાખવામાં આવી છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘનું તેમનું માથું હોય તે રીતે જતન કરે છે અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

કોરોના કાળને ધ્યાનમાં રાખી દર્શન મોકૂફ રખાયા

આ અંગે પરિવારના સભ્ય કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દર્શન ન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે, ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેના બદલામાં આર્થિક વળતર પણ ચૂકવવાની વાત કરે છે, પરંતુ આ પાઘડી એ તેમના પરિવારને ભગવાન દ્વારા અપાયેલી અમુલ્ય ભેટ છે અને જેનું મૂલ્ય ન આંકી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.