ETV Bharat / city

અતુલ વેકરિયા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ: પોલીસની ટીકા થતા આખરે કલમ 304નો ઉમેરો કરાયો

author img

By

Published : Mar 29, 2021, 12:24 PM IST

Updated : Mar 29, 2021, 5:36 PM IST

સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ગત શુક્રવારની રાત્રે દારૂ પીને કાર ચલાવતી વખતે એક મહિલાને અડફેટે લીધી હતી. આ કેસમાં ધરપકડ થયા બાદ અતુલ સામે માત્ર જામીનપાત્ર કલમો લગાવવામાં આવતા બીજા દિવસે જ જામીન મળી ગયા હતા. જોકે, ઈજાગ્રસ્ત મહિલાનું મોત થયા બાદ અને પોલીસે જામીનપાત્ર કલમો જ લગાવી હોવાથી પોલીસની ટીકા થતા IPCની કલમ 304નો ઉમેરો કરાયો હતો.

પોલીસની ટીકા થતા આખરે કલમ 304નો ઉમેરો કરાયો
અતુલ વેકરિયા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ

  • શુક્રવારે મોડીરાત્રે પોતાની કારથી બે મોપેડને અડફેટે લીધી હતી
  • એક મહિલાનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું
  • આરોપી અતુલ વેકરિયા દારૂના નશામાં હોવાનો પણ લોકોનો આક્ષેપ


સુરત: ચકચારી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ પ્રકરણમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા સર્જાયેલા અકસ્માતના કેસમાં આખરે પોલીસે કલમ 304 કલમનો ઉમેરો કરવો પડ્યો છે. શુક્રવારની રાત્રે અતુલે દારૂ પીને સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં અતુલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીનપાત્ર કલમો લગાવવમાં આવી હોવાથી શનિવારે જામીન પર છૂટકારો થયો હતો.

આ પણ વાંચો: બારડોલી હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપ અગ્રણીના પુત્ર સામે નોંધાઇ ફરિયાદ

લોકોની કેફિયતના આધારે પોલીસે લોહીના નમૂના પણ લેવડાવ્યા

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતુલ બેકરીના નામે ધંધો કરતા અતુલ બાબુભાઈ વેકરિયા શુક્રવારની રાત્રે પોતાની એસયુવી કાર ચલાવીને વેસુ રોડ પરથી પસાર થતો હતો. અંબાની સ્કૂલ નજીક સાઈડમાં ઉભેલી 2 મોપેડને અડફેટે લેતા ઉર્વશી ચૌધરી નામની મહિલાનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. અકસ્માતને પગલે સ્થળ પર પહોંચેલી પોલીસ અતુલને ઉમરા પોલીસમથકે લઇ ગઇ હતી. નજરે જોનારા લોકોએ પોલીસ સમક્ષ અકસ્માતના સમયે અતુલ દારૂના નશામાં હોવાની કેફિયત રજૂ કરતા તેના આધારે પોલીસે અતુલના લોહીના નમૂના લેવડાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ હિટ એન્ડ રનની ઘટનાઃ MLAની સ્પષ્ટતા, ગાડીમાં હું નહોતો

IPCની કલમ 304નો ઉમેરો કરવામાં આવ્યો

મૃતક ઉર્વશીના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે અતુલ સામે ઉમરા પોલીસ મથકમાં IPCની કલમ 279,337,338,304(અ) તથા મોટર વ્હિકલ એક્ટની કલમ 177 તથા 184 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ખરેખર તો અતુલ સામે કલમ 304 લાગવી જોઈએ તેમ હતી, પરંતુ શરૂઆતના તબક્કામાં પોલીસે એ કલમ લગાવી ન હતી. જોકે, પોલીસ દ્વારા કરાયેલા આ પ્રકારના ભેદભાવની આકરી ટીકા થતા આખરે ઉમરા પોલીસે અતુલ વેકરિયા સામે કલમ 304નો ઉમેરો કર્યો છે.

Last Updated : Mar 29, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.