ETV Bharat / city

Surat: 'સ્માર્ટ સિટી'ના ડિંડોલી વિસ્તારના લોકો ટેન્કરનું પાણી પીવા મજબૂર

author img

By

Published : Jul 23, 2021, 9:12 PM IST

Surat
Surat

સુરત સ્માર્ટ સિટીમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત દેખાઈ રહ્યા છે, પાણીની લાઇન ન હોવાથી ટેન્કરનું પાણી ભરવા લોકો મજબૂર બન્યા છે. સરકારના 'ઘર ઘર નળ, ઘર ઘર પાણી'નું સૂત્રો અહીં નિરર્થક સાબિત થઇ રહ્યું છે. ડિંડોલી વિસ્તારમાં પાણીની લાઈન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે. તેને લઈને રહીશો દ્વારા સ્થાનિક નગર સેવક સહિતના અધિકારીઓને રજૂઆતો કરી પરંતુ આજદિન સુધી તેઓની ફરિયાદ નિવારણ આવ્યું નથી.

  • સ્માર્ટ સિટીમાં લોકો ટેન્કર દ્વારા ભરે છે પાણી
  • રોડ-રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઇટની સુવિધાથી લોકો વંચિત
  • મહાનગર પાલિકાએ શૌચાલય બનાવ્યા, ડ્રેનેજ લાઈન આપવાનું ભૂલી ગયા

સુરત: સ્માર્ટ સિટીમાં ત્રીજો અને સ્વચ્છ ભારતમાં બીજો ક્રમ મેળવનારી મહાનગરપાલિકાના વિસ્તારમા લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા શિવાજી નગર, ગાયત્રીનગર, પ્રિયંકા નગર અને ગાંધીનગરમાં પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે. શિવાજી નગરમાં આજે પણ લોકો ટેન્કરથી પાણી ભરી રહ્યા છે. ગાયત્રીનગર, પ્રિયંકા નગર અને ગાંધીનગરમાં 20 વર્ષ બાદ પાણીની લાઈન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ સોસાયટીમાં આજે પણ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ નથી. દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ થતા બીમારીનું સામ્રાજ્ય ફેલાઈ છે. સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોવાના કારણે વિસ્તારમાં સાત વાગ્યા બાદ અંધારું છવાઈ જતા લોકો પોતાના બાળકો અને દીકરીઓને ઘરની બહાર મોકલતા ડરે છે.

આ પણ વાંચો- વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા, લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય

મહાનગર પાલિકાએ શૌચાલય તો બનાવી દીધા પણ ડ્રેનેજ લાઈન નથી આપી

સ્થાનિક તારા બહેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં અનેક સમસ્યાઓ છે, સ્ટ્રીટ લાઈટની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઇનની સમસ્યાઓ પણ છે. મનપા દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે પરંતુ ડ્રેનેજ લાઈન આજ સુધી બનાવવામાં આવી નથી. ડ્રેનેજ લાઇન ન બનાવવાના કારણે અમે શૌચાલયને તાળુ મારીને મૂક્યું છે. આજદિન સુધી અમારા વિસ્તારમાં પાણીની લાઈન આવી નથી. અમે અમારી સમસ્યાને લઇને સ્થાનિક નગર સેવક પાસે ગયા હતા. પરંતુ તમના દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે. આજદિન સુધી પાણીની લાઈન આવી નથી, પાણીના ટેન્કરનું પણ કંઈ નક્કી નથી. અમે બીજા વિસ્તારમાં પાણી ભરવા જઈએ છીએ અથવા અમે વેચાણથી પાણી લાવીએ છીએ. અમારા વિસ્તારમાં આંગણવાડીની વ્યવસ્થા પણ નથી. અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નથી, રોડ-રસ્તા નથી. સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રાત્રી દરમિયાન લોકો બહાર નીકળતા ડરે છે. અહિં ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે, વરસાદી પાણી સંગ્રહ થવાને કારણે મચ્છરોનું સામ્રાજ્ય પણ ફેલાયુ છે.

Surat
પાણીની લાઇન ન હોવાથી ટેન્કરનું પાણી ભરવા લોકો મજબૂર

આ પણ વાંચો- ભાવનગરમાં મેયરના વોર્ડમાં જ એક મહિનાથી પાણીના વલખા

મનપાની રિઝર્વેશન જગ્યા પર બનાવાઈ છે સોસાયટી

સ્થાનિક નગરસેવક સુધાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ જે સોસાયટીઓ છે તે મનપાની રિઝર્વેશન જગ્યા પર આવી છે. લોકોને સુવિધા પૂરી પાડવા મનપા દ્વારા 80 ટકા સ્થાનિક લોકોને રકમ ચૂકવવા જણાવ્યું હતું અને મનપા 20 ટકા ચૂકવશે. ત્યારબાદ સ્થાયી સમિતિમાં રજુઆત કરવામાં આવતા સ્થાનિક લોકોને 20 ટકા રકમ ચૂકવશે અને મનપા 80 ટકા રકમ ચૂકવશે. પરંતુ આ સોસાયટીના લોકો દ્વારા અમને કોઈ લેખિતમાં રજૂઆત કરવામાં આવી નથી. જો લેખિતમાં રજૂઆત કરવામાં આવે તો અન્ય સોસાયટીમાં અમે પાણીની સુવિધા કરી છે. આ વિસ્તારમાં પણ લોકો અમને રજૂઆત કરે તો અમે તેમની રજૂઆત સાંભળીને તેમની સમસ્યાઓનું નિવારણ લાવીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.