ETV Bharat / city

કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી

author img

By

Published : May 28, 2021, 12:38 PM IST

Updated : May 28, 2021, 10:27 PM IST

કોરોનાકાળમાં અનેક સરકારી કર્મચારીઓએ દિવસ-રાત પોતાની ફરજ બજાવી છે. ત્યારે કોરોના ફેઝ 1માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 જેટલા કર્મચારીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે, પરંતુ દુઃખની વાત એ છે કે આઠ મહિના વીતી ગયા છતાં સરકારના વાયદા મુજબ તેમાંથી માત્ર 4 કર્મચારીઓના પરિવારને જ સહાય મળી છે. બાકીના પરિવારજનો સહાયની રાહ જોઈ રહ્યા છે અને સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી
કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી

  • સરકારી કર્મચારીઓએ દિવસ-રાત પોતાની ફરજ બજાવી
  • 25 જેટલા કર્મચારીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો
  • કોરોના વોરિયર્સના પરિવારને નથી મળી સહાય
  • પરિવારજનો સહાય માટે સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે

સુરત: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાને કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને આર્થિક સહાય કરવાના અલગ-અલગ વાયદા કર્યા હતા. જો કે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજી પણ વંચિત છે. સુરત મહાનગરપાલિકામાં આશરે 22 હજાર જેટલા કર્મચારીઓ અને કામદાર ભાઈ-બહેનોએ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવી છે. જેમાંથી ફેઝ 1માં 25 અને ફેઝ 2માં 19 જેટલા કર્મીઓના મૃત્યુ થયા છે. ફેઝ 1ના જેમાંથી હજી મોટેભાગના કર્મચારીઓના પરિવારજનો સહાયથી વંચિત હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી

24 કલાક કામ કરતા હતા

અમિત સંજય સોનવણેએ ETV Bharatને જણાવ્યું હતું કે, મારા પિતા 29 વર્ષથી ફાયર ઓફિસર હતા. કોરોના દર્દીઓના વિસ્તારમાં ઓફીસ, કોમ્પલેક્ષ,મલ્ટીપ્લેક્સ સેનેટાઈઝ કરવા જતાં હતાં. 8 દિવસ સિવિલમાં સારવાર મેળવ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. મારા પિતા ઘરે આવ્યા વગર ત્યાં જે મળતું તે જમીને 24 કલાક કામ કરતા હતા. ગુજરાત સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાના કારણે મૃત્યુ બાદ સહાય કરવાના વાયદા કરવામાં આવ્યા હતા. અમને આઠ મહિનાથી કોઈ સહાય મળી નથી. અનેકવાર ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘરના વડીલ તરીકે કોઈ રહ્યું નથી ઓછા પગારે ઘર ચલાવવું અઘરું છે. અમારી સરકારને અપીલ છે કે વહેલામાં વહેલી તકે અમને સહાય મળે.

આ પણ વાંચો: મસ્કા ગ્રામ પંચાયતની સરાહનિય કામગીરીઃ મહિલાઓને તેમના ઘર સુધી પહોંચાડે છે વિધવા સહાયની રકમ

છેલ્લા 35 વર્ષથી નોકરી કરતા હતા

હુઝેફા ઇનાયત પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, મારા પિતા સરથાણા વોટર વર્ક્સમાં છેલ્લા 35 વર્ષથી નોકરી કરતા હતા. 30 જુલાઈ, 2020માં તેમનું અવસાન થયું છે. અમારી સરકારને એટલી જ દરખાસ્ત છે કે, જલ્દીથી જ 25 લાખની સહાય અમને પૂરી પાડવામાં આવે. જેથી પરેશાની ઓછી થાય અને અમારા જેવા લોકોની જિંદગી આગળ વધી શકે. તમામ પુરાવા અને દસ્તાવેજ પણ આપી દીધા છે.

આ પણ વાંચો: વડોદરા એસટી વિભાગના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને આર્થિક સહાયની માગ

કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી

સુરત સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખે ETV Bharatને જણાવ્યું હતું કે, 22 હજાર કર્મચારીઓમાંથી 15 મહિનાના આ સમયગાળામાં 2,500 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા છે. કહેતા દુઃખ થાય છે કે, આમાંથી 44 સાથી કર્મચારીઓના મૃત્યુ થયા છે. સરકારે 50 લાખની વીમા સહાયની રકમ આપવાની વાત કરી હતી અને રાજ્ય સરકારે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારને 25 લાખની સહાય કરવામાં આવશે.

મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પણ આપ્યું આવેદન

વર્ષ 2020 દરમિયાન 25 કર્મચારીઓનું અવસાન થયું છે. જેમાંથી માત્ર 4 લોકોને સહાય આપવામાં આવી છે. જ્યારે બાકીના 21 કર્મચારીઓને સહાય બાકી છે. આ વાતને 8 મહિના વીતી ગયા છે. અમે પણ આ સહાય ક્યારે મળશે તે પ્રશ્ન કરી રહ્યા છે. વારંવાર અમે મનપામાં રજૂઆત કરીએ છીએ. બીજી તરફ 5 તારીખે અમે મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પણ આવેદન આપ્યું છે, પરંતુ આજ દિવસ સુધી તેમનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. અમે ઈચ્છીએ છે કે ,જલ્દીથી જલ્દી કર્મચારીઓના પરિવારજનોને રાહત આપવામાં આવે.

Last Updated : May 28, 2021, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.