ETV Bharat / city

મનોવિજ્ઞાન ભવનનો સર્વેઃ કોરોના કાળમાં 79 ટકા લોકોને ડરામણા સ્વપ્નો આવે છે

author img

By

Published : Jul 1, 2021, 10:46 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Saurashtra University )ના મનોવિજ્ઞાન ભવન દ્વારા સ્વપ્ન વિશે સર્વે કરવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ક્રિષ્ના કાંબરિયાએ અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1350 લોકોનો સર્વે કરી જાણ્યું કે કોરોનાના સમયે લોકોને નિષેધક સ્વપ્ન અને ડરામણા સ્વપ્ન( dream )એ ક્યારેક ઊંઘમાંથી જગાડી દીધા હતા.

મનોવિજ્ઞાન ભવનનો સર્વેઃ
મનોવિજ્ઞાન ભવનનો સર્વેઃ

  • મનોવિજ્ઞાન ભવન દ્વારા સ્વપ્ન વિશે સર્વે કરવામાં આવ્યો
  • 350 લોકો પર કરવામાં આવ્યો સર્વે
  • કોરોના કાળમાં લોકોને આવ્યાં ડરામણા સ્વપ્ન

રાજકોટ: સ્વપ્ન એક એવી ઘટના છે જે આપણા બધાની સાથે થતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બધા જ લોકો સ્વપ્ન ( dream ) જોઈએ છીએ. ક્યારેક સ્વપ્ન સુખદ હોય છે તો ક્યારેક દુઃખદ હોય છે. ક્યારેક-ક્યારેક સ્વપ્ન મિશ્રિત હોય છે, એટલે કે તેનો અમુક ભાગ સુખદ હોય છે તો અમુક ભાગ દુઃખદ હોય છે. આ રીતે સપના આપણા જીવનનો એક ભાગ હોય જેના વિશે જાણવાની ઉત્સુકતા આપણને કાયમ હોય છે. ત્યારે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ક્રિષ્ના કાંબરિયાએ અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1350 લોકોનો સર્વે કરી જાણ્યું કે કોરોનાના સમયે લોકોને નિષેધક સ્વપ્ન અને ડરામણા સ્વપ્નએ ક્યારેક ઊંઘમાંથી જગાડી દીધા હતા.

સર્વેમાં પૂછવામાં આવેલ પ્રશ્નો નીચે મુજબ હતાં

શું તમને સ્વપ્ન આવે છે?

જેમાં 92 ટકા લોકોએ હા અને 8 ટકાએ ના કહ્યું

તમને કેવા પ્રકારના સ્વપ્ન આવે છે?

  • 35 ટકા ભયને કારણે ઊંઘ ઊડી જાય એવા
  • 37 ટકા એવા વિચારોના જે કોઈને કહી ન શક્યા હોઈએ એવા
  • 15 ટકા બહુ જ આનંદ આપે એવા
  • 10 ટકા નિષેધક
  • 3 ટકા વિધાયક

સ્વપ્નના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે?

જેમાં 87 ટકા લોકોએ હા અને 13 ટકાએ ના કહ્યું

શુ તમને દિવસમાં કરેલી ક્રિયાઓ અને વિચારોને અનુલક્ષીને રાત્રે સ્વપ્ન આવે છે?

જેમાં 78.80 ટકા લોકોએ હા અને 21.2 ટકાએ ના કહ્યું

ભૂતકાળમાં બનેલી ઘટનાઓને અનુલક્ષીને તમને સ્વપ્ન આવે છે?

જેમાં 75 ટકા લોકોએ હા અને 25 ટકાએ ના કહ્યું

તમે એવું માનો છો કે સવારમાં જોયેલા સ્વપ્ન સાચું થાય?

જેમાં 72 ટકા લોકોએ હા અને 28 ટકાએ ના કહ્યું

કોરોનાના કારણે તમને ડરામણા સ્વપ્ન આવ્યા છે?

જેમાં 79 ટકા લોકોએ હા અને 21 ટકા એ ના કહ્યું

લોકડાઉનના સમયે ઘરે રહેવાથી વધુ ઊંઘના કારણે સ્વપ્નમાં વધારો જોવા મળ્યો?

જેમાં 74.67 ટકા લોકોએ હા અને 25.33 ટકા એ ના કહ્યું

તમને ક્યારેય પરિવારજનોને કોરોના થઈ જશે એવા સ્વપ્ન આવ્યા છે?

જેમાં 79 ટકા લોકોએ હા અને 21 ટકા એ ના કહી

તમારી તબિયત બગડી એવા સ્વપ્ન આવ્યાં છે?

જેમાં 67 ટકા એ હા અને 33 ટકા એ ના કહ્યું

સ્વપ્ન અંગેના મંતવ્યો આપતા લોકોએ કહ્યું કે, મને વારંવાર મારા સગા વ્હાલના મૃત્યુના સ્વપ્ન ( dream ) જ આવે છે અને રોજ એક જ સમયે મારી ઊંઘ જતી રહે. ઘણીવાર જ્યારે કોઈના મૃત્યુ વિશે કઈ સાંભળું ત્યારે સતત થોડા દિવસે મને એવા જ સ્વપ્ન આવે છે. જ્યારે કોઈ અંતિમયાત્રાના રથ જોવ ત્યારે ઊંઘમાં જ હું ચાલવા લાગુ જાણે કોઈની સ્મશાન યાત્રામાં હું જોડાયો હોવ, તો એક વ્યક્તિએ કહ્યુ કે, મારી પત્નીને વારંવાર મારા મૃત્યુના જ સ્વપ્ન આવે છે જેથી એ મને ક્યાંય પોતાનાથી અળગો નથી થવા દેતી. મને સતત કોઈ જગ્યાના સ્વપ્ન આવે છે જ્યાં હું કોઈ દિવસ ગઈ જ નથી પણ એ જગ્યા મને બોલાવે છે આમ વિવિધ સ્વપ્ન લોકોએ વર્ણવ્યાં હતા.

આ પણ વાંચોઃ શુકન-અપશુકનની માન્યતાઓમાં દટાયેલું સૌરાષ્ટ્ર! : સર્વે

સવારના સ્વપ્ન સાચા પડે એ માન્યતા સાચી કે ખોટી?

આ સર્વે દરમ્યાન 81 ટકા લોકોનો સવાલ હતો કે, વહેલી સવારના સ્વપ્ન સાચા પડે એ માન્યતા સાચી કે ખોટી છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસન આ માન્યતા વિશે જણાવે છે કે, વહેલી સવારના સ્વપ્ન તે ઊંઘમાં નથી હોતા પણ તંદ્રાઅવસ્થામાં હોય છે, એટલે કે વ્યક્તિ સંપૂર્ણ સૂતો નથી અને જાગતો પણ નથી. તે અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં તે પોતાના ભવિષ્ય વિશે જુદી-જુદી કલ્પના કરતો હોય છે. એ કલ્પના કે વિચાર તેનું જીવનનું લક્ષ્ય બનતું હોય છે એ રીતે વહેલી સવારના કેટલાક સ્વપ્ન સાચા પડતા હોય છે.

સ્વપ્નની વિશેષતાઓ

પહેલા સ્વપ્નને નિરર્થક માનવામાં આવતાં હતા. પરંતુ મનોવિજ્ઞાન( Psychology ) ના પ્રયોગોએ પુરવાર કર્યું કે, સ્વપ્ન નિરર્થક નહી પણ એક સાર્થક પ્રક્રિયા છે. જેના આધારે આપણને માનસિક રોગના લક્ષણો અને તેના સ્વરૂપને સમજવામાં ઘણી મદદ મળે છે.

સ્વપ્ન સાર્થક હોય છે

સામાન્ય લોકો સ્વપ્નને અર્થહીન સમજે છે. પરંતુ અર્થહીન નથી હોતા. તેનો એક વિશેષ અર્થ હોય છે. મનોવિશ્લેષકો( Psychoanalysts ) એ અનેક ઉદાહરણ આપી એ સાબિત કર્યું છે કે, સ્વપ્નનું અલગ મહત્વ અને અર્થ હોય છે.

સ્વપ્ન પ્રતીકાત્મક હોય છે:

સ્વપ્નમાં આપણે જે કંઈપણ જોઈએ છીએ, તે હકીકતમાં અચેતનની દમિત ઈચ્છાઓનું એક પ્રતિક (ચિન્હ ) હોય છે. જોકે, આ ચિન્હનો અર્થ અલગ-અલગ વ્યક્તિઓ માટે અલગ-અલગ હોય છે, માટે તેનો અર્થ સમજવો થોડો મુશ્કેલ છે. પરંતુ તેનો અર્થ સમજતા જ સ્વપ્નનો અર્થ પણ સ્પષ્ટ થઇ જાય છે. આ રીતના ચિન્હના વ્યક્તિગત ચિહ્ન કહેવામાં આવે છે. આવા ચિહ્નનનો સબંધ વ્યક્તિની અંગત ઘટનાઓ અને સાહચર્યો સાથે વધુ હોય છે.

સ્વપ્ન વિભ્રમાત્મક પ્રવૃતિના હોય છે:

સ્વપ્નમાં વ્યક્તિ જે જુએ છે કે, અનુભવ કરે છે તે એક પ્રકારનો વિભ્રમ જ હોય છે. કેમ કે નિંદ્રા ખુલતા સ્વપ્નાવસ્થાની બધી વાતો અને દ્રશ્ય ગાયબ થઇ જાય છે. હકીકતમાં સ્વપ્નના સમયે ઘટનાઓ જેટલી સાચી લાગે છે, નિંદ્રા સમાપ્ત થતા તે એટલી જ ખોટી લાગે છે. તેનાથી સ્વપ્નના વિભ્રમાત્મક સ્વરૂપનો ખ્યાલ આવે છે.

સ્વપ્ન આત્મગત અને સ્વકેન્દ્રિત હોય છે

સ્વપ્નને સ્વગત એટલા માટે કહેવામાં આવે છે કે, તેના વિષય અને ઘટનાઓ વ્યક્તિના અંગત જીવનના અનુભવોથી સબંધિત હોય છે જેનો અનુભવ માત્ર એજ વ્યક્તિને થાય છે બીજાને નહિ. સ્વપ્ન સ્વકેન્દ્રિત પણ હોય છે. કેમ કે સ્વપ્નનું કેન્દ્ર વ્યક્તિ પોતે જ હોય છે. સ્વપ્નની યથાર્થતાઓ કેન્દ્રબિંદુની અર્થહીનતામાં સમાપ્ત થઇ જાય છે.

સ્વપ્નથી ભવિષ્યના પણ સંકેત મળે છે:

સ્વપ્નની આ વિશેષતા પર યુંગએ વધુ મહત્વ મુક્યું છે. યુંગનું કહેવું છે કે, સ્વપ્નમાં વ્યક્તિને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓનો પણ સંકેત મળે છે, માત્ર વીતેલ જીવનની દમિત ઇચ્છાઓની જ અભિવ્યક્તિ નથી થતી. યુંગએ કેટલાક ચોક્કસ પુરાવા સાથે આ યથાર્થતા અને વિશેષતા જણાવી છે.

સ્વપ્નમાં અચેતનની દમિત ઇચ્છાઓની અભિવ્યક્તિ થાય છે:

ફ્રોઈડ સ્વપ્નની આ વિશેષતા પર સૌથી વધુ ભાર મુક્યો છે. તેઓએ કહ્યું કે, સ્વપ્નમાં વ્યક્તિ અચેતનની દમિત ઇચ્છાઓને પૂર્ણ કરે છે. આમ, સ્વપ્નની ઘટનાઓ અને વિષયોના આધારે આપણને સ્પષ્ટ રીતે અચેતનના સ્વરૂપની જાણ થાય છે. લગભગ એજ કારણ છે કે, સ્વપ્નને ફ્રોઈડ ‘અચેતનની તરફ જતા રાજમાર્ગ’ કહ્યા છે. જોકે વ્યક્તિ સ્વપ્નમાં પોતાની એ ઇચ્છાઓનો સંતોષ કરવાનો પ્રયત્ન કરે છે. જેને તે સામાન્ય જીવનમાં સામાજિક નિયંત્રણના કારણે નથી કરી શકતા.

આ વિશેષતાઓથી સ્પષ્ટ થાય છે કે, સ્વપ્ન એક માનસિક ઘટના કે પ્રક્રિયા છે. જેનું મનોવૈજ્ઞાનિક રીતે ઘણું મહત્વ છે. કેમ કે, સ્વપ્ન આપણને વ્યક્તિની વીતેલી જીંદગી અને ભવિષ્યની ઘટનાઓ બંને વિશે જાણકારી પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ Survey OF Saurashtra University : આ લોકોને થાય છે કોરોનાની વધુ અસર

સ્વપ્નનાં પ્રકાર(TYPES OF DREAM)

  • ઈચ્છાપૂર્તિ સ્વપ્ન
  • કુચિંતા(દુશ્ચીનતા) સ્વપ્ન
  • દંડ સ્વપ્ન
  • ભવિષ્ય તરફી સ્વપ્ન
  • વિરોધ (પ્રતિરોધ) સ્વપ્ન
  • સમાધાન સ્વપ્ન
  • ગતિ સબંધી સ્વપ્ન

આમ વિવિધ પ્રકારના સ્વપ્ન મનોવિજ્ઞાનમાં દર્શાવેલા છે. કોરોનાના સમયમાં લોકોએ ભય અને ડરના વધુ સ્વપ્ન જોયા એવું આ સર્વેમાં જોવા મળ્યું. લોકોએ અજ્ઞાત રીતે જ કોરોનાનો ભય પોતાના મનમાં રાખી તેની નિષેધક અસર ઊંઘ પર પણ પડી. ભયની વાત કોઈની સાથે જ્યારે વ્યક્ત ન થઈ શકે, જે વાત અચેતન મનમાં હોય તે સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થતી હોય છે.

આ પણ વાંચોઃ Survey OF Saurashtra University : શું તરુણોને ઘરેથી ભાગી જવાનું થાય છે મન ? જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.