ETV Bharat / city

રાજકોટના લોધિકામાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, 4 લોકોના મોત - ગાડીઓ પણ તણાઇ

author img

By

Published : Sep 13, 2021, 5:50 PM IST

વહીવટી તંત્ર એલર્ટ, બચાવ તેમજ રાહત કામગીરી શરૂ
વહીવટી તંત્ર એલર્ટ, બચાવ તેમજ રાહત કામગીરી શરૂ

રાજકોટ સહિત જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 12 ઇંચ કરતા વધુ વરસાદ રાજકોટમાં નોંધાયો છે.

  • રાજકોટમાં 12 ઇંચ વરસાદ પડ્યો
  • લોધિકા તાલુકામાં 18 ઇંચ વરસાદ પડ્યો
  • ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા
  • કામ વગર ઘરની બહાર ન નીકળવાની તંત્રની સલાહ

રાજકોટ: રાજકોટ સહિત જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 12 ઇંચ કરતા વધુ વરસાદ રાજકોટમાં નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં નોંધાયો છે, જેમાં સરેરાશ 18 ઇંચ જેટલો વરસાદ લોધિકા તાલુકામાં થવા પામ્યો છે. રાજકોટમાં ભારે વરસાદને લઇને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે અને બચાવ તેમજ રાહત કામગીરીમાં લાગી પડયું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે, ત્યારે મનપા તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી

વરસાદની સ્થિતિ પર સતત અધિકારીઓની દેખરેખ

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ઉદ્દભવેલી પરિસ્થિતિને પગલે જિલ્લા તેમજ ગ્રામ્ય કક્ષાએ કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ નગરપાલિકા વિસ્તારમાં પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દેખરેખ સતત દેખરેખ રાખી રહ્યા છે. જિલ્લાના ભાદર, આજી-3 અને ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી આ વિસ્તારના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે વધારાનું પાણી ઉપલેટા શહેરમાં જવાની શક્યતા હોવાથી ઉપલેટા શહેરના નાગરિકોને પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટના લોધિકામાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

ભાદર ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા

ભાદર ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે આજી-3 અને ન્યારી-2 ડેમના દરવાજાઓ ઓવરફ્લોને કારણે ખોલવામાં આવશે. કાગદડી ગામે એક કારમાં ફસાયેલા 4 વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા-રાજગઢ માર્ગ ભારે વરસાદને કારણે ધોવાઇ જવા પામ્યો છે અને પાડવી ગામનો રસ્તો બંધ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનું નાળું ધોવાઇ જતા જીવાપર ગામનો રસ્તો બંધ થયો છે. લોધિકા તાલુકાના વાજડી-ચાંદલી રસ્તો બંધ થયો છે. લક્ષ્મીઇંટાળા ગામે એક મકાન પડી ગયું છે. ભારે વરસાદને કારણે પડધરી-જામનગર હાઈવે બંધ છે. ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે કોઝવેને કારણે રસ્તો બંધ થયો છે.

રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફ, તરવૈયા, એરફોર્સ સહિતની ટીમ રવાના
રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફ, તરવૈયા, એરફોર્સ સહિતની ટીમ રવાના

ગોંડલ શહેરમાં 250 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

ગોંડલ શહેરમાં 250 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ખીરસરા ગામે ફસાયેલી ગાડીમાં 3 વ્યક્તિઓ હતા. જે પૈકી એક વ્યક્તિ બચી ગયેલ છે અને અન્ય 2ની શોધખોળ ચાલુ છે. દર કલાકે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો કલેક્ટરના સંપર્કમાં રહીને પરિસ્થિતિનો અહેવાલ મોકલી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં લોધિકામાં 2, રાજકોટ શહેરમાં 1 અને ઉપલેટામાં 1 મળીને કુલ 4 મૃત્યુ નોંધાયા છે. જ્યારે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફ, તરવૈયા, એરફોર્સ સહિતની ટીમ રવાના કરવામાં આવી છે.

કારમાં ફસાયેલા 4 વ્યક્તિઓ પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા
કારમાં ફસાયેલા 4 વ્યક્તિઓ પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા

જામનગરથી એરફોર્સની ટીમ મંગાવવામાં આવી

ગોંડલ તાલુકાના કોલીથડ અને વેજલપર ગામે પૂરની પરિસ્થિતિને કારણે ફસાયેલા લોકો માટે જામનગરથી એરફોર્સની ટીમ મંગાવવામાં આવી છે, જ્યારે અલંગથી 5 બોટ અને ગોંડલથી 15 તરવૈયાઓ ધોરાજી શહેર માટે અને રાજકોટ સિટી માટે રાહત બચાવની કામગીરી માટે મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરા અને બનાસકાંઠા ખાતેથી એન.ડી.આર.એફ.ની ટીમ રાજકોટ ખાતે ટૂંક સમયમાં પહોંચી રહી છે, તેમજ પંજાબના ભટિંડા ખાતેથી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ.ની ટીમ રાજકોટ ટૂંક સમયમાં આવી પહોંચશે.

વધુ વાંચો: રાજકોટમાં 10 ઈંચ વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા

વધુ વાંચો: ગુજરાતમાં 50 ટકા વરસાદ, 14 જળશયો એલર્ટ પર - 14 જળાશયોમાં 90 ટકા પાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.